અમદાવાદ: સ્વદેશી ફાયર રોબોટ 'શેષનાગ' 700 ડિગ્રીથી વધુમાં પણ ઓલવશે આગ, જાણો વિશેષતાઓ


Updated: July 1, 2020, 9:13 AM IST
અમદાવાદ: સ્વદેશી ફાયર રોબોટ 'શેષનાગ' 700 ડિગ્રીથી વધુમાં પણ ઓલવશે આગ, જાણો વિશેષતાઓ
અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા. 1 કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કર્યું છે.

અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા. 1 કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કર્યું છે.

  • Share this:
અમદાવાદ : વાતાવરણમાં અત્યારે ગરમીનું પ્રમાણ વધુ છે. તાજેતરમાં લાંબા સમયના લોકડાઉન બાદ ખૂલેલી અમદાવાદની દુકાનોમાં આગની અનેક ઘટનાઓ આપણી સામે આવી છે. આવી અચાનક લાગેલી આગ જ્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે ત્યારે વધુ પડતી ગરમીને કારણે તથા સાંકડી જગ્યાને કારણે આગની નજીક જઈ તેને ઓલવવાનું કાર્ય વધુ પડકારજનક અને મુશ્કેલીરૂપ બની જાય છે. પરંતુ હવે આ મુશ્કેલીઓનો અંત આવી જશે, કારણ કે અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા. 1 કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કરવામાં આવ્યું છે.  જે ગરમીના ઉંચા તાપમાને પણ આગની નજીક જઈને આગને ઓલવી શકવા માટે સક્ષમ છે. આ રીતે અમદાવાદની આગ માટે વપરાતા ”વિકરાળ” એવા શબ્દો ભૂતકાળ બની જશે.

આ અંગેની વિગતો આપતા ગુજરાત રાજ્ય ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડાયરેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર  એમ.એફ. દસ્તુરે જણાવ્યું કે, અમદાવાદમાં અને ખાસ કરીને આસપાસની ફેક્ટરીઓમાં જ્યારે મોટી આગની ઘટના બને છે ત્યારે આવી આગના કારણે આસપાસનું વાતાવરણ અને આગ લાગવાના સ્થળે ખૂબ ઊંચું તાપમાન હોય છે. તેથી આગને ઓલવવાનું કામ ઘણું મુશ્કેલ બની જાય છે. દા.ત. તાજેતરમાં સાણંદની યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ગરમીનું પ્રમાણ 700 ડિગ્રી જેટલું ઉંચુ હતું. આવા સંજોગોમાં માણસનું શરીર આ ગરમીને સહન કરી શકે નહીં. તેથી ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પણ દૂરથી જ આગ ઓલવવાની કામગીરી કરવી પડે છે.

 સંપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્વદેશી

સુરક્ષિત અને અસરકારક ફાયર ફાઇટીંગ માટે અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર દસ્તુર દ્વારા કંઈક નવીન કરવાના વિચાર સાથે આ માટેના વ્હીકલ “શેષનાગ” ની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. અમદાવાદની ‘વાડિયા બોડી બિલ્ડર કંપની’ દ્વારા આ માટેનું સમગ્ર વ્હીકલ તૈયાર કરવામાં આવેલું છે. ચાંગોદરની ‘સ્વદેશી કંપની’ દ્વારા ફાયર રોબોટને તૈયાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ આ વ્હીકલ પર ફાયર રોબોટને માઉન્ટેડ કરવામાં આવ્યો છે. આમ, આ સંપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્વદેશી’ ધોરણે બનાવવામાં આવ્યો છે.

રોબોટ 700 ડિગ્રી કે તેનાથી પણ ઉંચા તાપમાને કામ કરી શકે છે

આ રોબોટની વિશેષતાઓ વિશે  અધિકારી દસ્તુરે જણાવ્યું કે રૂા. 1 કરોડની કિંમતનો આ રોબોટ 700 ડિગ્રી કે તેનાથી પણ ઉંચા તાપમાને આગની સાવ નજીક જઈને  પ્રતિ મિનિટે 300 લિટર પાણીનો મારો ચલાવવા માટે સક્ષમ છે. આ પાણીનો મારો તે  100 કિલો પ્રેશર એટલે કે 1450 પાઉન્ડ પ્રેશર (100 બાર પ્રેશર)થી કરી શકે છે. આ ફાયર રોબોટમાં એક સાથે પાણીની પાંચ લાઈનો પણ જોડી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની સાથે 500 મીટરની હોઝ પાઇપ જોડી શકાય છે.

