અમદાવાદ: શહેરમાં રહેતી 19 વર્ષની ગરીબ પરિવારની વિદ્યાર્થિની (Student)ને અભ્યાસ માટે સ્કોલરશીપની ખૂબ જરૂર હતી. તેવામાં તેમની ચાલીમાં રહેતો સેમસન ક્રિશ્ચિયન કાયદાકીય જ્ઞાનના પ્રોત્સાહન માટે પત્રિકા વહેંચવા આવ્યો હતો. બાદમાં તેના પર વિશ્વાસ આવતા 19 વર્ષીય વિદ્યાર્થિની તેની ઓફિસે ગઈ હતી. જ્યાં તેને સ્કોલરશીપ (Scholarship)ની મદદ કરવાનું કહી આ લંપટે વિદ્યાર્થિનીને પોતાની પ્રેમજાળ (Love)માં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે તે વિદ્યાર્થિનીને પોતાની ઓફિસમાં બેસાડી રાખતો હતો. આ ઉપરાંત તેની એઠી કોફી (Coffee) પણ પીવડાવતો હતો. વિદ્યાર્થિનીને સંકોચમાં મૂકાય તેવા મેસેજ પણ કરો હતો. સ્કોલરશીપ મેળવવા માટે ડરના માર્યા વિદ્યાર્થિની આ તમામ બાબતો સહન કરતી હતી. સ્કોલરશીપ મળતા જ તેણીએ આ લંપટને પાઠ ભણાવવા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં રહેતી 19 વર્ષીય વિદ્યાર્થિની કાલુપુરમાં આવેલી એક સ્કૂલ ઑફ નર્સિંગમાં અભ્યાસ કરે છે. તેની માતા મજૂરી કામ કરે છે અને પિતા પેડલ રિક્ષા ચલાવે છે. વર્ષ 2020ના નવેમ્બર મહિનામાં તેમની ચાલીમાં એક વ્યક્તિ પત્રિકા વહેંચવા માટે આવ્યો હતો. જેણે વિદ્યાર્થિનીના સમાજને ઉજાગર થાય તે સારું કાયદાકીય જ્ઞાનના પ્રોત્સાહન માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું. સેમસન ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ પોતાનું વિઝિટિંગ કાર્ડ અને મોબાઈલ નંબર સાથેની પત્રિકા આપી હતી. ત્યારબાદ ત્રીજી નવેમ્બરના રોજ આ વિદ્યાર્થિની તેના ફોઈ સાથે સેમસનની ઓફિસે ગઈ હતી. જ્યાં તેઓએ સમાજને મદદ કરવાની ભાવના હોવાનું જણાવી વિદ્યાર્થિનીનો વિશ્વાસ જીત્યો હતો.
આ વિદ્યાર્થિની જે સ્કૂલમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી ત્યાં તેણીને બીજા વર્ષમાં સ્કોલપશીપ મળી ન હતી. જેથી તેણી તમામ ડોક્યુમેન્ટ સાથે સેમસનની ઓફિસે આવી હતી. ત્યારબાદ સેમસન વિદ્યાર્થિનીને રોજ ઓફિસે બોલાવતો હતો અને તેણીની દરેક એક્ટિવિટી ઉપર નજર રાખતો હતો. વિદ્યાર્થિની શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે તે તમામ પ્રકારની માહિતી તે રાખતો હતો. વિદ્યાર્થિની સેમસનની ઓફિસે જાય ત્યારે તેનો ફોન પણ લઈ લેતો હતો. કોઈના ફોન પણ ઉપાડવા દેતો ન હતો. જો કોઈનો ફોન આવે તો તે નંબર નોંધી લેતો હતો. મોડી રાત સુધી વિદ્યાર્થિનીને ઓફિસમાં જ બેસાડી રાખતો હતો. વિદ્યાર્થિની તેના ફોઈને સાથે લઈ જતી ત્યારે તેના ફોઈને બીજા રૂમમાં બેસાડી દેતો હતો.
સેમસન ઓફિસમાં એકલો હોય ત્યારે તે પોતાની કોફીના કપમાંથી વિદ્યાર્થિનીને કોફી પીવાનું કહેતો હતો. વિદ્યાર્થિની ના કહેતી તો સ્કોલરશીપનું કામ નહીં થાય તેવી ચીમકી આપતો હતો. બાદમાં પાંચમી ડિસેમ્બરના રોજ સેમસનનો મેસેજ પણ આવ્યો હતો. જેમાં તેણે લખ્યું હતું કે, "Today you looking smart and decent. I appreciate your dress sense." જેનો વિદ્યાર્થિનીએ કોઈ જવાબ આપ્યો ન હતો. 13 ડિસેમ્બરના રોજ આ વિદ્યાર્થિની પર સેમસનનો ફરી એક ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. જેમાં "Do you love me? If answer is yes then tell me" એવું લખાણ લખ્યું હતું. આ મેસેજ વાંચીને વિદ્યાર્થિની ડરી ગઈ હતી. જોકે, સ્કોલરશીપની જરૂર હોવાથી તેણી આ બધું સહન કરતી રહી હતી.
અમુક સમયે સેમસન વિદ્યાર્થિનીને મોઢા ઉપર બાંધેલો દુપટ્ટો હટાવવાનું કહીને સાઈડમાં મૂકાવી દેતો હતો. આટલું જ નહીં, ઘણી વખત તેણે વિધાર્થિનીનો હાથ પકડીને તેના હાથ ઉપર પોતાના નામનો અક્ષર પણ લખ્યો હતો. વિદ્યાર્થિની વિરોધ કરે તો તેને સ્કોલરશીપ નહીં મળે તેમ કહી કરિયર બગડી જશે તેવી ધમકી આપતો હતો.
" isDesktop="true" id="1070911" >
18 ડિસેમ્બરના રોજ લાલ દરવાજા ખાતે વિદ્યાર્થિનીએ તેની સ્કોલરશીપ અંગે તપાસ કરતાં સ્કોલરશીપ મંજૂર થઈ ગઈ હતી. આ દરમિયાન સેમસનની હિંમત વધી ગઈ હતી અને તેણે વિદ્યાર્થિનીની કૉલેજમાં જઈને તેણીને બદનામ કરવા માટે તેના પ્રિન્સિપાલને તેના વિશે ખોટી વાતો કરી હતી. આ હરકતોથી વિદ્યાર્થિની ત્રસ્ત થઈ ગઈ હતી. બાદમાં સ્કોલરશીપ મળી જતાં વિદ્યાર્થિનીએ ડર રાખ્યા વગર તેના માતાપિતાને સેમસને કરેલા કૃત્ય અંગેની જાણ કરી હતી. આ બાબતને લઈને પુરાવા સાથે વિદ્યાર્થિનીએ પોલીસ ફરિયાદ નોંધાવતા એસ.સી.એસ.ટી સેલએ તપાસ શરૂ કરી છે.