રાત ગઈ બાત ગઈ! અમદાવાદમાં ફાયર સેફ્ટી વગર કેટલા ક્લાસીસ ચાલે છે? તંત્ર પાસે કોઈ વિગત નથી


Updated: December 13, 2019, 10:10 AM IST
રાત ગઈ બાત ગઈ! અમદાવાદમાં ફાયર સેફ્ટી વગર કેટલા ક્લાસીસ ચાલે છે? તંત્ર પાસે કોઈ વિગત નથી
તસવીર : સુરતનું તક્ષશીલા આર્કેડ

શું અમદાવાદમાં સુરતની તક્ષશીલા જેવી ઘટના ફરી બનશે પછી જ તંત્ર જાગશે? આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ.

  • Share this:
અમદાવાદ : સુરતમાં તક્ષશીલા ક્લાસીસમાં આગની ઘટના બન્યાને 7થી 8 મહિના જેટલો સમય થયો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી અમદાવાદમાં કેટલા ક્લાસીસોમાં ફાયર સેફ્ટી વગરના છે તેની વિગત અમદાવાદના જિલ્લા શિક્ષણ તંત્ર પાસે નથી. ફાયર સેફ્ટી બાબતે ક્લાસીસોની વાતમાં અમદાવાદમાં હજુ પણ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી સ્થિતિ છે.

સુરતમાં ટ્યુશન ક્લાસમાં બનેલી આગની ઘટનામાં 19 બાળકોનાં મોત થયા હતા. જોકે, આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને અમદાવાદ કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટી વિના ચાલતા ટ્યુશન ક્લાસીસનો સર્વે કરવાની કવાયત હાથ ધરાઈ હતી. શરુઆતના તબક્કામાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ દ્વારા અલગ અલગ ક્લાસીસોમાં જઈને ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી. પરંતુ આ ઘટનાને થોડા દિવસો વીતી ગયા બાદ હવે 'રાત ગઈ બાત ગઈ' જેવો ઘાટ ઘડાયો છે.

કારણ કે હવે આ ઘટનાને 7થી 8 મહિના જેટલો સમય થઈ ગયો છે. અધિકારીઓના માનસપટ પરથી સુરતની ઘટના વિસરાઈ ગઈ છે. આથી જ અમદાવાદમાં ફાયર સેફ્ટી વગર ચાલતા ક્લાસીસોની ફાઈલ અભેરાઈએ પણ ચઢી ગઈ છે. અમદાવાદમાં 1 હજારથી પણ વધુ ટયુશન ક્લાસીસો અને કમ્પ્યુટર ક્લાસીસો ધમધમી રહ્યાં છે, પરંતુ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના અધિકારીઓ પાસે કેટલા ક્લાસીસોમાં ફાયર સેફ્ટી છે અને કેટલા ક્લાસીસોમાં ફાયર સેફ્ટી નથી તેની વિગત નથી.આ અંગે અધિકારીઓને પૂછવામાં આવે છે ત્યારે તેઓ સહજતાથી હસીને વાત ઉડાવી દે છે. એ સર્વેનું શું થયું તેની અધિકારીઓને કોઈ જાણ નથી. આવી સ્થિતિમાં સુરતની ઘટના બાદ જે મોટા ઉપાડે સર્વેની કામગીરી કરવામાં આવી હતી તેનું શું થયું? શું હજુ અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યાં છે? વગેરે સવાલો ઉઠે છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટરે જે તે સમયે ક્લાસીસોના સર્વેની વિગતોની યાદી બનાવવાની વાત કરી હતી અને તેનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સોંપવાની પણ વાત કરી હતી. આ રિપોર્ટનું શું થયું તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે એવી ચર્ચા પણ શરૂ થઈ છે કે શું જિલ્લા કલેક્ટરના આદેશને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા છે? શું ફરી સુરતના તક્ષશીલા જેવી ઘટના બનશે ત્યારે જ શિક્ષણ તંત્ર જાગશે? કેમ ફાયર સેફ્ટી વિના કલાસીસો ચલાવવા દેવામાં આવે છે ? આવું ચાલવા દેવા પાછળ તંત્રની મનસા શું છે?
First published: December 13, 2019
વધુ વાંચો
अगली ख़बर