હાલ અમદાવાદમાં કારમાંથી માત્ર સાઇલન્સરની ચોરી ઘણી જ ચર્ચામાં આવી છે. શહેરમાં છેલ્લા 3 મહિનામાં 70થી વધુ કારના સાઇલેન્સરની ચોરી થઇ છે. થોડા દિવસ પહેલા જ વટવા, અસલાલી અને સરખેજમાં કારના ગોડાઉનમાંથી એકસાથે 22 કારના સાઇલેન્સરની ચોરી થઇ હતી. ત્યારે આપણને એક પ્રશ્ન સહજ થાય કે, ચોરો કારમાંથી સાઇલન્સરની જ ચોરી કેમ કરે છે. કારના સાઇલન્સરમાં પેલેડિયમ નામની કિંમતી ધાતુ હોય છે. જેથી ચોરો કારનું સાઇલેન્સર કાઢીને તેમાંથી કિંમતી ધાતુ લઇને તેને બજારમાં વેચે છે. પેલેડિયમ ધાતુની બજાર કિંમત ગ્રામ દીઢ પાંચથી સડા પાંચ હજાર હોય છે.
ચોરો ઇકો કારના સાઇલન્સરની જ ચોરી કેમ કરે?
ઇકો કારમાં સાઇલેન્સર કાઢવું ચોરો માટે સરળ હોય છે. આ સાથે તેમાં કિંમતી ધાતુનો પાઉડર વધુ પ્રમાણમા મળતો હોવાથી સૌથી વધુ ઇકો ગાડીને ટાર્ગેટ બનાવતી હતી. સામાન્ય સાઇલેન્સર ચોરાયુ હોવાથી કાર માલિકને થતું કે ક્યાક પડી ગયુ હશે અથવા ચોરી ગયુ હશે તેથી તેમાં ફરિયાદો ઓછી થતી હોવાનુ પણ સામે આવ્યું છે.
ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. પી. ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતું કે, ચોરી કરતી ગેંગ ઝડપવા વિવિધ ટીમો કામ કરી રહી છે. અગાઉ મુંબઈમાં માત્ર સાઇલેન્સરના કેટાલિટિક કન્વર્ટરની ચોરીઓ કરતી ગેંગ પકડાઈ હતી. આ પહેલા આણંદ જિલ્લામાં ઇકો કારના સાઇલેન્સર ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. ઘટના અંગે જિલ્લા એલસીબી પીઆઇ કે.જી.ચૌધરીની ટીમે સીસીટીવી જોતા બહાર આવ્યું કે, ચોરી કરવા આ ગેંગ ફોર્ચ્યુનર કાર લઇને આવી હતી. પોલીસે મેળવેલી માહિતી મુજબ, બધેથી સાયલન્સર ચોરીને આ ગેંગ તેમાંથી પાવડર કાઢી પહેલા ભરુચ વેચતી, ત્યાંથી આ પાવડરની ખરીદી મહેસાણામાં થતી અને ત્યાંથી દિલ્હી- મુબંઇની ગેંગ આ પાઉડર ખરીદી કરતી હોવાનુ બહાર આવ્યું છે.
પેલેડિયમ પોલ્યુશનને ફિલ્ટર કરે છે
ભારતમાં દરેક વ્હિકલમાં એમીશનના સ્ટાન્ડર્ડ જાળવવા એકઝોસ્ટ સિસ્ટમમાં કન્વર્ટર હોય છે. આ સિસ્ટમ વાહનમાંથી આવતા અવાજને ઓછો અને પોલ્યુશનને ફિલ્ટર કરે છે. આ પ્રોસેસને રેડોક્સ રિએક્શન કહે છે. આ પ્રોસેસ માટે એક્ઝોસ્ટ પાઇપની સપાટી પર આનું કોટીંગ આવે છે. જોકે નવા વાહનમાં આ પ્રમાણ વધારે હોય છે. પેલેડિયમ એક સફેદ ધાતુ છે. પેલેડિયમ એ પ્લેટિનમ જૂથની 6 પૈકીની 1 કીમતી ધાતુ છે, જેનો 85 ટકા ઉપયોગ કારમાં કરાતો હોય છે. પેલેડિયમનો ઉપયોગ ઓટો મોબાઇલ ઉપરાંત દાગીના બનાવવામાં, દાંતની સારવારમાં પણ થાય છે.