અમદાવાદ: સોશિયલ મીડિયામાં રેમડેસિવીર ઇન્જેક્શન (Remdesivir injection)નું વેચાણ કરતા ઠગોથી ચેતવાનો વારો આવ્યો છે. કારણ કે તમારી સાથે પ્રોફેશનલી વાતચીત કરીને આવા ઠગબાજો લોકોનું બેંક બેલેન્સ (Bank balance) ઓછું કરી રહ્યા છે. વેજલપુર વિસ્તારમાં રહેતી એક યુવતીને ફેસબુક મારફતે રેમડેસિવીર ઇન્જેક્શન મંગાવવુ મોંઘું પડ્યું છે. યુવતી પાસેથી 8,500 રૂપિયા એડવાન્સ લઇ લીધા બાદ ઇન્જેક્શન ન મોકલાવીને ગઠિયાએ છેતરપિંડી (Cheating) આચરી છે.
વેજલપુર વિસ્તારમાં રહેતા અને કર્ણાવતી યુનિવર્સિટી ખાતે સીનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા માનીની શાહે ક્રાઇમ બ્રાંચમાં સાગર પ્રજાપતિ (Sagar Prajapati) વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. માનીની શાહના સંબંધીને કોરોના થયો હોવાથી તેમને રેમડેસિવીર ઇન્જેક્શનની જરૂર હતી. જેથી તેણીએ ઇન્જેક્શન માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ઇન્જેક્શન ન મળતા માનીની શાહના પડોશમાં રહેતા યશ નામના યુવકે રેમડેસિવીર ઇન્જેક્શન આપવા માટેનું કહ્યુ હતું. યશે માનીનીને કહ્યુ હતું કે, ફેસબુક પર સાગર પ્રજાપતિ નામનો વ્યક્તિ રેમડેસિવીર ઇન્જેક્શન આપે છે.
યશે સાગરને ફોન કરીને તેને છ ઇન્જેક્શનની જરૂર હોવાનું કહ્યુ હતું. સાગરે એકદમ પ્રોફેશનલી વાત કરી હતી અને દર્દીનું નામ, આધારકાર્ડ તેમજ ઇન્જેક્શન રિસીવ કરે તેનું આધાર કાર્ડ, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મંગાવ્યુ હતું. સાગરે એક ઇન્જેક્શનના 2,800 રૂપિયા કહ્યા હતા, આ રીતે છ ઇન્જેક્શનના 16,800 થતા હતા અને ડિલીવરી ચાર્જ 200 રૂપિયા વધારાનો ગણ્યો હતો. સાગરની વાત પર ભરોસો કરીને માનીનીએ અડધા રૂપિયા એટલે કે 8,500 ઑનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા.
રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ સાગરે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું અને માનીની તેમજ યશનો નંબર બ્લોક કરી દીધો હતો. માનીની સાથે છેતરપિંડી થતા તેણીએ તરત જ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી. ક્રાઇમબ્રાંચે આ મામલે ગુનો દાખલ કરીને સાગરને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાતમાં આવા અનેક કિસ્સા સામે આવ્યા હતા. જેમાં સોશિયલ મીડિયા થકી સંપર્ક કરનાર લોકોએ રૂપિયા ગુમાવ્યા હતા. સાઇબર ક્રાઇમ પણ આવા તત્વો પર બાઝ નજર રાખી રહી છે. હાલ નોંધાયેલી ફરિયાદના આરોપીએ એક જ મહિલા સાથે આવી છેતરપિંડી કરી છે કે અન્ય લોકો પણ ભોગ બન્યા છે તેની વિગતો આરોપીની ધરપકડ બાદ જ સામે આવશે.