અમદાવાદ : શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક આધેડ સામે ફરિયાદ નોંધાઇ છે. આ આધેડના ઘર પાસે એક પાંચ વર્ષની બાળકી રમતી હતી. આધેડે આ બાળકીને લાલચ આપીને તેની પાસે બોલાવી હતી અને તેને કિસ કરીને મોઢા પર બચકાં ભરી લીધા હતા. પરિવારજનોને જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
સૈજપુર બોઘા ખાતે રહેતો યુવાન દુકાન ધરાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના મકાન પાસે જ તેમના સસરા પણ રહે છે. ગત તા. 27મીના રોજ તેમની પાંચ વર્ષની બાળકી જમી રહી ન હતી. જેથી પરિવારે પૂછ્યું તો તેણે કહ્યું કે ગઇકાલે એટલે કે તારીખ 26મીના રોજ તેણી નાનાના ઘરે રમવા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં રહેલા ક્રિષ્નાભાઇ ત્યાં આવ્યા અને તેને રમાડવા લાગ્યા હતા.
બાદમાં આધેડે તેના હોઠ પર કિસ કરી હતી. બાળકી રડવા લાગતા આધેડે તેને બચકાં ભરી લીધા હતા. જેનાથી બાળકીને ઈજા થતાં તેણી જમી શકતી ન હતી. બાળકીના મોઢે આવી વાત સાંભળીને માતાપિતાને પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે બાળકીના માતાપિતાએ ક્રિષ્નાભાઇ નામના આધેડ સામે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:January 29, 2020, 11:05 am