આ પ્રકારનો વિશ્વનો પ્રથમ રોબોટ

કોર્ડલેસ રિમોટથી સંચાલિત આ ફાયર રોબોટને 300 મીટરના અંતરેથી પણ સંચાલિત કરી શકાય છે. હાઈ પ્રેશર પંપ સિવાયની તેની તમામ વસ્તુઓ સ્વદેશી ધોરણે બનાવાઇ છે. આવી બધી વિશેષતા ધરાવતો તે વિશ્વનો આ પ્રકારજનો પ્રથમ ફાયર રોબોટ છે.

આ રીતે પોતે આગમાં પણ રહે છે ઠંડો

તાજેતરમાં સાણંદ સાથે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં આ ફાયર રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પાણીનો દૂરથી મારો કરવાની તાકાત સાથે તે પોતાના પર પણ પાણીનો છંટકાવ કરતો રહે છે. તેથી તે ઉંચા તાપમાને પણ પાંચ મિટરના અંતરે જઇને પોતાને ઠંડુ રાખી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવામાં સમર્થ છે.

આ પણ વાંચો - અમદાનાદનો અજબ કિસ્સો : પહેલી પત્નીએ પતિનો ફોટો ફોનમાં મૂકતા બીજી પત્ની સાથે થઈ બબાલ

બેટરી લાંબા સમય સુધી ચાલી શકે છે

છ પૈડા પર ચાલતો આ ફાયર રોબોટ ફાયર ટેન્કરથી 500 મીટર સુધી દૂર જઈ શકે છે. દોઢ મીટર ઊંચા ઓટલા જેવા સ્ટ્રક્ચર પર પણ તે સરળતાથી ચડી શકે છે. આ રોબોટમાં પ્રતિ મીનિટ 75 લીટર પાણી છંટકાવની ક્ષમતા ધરાવતાં ચાર હોઝ પાઇપ જોડી શકાય તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલી છે. આ રોબોટની બેટરી દીર્ઘ સમય સુધી ચાલે તેવી છે. ઉદાહરણ તરીકે યુનિચાર્મ કંપનીમાં લાગેલી આગમાં ફાયર રોબોટ દ્વારા સાત કલાક કાર્ય કરવામાં આવ્યું હતું છતાં, તેની બેટરીનો માત્ર 30 ટકા જ વપરાશ થયો હતો. આ ફાયર રોબોટનો આગમાં લાંબા સમય સુધી વપરાશ કરી શકાય તે પ્રકારે બનાવવામાં આવ્યો છે.

વધુ બે રોબોટ બનાવાશે

તેમણે વધુમાં કહ્યું કે, 300 મીટર દૂરથી આ ફાયર રોબોટનું સંચાલન કરી શકાય છે તેથી તે અમદાવાદ ફાયર સર્વિસ માટે મલ્ટિટાસ્કિંગ સાબિત થશે. ફાયર વિભાગને હજુ બે નવા ફાયર રોબોટ વસાવવા માટેની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટી પાસે માંગવામાં આવી છ. જો કે, આ બંને ફાયર રોબોટ પ્રતિ મિનિટ 2000 લીટર પાણીનો છંટકાવ કરી શકે તેવા હશે પરંતુ તેનો છંટકાવ કરવાની ક્ષમતા 10 કિલોગ્રામ પ્રેશરની હશે એટલે કે તે પાણી વધુ છાંટી શકશે પરંતુ તેનું પ્રેશર ઓછું રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

આ પણ જુઓ - 

આમ, હવે અમદાવાદમાં આકસ્મિક લાગતી આગ પર અત્યાધુનિક ફાયર રોબોટ દ્વારા સરળતાથી નિયંત્રણ મેળવી શકાશે. આથી, આગને કારણે મોટા પાયે થતી પાયમાલી અટકશે. ખૂબ નજીક જઇને આગ પર નિયંત્રણ મેળવી શકવાની ક્ષમતાને કારણે જાનમાલની ખુવારી પણ અટકાવી શકાશે.
First published: July 1, 2020, 8:57 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading