અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે અને કેસમાં અધધ વધારો થઈ રહ્યો છે ત્યારે હવે પ્લાઝમાની માંગમાં વધારો થયો છે. કોરોનાની સારવાર માટે મદદરૂપ થતા પ્લાઝમાની પૂછપરછ માટે દરરોજ સરેરાશ 200 લોકો ફોન કરી રહ્યા છે. કોરોના પોઝિટિવ થઈ ગયા બાદ સાજા થઈ ગયેલા લોકોને પ્લાઝ્મા ડોનેટ કરવાની બ્લડ બેન્કના સંચાલકો અપીલ કરી રહ્યા છે.
કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસ વધી રહ્યા છે. દર્દીઓની સારવાર માટે તેમના સગાઓ રેમડેસિવીર ઈન્જેકશન કાળા બજારમાં પણ ખરીદવા તૈયાર થઈ રહ્યા છે તેવામાં બ્લડ બેંકના સંચાલકો પ્લાઝ્મા થેરપીને કારગર ગણાવી રહ્યા છે અને રેમડેસિવીર ઈન્જેકશન પાછળ વલખાં મારવા કરતા દર્દીઓને પ્લાઝ્મા થેરપીની સલાહ આપી રહ્યા છે.
રેડક્રોસના ડાયરેકટર ડો. વિશ્વાસ અમીને કહ્યું હતું કે અમે કોરોના બાદ સાજા થયેલા લોકોને અપીલ કરીએ છીએ કે પ્લાઝ્મા ડોનેટ કરવાથી કોઈ અશક્તિ આવતી નથી. કે તમારામાં કોઈ એન્ટી બોડી ઓછા થઈ જવાના નથી. ઉલટાનું વ્યક્તિના પ્લાઝ્મા ડોનેશનથી બે વ્યક્તિને જીવન આપી શકીએ છીએ. કોરોના સંક્રમિત દર્દીને 4 થી 8 માં દિવસ સુધીમાં ડોકટરની સલાહ મુજબ પ્લાઝ્મા ચઢાવવામાં આવે તો વ્યક્તિ સાજા થઈ શકે છે અને વેન્ટિલેટર સ્ટેજ સુધી દર્દીને જવું પડતું નથી. હાલ દિવાળી બાદ પ્લાઝ્માની માંગ માં 3 ગણો વધારો થયો છે અને રોજની 200 ઇન્કવાયરી આવી રહી છે.
પ્લાઝ્મા ડોનેશનનો ટ્રેન્ડ જ્યારથી વધ્યો ત્યારથી વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી વધુ B ઓપઝિટિવ પ્લાઝ્મા ડોનેટ થયા છે. જ્યારે સૌથી ઓછું AB નેગેટિવ અને પોઝિટિવ ગ્રુપ ઓછા ડોનેટ થયા છે. મહત્વનું છે કે કોરોનાથી હાલ દર્દીઓના મોત થઈ રહ્યા છે તેવામાં કોરોનાથી સાજા થયેલા લોકો પ્લાઝ્મા ડોનેશન માટે આગળ આવવા લોકોને નિષ્ણાતઓ અપીલ કરી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર