અમદાવાદ: શહેરમાં રહેતી એક મહિલાએ પતિ સામે પોલીસ ફરિયાદ (Wife files complaint against husband) નોંધાવી છે. જેમાં તેણીએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન (marriage) બાદ થોડા દિવસ પછી તેનો પતિ તેનાથી અલગ ઊંઘી જતો હતો અને પત્ની તરીકેના સંબંધ રાખતો ન હતો. કોઈવાર તેની ઈચ્છા હોય તો સાથે આવીને ઊંઘી જતો બાદમાં પાછો અલગ જઈને ઊંઘી જતો હતો. આટલું જ નહીં, યુવકે તેના માતાપિતાના કહેવાથી લગ્ન કર્યા હતા. તું ગમતી નથી એવું કહેતો હતો. આ મામલે યુવતીએ આખરે કંટાળીને પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
હાલ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી ચારેક મહિનાથી તેના માતાપિતાના ઘરે રહે છે અને પાલડી ખાતે આવેલા બ્યુટી પાર્લરમાં નોકરી કરે છે. યુવતીના લગ્ન વર્ષ 2020માં રાણીપ ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી. લગ્નના ચાર-પાંચ દિવસ બાદ આ યુવતીનો પતિ તેનાથી અલગ રહેવા લાગ્યો હતો અને તેની સાથે પત્ની જેવો વ્યવહાર કરતો ન હતો. યુવતી સાથે કામ પુરતા જ સંબંધ રાખી અલગ જઈને ઊંઘી જતો હતો. યુવતીએ તેના પતિને આવું વર્તન કરવા પાછળનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે, "તું મને ગમતી નથી. મેં મારા માતાપિતાના કહેવાથી તારી સાથે લગ્ન કર્યા છે."
જોકે, સંસાર બગડે નહીં તે માટે યુવતી આ તમામ સહન કરતી હતી. યુવતીએ તેના પતિના આવા વર્તન અંગે સાસુ-સસરાને કહેતા સાસુ-સસરાએ થોડા સમય પહેલાં જ લગ્ન થયાં છે, સમય વીતશે એટલે આપોઆપ બધું સારું થઈ જશે તેમ કહી દિલાસો આપ્યો હતો. યુવતીનો પતિ તેને પત્ની તરીકે માનવા તૈયાર ન હતો. જોકે, તેની ઇચ્છા હોય ત્યારે શરીર સંબંધ બાંધીને અલગ સૂવા માટે જતો રહેતો હતો. યુવતીથી તેના પતિનું આવું વર્તન સહન ન થતાં તેણે તેણીના માતાપિતાને આ બાબતે વાત કરી હતી અને સાથે જ પિયરમાં રહેવા જતી રહી હતી.
બાદમાં પિયર પક્ષ અને સાસરી પક્ષના લોકોએ આ મામલે સમજાવટ માટે બેઠક પણ કરી હતી. તે દરમિયાન યુવતીના પતિનો જન્મ દિવસ આવતા તેને તેના સાસુ-સસરા પિયરમાંથી તેડવા આવ્યા હતા. સંસાર ન બગડે તે માટે ફરી એકવાર આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. પરંતુ તેના પતિએ આવું જ વર્તન ચાલુ રાખ્યું હતું. ફરી એક વખત સાથે રહ્યા બાદ સાસરિયાઓએ આ યુવતીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને પિયરમાંથી શા માટે પાછી આવી? તને કોઈએ બોલાવી નથી તેમ કહી ધક્કો મારીને કાઢી મૂકી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પતિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.