Home /News /madhya-gujarat /અમદાવાદ: 'તમે ખોટા પૈસા ઉઘરાવો છો'- માસ્ક ન પહેરનાર પાંચ લોકોની પોલીસ સાથે બબાલ
અમદાવાદ: 'તમે ખોટા પૈસા ઉઘરાવો છો'- માસ્ક ન પહેરનાર પાંચ લોકોની પોલીસ સાથે બબાલ
પ્રતીકાત્મક તસવીર
Ahmedabad mask drive: પ્રજાસત્તાક દિન નિમિત્તે જ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે લોક સંદેશ આપી કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાનો સુમેળ હોવો જોઇએ.
અમદાવાદ: છેલ્લા એક માસમાં માસ્ક (Mask) બાબતે પોલીસ ડ્રાઈવ (Police drive) દરમિયાન ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે. લોકો રસી (Corona vaccine) આવતા જ કોરોનાની ગંભીરતા ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન પોલીસ સાથેનો ઘર્ષણનો વધુ એક બનાવ બનતા કાર્યવાહી થઈ છે. પાંચ લોકો એકઠા થયા હતા તેમાંથી ત્રણ લોકોએ માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમને દંડ (fine) ભરવા કહ્યું હતું. જોકે, સામો પક્ષ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યો હતો અને કહ્યુ હતુ કે, 'તમે ખોટા પૈસા ઉઘરાવો છો. દંડ નહીં ભરીએ, થાય તે કરી લો.' નવાઈની વાત તો એ છે કે પોલીસની પૂરતી ટીમ હોવા છતાંય પાંચમાંથી બે લોકો ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઘનશ્યામભાઈ તેમની ટીમના સભ્યો સાથે આ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. ત્યારે સીજી રોડ પરના મ્યુનિસિપલ માર્કેટ પાસે કેટલાક લોકો ટોળે વળેલા હતા. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. ત્યારે પાંચમાંથી ત્રણેક લોકોએ માસ્ક ન પહેર્યું હોવાથી તેઓને દંડ ભરવા જણાવ્યું હતું. જોકે, તેમાંથી કેટલાક લોકોએ માસ્કના દંડ બાબતે પોલીસ સાથે બબાલ કરી હતી. યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે 'તમે લોકો ખોટા પૈસા ઉઘરાવો છો, અમે દંડ નહીં ભરીએ. થાય તે કરી લો.' જે બાદમાં પોલીસે દંડ નહીં ભરો તો પોલીસ સ્ટેશન આવવું પડશે તેવી વાત કરી હતી.
આ દરમિયાન પાંચેય લોકોએ બૂમાબૂમ કરી પોલીસને ધક્કે ચઢાવી હતી અને પાંચમાંથી બે લોકો ભીડનો લાભ લઇને ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે પોલીસે અહીં હાજર આકાશ પટેલ અને પિતા-પુત્ર એવા મહેન્દ્ર પટેલ અને તેના પુત્ર જય પટેલને ઝડપી પાડ્યા હતા. જ્યારે ફરાર થયેલા જયમીન પટેલ અને ધર્મેશ પટેલની શોધખોળ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એક માસમાં જ પોલીસ સાથે દંડ ભરવાની બબાલના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે લોક સંદેશ આપતા કહ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાનો સુમેળ હોવો જોઇએ. પરંતુ લોકો કોરોનાની રસી આવી ગઈ છે તેમ માનીને આ બીમારી કેટલી ગંભીર છે તે ભૂલી ગયા છે અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરી રહ્યા છે.