અમદાવાદ : જેલમાં રહી ગોવા રબારી ખંડણીના નેટવર્ક ચલાવતો હોવાની શંકા સામે આવી છે. ગોવા રબારીના સાગરીતોએ અમદાવાદના જમીન દલાલનું અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી હતી. જે ગુનામા ક્રાઈમ બ્રાંચે (Crime Branch) એક આરોપીની ધરપકડ કરી હતી અને આજે વધુ 4 લોકોની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે જમીન દલાલ કરણ ભટ્ટનું અપહરણ કરી તેની પાસેથી 14 લાખની સોનાની ચેઇનની લૂંટ અને 1 કરોડની ખંડણી માંગવાના કેસમાં વધુ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આરોપીઓએ 17 ફેબ્રુઆરીના રોજ કેડિલા બ્રિજ પાસેથી જમીન દલાલ કરણ ભટ્ટનુ અપહરણ કર્યુ હતુ, અને અપહરણ કર્યા બાદ અલગ અલગ જગ્યાએ ગોંધી રાખી 1 કરોડની ખંડણી માંગી હતી.
આરોપીએ ફરિયાદીની 36 તોલાની 14 લાખની સોનાની ચેઈન લૂંટી લીધી હતી. ઉપરાંત અન્ય, 70 લાખ માટે ધમકી આપી હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જમીન દલાલ અને વેપારીને ધમકાવી રૂપિયા પડાવી ખંડણી ગેંગના મુખ્ય સુત્રધાર તરીકે ગોવા રબારીનુ નામ સામે આવી શકે છે. લુંટ, ખંડણી અને ધમકીના ગુનામા ભલે 10 આરોપી સંડોવાયેલા હોય, પરંતુ ભૂજ જેલમાં બંધ ગોવા રબારી આ ખંડણીની ગેંગ ચલાવતો હોવાની શકયતા છે.
કારણ કે, લુંટમા ગયેલી સોનાની ચેઈન પણ પોલીસે ગોવા રબારીના ઘરેથી કબ્જે કરવામા આવી હતી અને તપાસમાં સામે આવ્યું છે કે, ગોવા રબારીએ જ સાગરીતોને કીધું હતું કે, મારી પત્નીને સોનાની ચેઇન આપી દેજો. જોકે હાલ ગોવા રબારીની પત્ની બહાર છે અને તેનું પણ નિવેદન લેવામાં આવશે.
જમીન દલાલ પાસેથી 1 કરોડ વસુલવા માટે આરોપીએ તેને અને તેના મિત્રની હત્યાની ધમકી પણ આપી હતી. જોકે હવે પોલીસ ખંડણીના નેટવર્કનો પર્દાફાશ કરવા અમદાવાદથી ભૂજ જેલ સુધી તપાસ લંબાવશે, ત્યારે જોવુ એ રહ્યુ કે, પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.