અમદાવાદ :કોરોના મહામારી (coronairus) વચ્ચે બર્ડ ફ્લૂના (Bird flu) વધતા કેસોએ ગુજરાત સરકારની ચિંતા વધારી દીધી છે. ગુજરાત (Gujarat) સહિત અત્યાર સુધીમાં 10થી વધુ રાજ્યોમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ ચૂકી છે. આ રાજ્યોમાં ગજરાત ઉપરાંત કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને દિલ્હીનો સમાવેશ થાય છે. ત્યારે બુધવારે શહેરના (Ahmedabad) નારોલ વિસ્તારમાં આવેલા આકૃતિ ટાઉનશિપમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થયા હતા. જે બાદ પશુપાલન ખાતાને જાણ કરાતાં પશુપાલન વિભાગની ટીમે ઘટનાસ્થળે આવી મૃત કબૂતરોના સેમ્પલ લઇ ભોપાલ લેબમાં (bhopal Lab) તપાસ માટે મોકલી આપ્યા હતા. બર્ડ ફ્લૂની આશંકાને કારણે ઘટનાસ્થળે સેનેટાઇઝ અને ફોગિંગ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે
નારોલ-વટવા જીઆઇડીસીની વચ્ચે આવેલા આકૃતિ ટાઉનશીપમાં બુધવારે આશરે 66 કબૂતરોના મોત થયાનું સામે આવ્યું હતુ. જેની ગંભીરતાને ધ્યાને લઇ પશુપાલન ખાતાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બર્ડ ફ્લૂને લઇને કબૂતરના સેમ્પલ સાથે એક ટીમને ભોપાલ રવાના કરી છે. બે દિવસમાં ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. ઘટનાસ્થળની નજીકમાં ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. તો ટોક્સિનયુક્ત ચીજ ખાધી હોવાથી પણ કબૂતરોના મોત થવાની શંકા દર્શાવવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, વર્ષ 2017માં અમદાવાદના હાથીજણ ગામે અને મેમનગરમાં બર્ડ ફ્લુના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. તે સમયે હાથીજણમાં અંદાજે 1400થી વધુ અને મેમનગરમાં 250થી વધુ મરધા સહિતના પક્ષીઓને મારી નાંખીને જમીનમાં દાટી દેવા પડયા હતા. બંને સ્થળોએ 1 કિ.મી.સુધીનો વિસ્તાર 3 મહિના સુધી સીલ કરી દેવામા આવ્યો હતો. જેના કારણે આખા શહેરમાં ફફડાટ વ્યાપી ગયો હતો.