અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ત્યારે શહેર પોલીસ પણ માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. માસ્ક ના પહેરવા બદલ પોલીસની દંડાત્મક કાર્યવાહી જાણે કે લોકો માટે માથાનો દુખાવો બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે માસ્કનો દંડ ઉઘરાવતી સમયે પ્રજા અને પબ્લિક વચ્ચેના ઘર્ષણના અનેક બનાવો અગાઉ સામે આવ્યા છે. ત્યારે આજે સાબરમતી વિસ્તારમાં આવો વધુ એક બનાવ સામે આવ્યો છે.
સાબરમતી પોલીસ આજે બપોરે લગભગ પોણા બાર વાગ્યાની વિસ્તારમાં માસ્કના મેમોની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન હેલ્મેટ અને માસ્ક પહેર્યા વગર એક મહિલા ત્યાંથી નીકળી હતી. જેથી પોલીસે તેને અટકાવી હતી, અને લાઇસન્સ તેમજ વાહનના કાગળીયા માંગ્યા હતા. જોકે એક્ટિવા ચાલક મહિલા મન ફાવે તેમ બોલવા લાગી હતી.
પોલીસે આ મહિલાને માસ્ક ના પહેરવા બદલ દંડ ભરવા માટેની જાણ કરતા જ તે ઉશ્કેરાઇ ગઇ હતી અને પોતે પહેરેલ કપડા જાહેરમાં ઉતારવા લાગેલ અને મહિલા પોલીસ કર્મચારીને મારવા માટે દોડી હતી. એટલું જ નહીં મહિલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરીને બે-ત્રણ લાફા મારી દીધા હતા. બાદમાં એકટીવા લઈને ફરાર થઈ ગઈ હતી.
પોલીસની કાયદેસરની ફરજમાં અડચણરૂપ બની મારા મારી કરી ભાગી ગયેલ હોવાથી તેના વિરુદ્ધમાં પોલીસ એ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૧૮૬, ૧૮૮ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ત ૨૦૦૫ની કલમ ૫૧ (બી), તેમજ જી.પી.એકટ કલમ ૧૧૦, ૧૧૭ મુજબ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.