અમદાવાદ : શહેરના જશોદા નગર વિસ્તારમાં રહેતા એક યુગલ પરિવાર સાથે પોતાના કપડાં લઈને શહેર પોલીસ કમિશનર કચેરીએ ધામા નાખ્યા હતા. આ યુગલને ડર છે ઓનર કિલિંગનો. પ્રેમ લગ્ન કરનાર આ યુગલનો આક્ષેપ છે કે, તેઓ હાલ જીવન જોખમે જીવી રહ્યા છે. કારણ કે, તેઓને સતત ધમકી મળી રહી છે.
શહેર પોલીસ કમિશનર ઓફિસે આજે એક યુગલ રોજિંદી વપરાશની ચીજ વસ્તુ લઈને પરિવાર સાથે ધામા નાખ્યા હતા. આ યુગલનો આક્ષેપ છે કે, તેઓ એ બે વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે આ લગ્ન યુવતીના માતા-પિતાને મંજુર ન હોવાથી તેઓને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.
લગ્ન બાદ તેઓ લગભગ દોઢેક વરસ જેટલો સમય બહાર રહ્યા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી તેઓ પોતાના ઘરે આવ્યા છે, પરંતુ જ્યારથી તેઓ ઘરે આવ્યા છે ત્યારથા યુવતીના પરિવારજનો દ્વારા સતત ધમકીઓ આપવામાં આવી રહી છે અને માર પણ મારવામાં આવી રહ્યો છે. જોકે પોતાના જીવને જોખમ હોવાની રજૂઆત કરતા તેઓને પોલીસ દ્વારા રક્ષણ આપવામાં આવ્યું છે.
આ યુગલનો આક્ષેપ છે કે, ગઈકાલે યુવતીના કાકા કાકી મમ્મી ભાઇ અને કાકાની દીકરી અચાનક જ ઘરમાં ઘૂસી ગયા હતા અને યુવતીને બહાર કાઢીને તેને માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી.
જોકે બીજી તરફ તેઓનો એ પણ આક્ષેપ છે કે, તેમના રક્ષણ માટે જે પોલીસ કર્મીઓ આપવામાં આવ્યા છે તે પોલીસ કર્મીઓ પણ આ ઘટનાને જોતા રહ્યા હતા, તેઓએ પણ તેમને બચાવવા માટે આવ્યા ન હતા. જોકે પોલીસ કમિશ્નર કચેરી એ રજૂઆત કરતા તેઓને અહીંથી પ્રોટેક્શન સાથે ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. બીજી તરફ વટવા જી આઇ ડી સી પોલીસનું કહેવું છે કે, યુવતી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેને ધ્યાનમાં લઈને પોલીસે કાર્યવાહી પણ કરી છે.