અમદાવાદ: કોરોના મહામારી (Corona pandemic) વચ્ચે અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં 144મી રથયાત્રા (144th Rath Yatra) યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે ગુરૂવારે 24મી જૂનનાં રોજ રથયાત્રા પહેલા થતી જળયાત્રા (Jal Yatra) મહોત્સવનો ભૂદરનાં આરેથી શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરની સાબરમતી નદીના (Sabarmati River) સોમનાથ ભૂદરના આરેથી કળશમાં જળ ભરી મંદિરમાં લાવવામાં આવ્યું અને તેનાથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh jadeja) હાજર રહ્યા હતા.
મંદિરમાં વેક્સિનેશન સેન્ટર શરૂ થયું
જળયાત્રા સંપન્ન થયા બાદ નીતિન પટેલે જણાવ્યું કે, આજે જગન્નાથ મંદિરમાં અનેરો મહોત્સવ યોજાયો છે. ગૃહમંત્રી અને ટ્રસ્ટીઓની હાજરીમાં જળ લાવી અને મર્યાદિત સંખ્યામાં ભગવાનનો પવિત્ર જળથી જળાભિષેક થયો છે. તમામ ધાર્મિક વિધિ સંપન્ન થઇ છે. આજના શુભ પ્રસંગે મંદિરમાં પણ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે. અમદાવાદ પોલીસની મદદથી આ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે.
(તસવીર-દિપીકા ખુમાણ)
ભગવાનનો થયો જળાભિષેક
સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી જળયાત્રા મંદિરમાં આવી પહોંચી છે. હવે પાંચ કળશમાં જળ ભરીને મંદિરમાં લાવવામાં આવેલું અને એનાથી ભગવાનનો જળાભિષેક કરાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ સાબરમતી નદીમાંથી જળ કળશમાં ભર્યું હતું.
જળાભિષેક વિધિ (તસવીર-દિપીકા ખુમાણ)
ભક્તોમાં થનગનાટ
જળયાત્રાને આવકારવા માટે ભક્તો પણ ઉતાવળા બન્યા છે. એકતરફ ભૂદરનાં આરેથી જળયાત્રા નીકળી ગઇ છે તો બીજી બાજુ મંદિરમાં ભક્તોનો ઉત્સાહ સમાતો નથી. ભક્તો ગાઇ રહ્યાં છે, કે 'આજની ઘડી તો રળિયામળી રે, મારા વ્હાલા આવ્યાંની વધામળી રે'
મંદિરમાં ભક્તો (તસવીર-દિપીકા ખુમાણ)
ભૂદરનાં આરે આરતી કરીને જળયાત્રાનું પ્રસ્થાન
રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જગન્નાથ મંદિરનાં મહંત દિલીપદાસજીએ ભૂદરનાં આરે માતાજીની ભાવપૂર્ણ આરતી કરી હતી. જે બાદ કોરોના પ્રોટોકોણ પ્રમાણે એકદમ ઓછા લોકોસાથે જળયાત્રા નીકળી હતી. આ જળયાત્રામાં પાંચ કળશ અને એક ગજરાજ હતા. જ્યારે અન્ય બે ગજરાત મંદિરનાં પ્રાંગણમાં વિધિ માટે સજ્જ છે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતેગાજતે ભક્તોનાં ઉત્સાહ સાથે આ જળયાત્રા યોજાતી હોય છે, પરંતુ કોરોના મહામારીને કારણે આજે જળયાત્રા સાદાઈથી મર્યાદિત લોકો અને ભક્તો વિના યોજાઇ રહી છે.
ભૂદરનાં આરે આરતી (તસવીર-દિપીકા ખુમાણ)
મર્યાદિત લોકો રહેશે હાજર
કોરોના મહામારીને કારણે આ વખતે જળયાત્રામાં મર્યાદિત લોકો જ હાજર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ કોરોનાને કારણે જળયાત્રા અને રથયાત્રા વખતે મંદિરમાં મર્યાદિત લોકો હાજર રહ્યા હતા. આ વખતે એક ગજરાજ સાબરમતી નદીના આરે રહેશે.
જ્યારે અન્ય ગજરાજો મંદિરના પ્રાંગણમાં ઉભા રહેશે. જળયાત્રામાં 5 કળશ, 5 ધ્વજ પતાકા સાથે આ વખતે રહેશે. સાબરમતી નદી કિનારે સોમનાથ ભૂદરના આરેથી કળશમાં પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. દર વર્ષે 108 કળશમાં પાણી ભરી વાજતેગાજતે જળયાત્રા યોજાય છે, પરંતુ કોરોના મહામારીને કારણે જળયાત્રા સાદાઈથી ઓછા લોકો અને ભક્તો વિના યોજાશે. મંદિરમાં જળયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
જશયાત્રા અંગે મંદિરના મહંત દિલીપદાસજીએ મહત્ત્વની માહિતી આપતા જણાવ્યું હતું કે, રથયાત્રા પહેલાં જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા મહોત્સવ યોજાતો હોય છે. જેમાં ગંગા નદીનું પાણી લાવી એનાથી ભગવાનનો અભિષેક કરવામાં આવતો હોય છે. જળયાત્રાની સવારે કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવશે. બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવશે. ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવશે. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. કોરોનાની ગાઇડલાઇન્સના પાલન સાથે 50થી ઓછા લોકો હાજર રહેશે. આ મહોત્સવમાં મંદિરના મહંત અને ટ્રસ્ટીઓ જ જોડાશે, ભક્તો નહીં જોડાઇ શકે. રથયાત્રા અંગે નિર્ણય માટે બેઠકનો દોર ચાલુ છે
મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, રથયાત્રાને લઈને પોલીસની પરવાનગી માંગવામાં આવી છે. પોલીસ સાથે સતત મિટિંગનો દોર ચાલુ છે. એક નિર્ણય લેવાઇ ગયા બાદ તેઓ તેને જાહેર કરશે. મંદિર દ્વારા રથયાત્રાને લઇ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથનું સમારકામ, ગાજરાજોની ફિટનેસ, અખડીયાનોના કરતબ, મોસાળાના સહભાગીઓની પસંદગી વગેરે તૈયારીઓ જોવા મળી રહી છે. નોંધનીય છે કે, AMC અને પોલીસની પણ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર રિહર્સલ કરવામાં આવ્યું હતું. રૂટ પરની ભયજનક વસ્તુઓ દૂર કરવામાં આવી રહી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMC દ્વારા પણ રસ્તાને રીસરફેસ કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.