અમદાવાદ : અમદાવાદનાં આંબલી-બોપલ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ઉપર થયેલા બદકામ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકી જ્યારે તેની ઘર બહાર રમી રહી ત્યારે આરોપી સિક્યોરિટી ગાર્ડે તેનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સીસીટીવીનાં આધારે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.
શું હતી ઘટના?
આંબલી-બોપલ રોડ પર 28મી ડિસેમ્બરે રામેશ્વર ફાર્મ નજીક આવેલી ખુલ્લી જગ્યામાં રહેતા શ્રમિક પરિવારની અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. પહેલા આ પરિવારની બાળકી ઘર બહારથી ગુમ થઈ હતી. જેને પગલે તેના પરિવારજનોએ આસપાસમાં શોધખોળ કરી પણ બાળકી મળી નહોતી. આ મામલે સરખેજ પોલીસે સીસીટીવી તેમજ અલગ અલગ જગ્યાએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન બીજા દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઘર નજીક આવેલા ત્રણ રસ્તા પાસેથી બાળકી રડતી હાલતમાં મળી આવી હતી. અઢી વર્ષની બાળકી મળ્યા બાદ હાલતને જોતા મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં તેના પર દુષ્કર્મ થયો હોવાનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો : સુરત : પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ 12 કલાક બંધક બનાવી ચાર વખત દુષ્કર્મ આચર્યુ!
સીસીટીવીમાં શંકાસ્પદ દેખાયો હતો
આ અંગે સરખેજનાં પીઆઈ, બી.બી.ગોયલે સીસીટીવીમાં દેખાતા શકમંદ અંગે જણાવ્યું હતું કે, 'બાળકીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ કરનાર નરાધમને પકડવા માટે જુદી જુદી ટીમો કામે લાગી છે. સીસીટીવી ચેક કર્યા જેમાં સવારે 5.30 વાગ્યે બાળકી જ્યારે તેના ઘર પાસે આવી ત્યારે તે ગલીમાંથી એક બાઈકચાલક જતો દેખાયો હતો.'