અમદાવાદ: "લગ્નની લાલચ આપી ઘરમાં રાખી શારીરિક સંબંધ રાખ્યાં, હિતેન્દ્રએ તેની સેક્સની ઈચ્છા પૂરી કરવા મારી સાથે ખોટાં ખોટાં લગ્નનું નાટક કર્યું. હવે એની ઈચ્છા પૂરી થઈ ગઈ એટલે મને ઘરમાંથી નીકાળી દીધી, હિતેન્દ્ર મારા મરવાનું કારણ." આ શબ્દો અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના છે. જેણે સાથળ પર પેનથી સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે.
ઓઢવ વિસ્તારમાં રહેતી હર્ષા પટેલે મેરેજ બ્યૂરોમાં પોતાનો બાયોડેટા આપ્યો હતો. મેરેજ બ્યૂરો મારફતે તેનો સંપર્ક સોલા રોડ પર આવેલ દેવ કુટીર સોસાયટીમાં રહેતા હિતેન્દ્ર પટેલ સાથે થયો હતો. બાદમાં બંનેનાં પરિવારજનોની સંમતિથી 28મી ઓગસ્ટે ઓઢવ ખાતે આવેલી ઓર્ચિડ હોટલમાં લગ્ન કર્યા હતા. આજથી ત્રણેક મહિના પહેલા હર્ષાના કાકાને ત્યાં સત્ય નારાયણની કથા હોવાથી હિતેન્દ્ર અને હર્ષા ત્યાં આવ્યા હતા.
હર્ષા ઘણા દિવસોથી પિયરમાં આવી ન હોવાથી હિતેન્દ્ર તેને ઘરે મૂકવા આવ્યો હતો અને બાદમાં જતો રહ્યો હતો. જોકે, ત્રણેય દિવસ બાદ હિતેન્દ્રનો હર્ષાના ભાઈ પર ફોન આવ્યો હતો કે મારા માતા-પિતાનો તમારી બેન સાથે મનમેળ ન હોવાથી તેઓ ઘરમાં રાખવાની ના પાડે છે. હવે હર્ષાને સાસરે મોકલતા નહીં. જે અંગે ઘરમાં વાત કરતા હર્ષા જણાવ્યું હતું કે, તેણી અને તેનો પતિ હિતેન્દ્રના જન્મદિવસની ઉજવણી ધાબા પર કરતા હોવાથી આ વાત તેના સાસુ-સસરાને ગમી ન હતી. આ અંગે જે તે સમયે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
બાદમાં તેના સાસુ અવારનવાર તેણીને જમવાનું બનાવતા આવડતું નથી, અને દહેજમાં 20 તોલા સોનાની માંગ કરીને માનસિક ત્રાસ આપતા હતા. ચોથી ફેબ્રુઆરીએ હર્ષા હિતેન્દ્રને સમજાવવા માટે હૉસ્પિટલ ખાતે ગઈ હતી. આ દરમિયાન પણ હિતેન્દ્ર તેણીને માર મારીને કાઢી મૂકી હતી. ત્યારબાદ તે સતત માનસિક તણાવમાં રહેતી હતી અને અંતે તેણીએ ઝેરી દવા પીને સાથળ પર સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હર્ષાના પિતાએ ફરિયાદ આપતા પોલીસે હર્ષાના પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.