અમદાવાદ : શહેરના જુહાપુરા (Juhapura, Ahmedabad) વિસ્તારોમાં આજે, રવિવારે વહેલીસવારે 8 જેટલી દુકાનોમા આગ (fire) લાગવાની ઘટના સામે આવી છે. જોકે, ફાયરવિભાગની ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. પ્રાથમિક તારણ પ્રમાણે, આ આગ શોર્ટ સર્કિટને (fire due to Short circuit) કારણે લાગી હોવાનું અનુમાન છે. સદનસીબે, હજી કોઇ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. મહત્વનું છે કે, ત્રણ દિવસ પહેલા પણ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી અને તેમાં પણ શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી હતી.
દૂરદૂર સુધી ધુમાડો પ્રસરાયો
જુહાપુરા વિસ્તારમાં આગ એટલી ઝડપથી લાગી હતી કે, એકસાથે આવેલી 15 દુકાનોને પોતાની ચપેટમાં લઇ લીધી. વહેલી સવારે લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભીષણ હતી કે, દૂર દૂરથી આગના ગોટેગોટા દેખાઇ રહ્યાં હતા. દુકાનોની આસપાસના રહેણાંક વિસ્તારના લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા અને લોકોમાં ડરનો માહોલ છવાયો હતો.
આગ એટલી ભીષણ હતી કે, દુકાનોમાં રહેલો મોટભાગનો સામાન બળીને ખાખ થઇ ગયો છે. આ ભીષણ આગના સમાચાર વાયુવેગે ફેલાતા મોટી સંખ્યામાં લોકો દોડીને ઘટનાસ્થળે આવી ગયા હતા. જોકે, ફાયર વિભાગની કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
ત્રણ દિવસ પહેલા પણ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી આગ
શહેરમાં શોર્ટ સર્કિટને કારણે અનેકવાર આગનાં બનાવ બનચા હોય છે. ત્રણ દિવસ પહેલા પણ, અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. એક કલાકની જહેમત બાદ ફાયર વિભાગના 50 જેટલા જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટસર્કિટના આધારે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.