અમદાવાદ (Ahmedabad) : શહેરના પોષ ગણાતા સિંધુભવન રોડ (Sindhubhavan Road) વિસ્તારમાં પણ ડ્રગ્સ (Drugs) નું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. કાફે પર બેસીને નબીરાઓને ડ્રગ્સના રવાડે ચડાવનારા ત્રણ પેડલરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) ને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ પાસેથી ડ્રગ્સ સહિત રૂપિયા 9.87 લાખના મુદામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ડ્રગ્સનું દુષણ ધીરે ધીરે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં ગુજરાત ATSની માહિતી આધારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી, શક્તિ સિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9.87 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
પોલીસનું કહેવું છે કે, આ ત્રણેય ડ્રગ્સ પેડલરો એક ગ્રામ ડ્રગ્સ 1500 થી 1700ના ભાવ થી મેળવી 2000 થી 2500 ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા. આરોપીઓ એસ જી હાઇવે પર આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતા ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની છૂટક પડીકીઓ બનાવીને વેચાણ કરતા હતા. એટલુંજ નહીં પકડાયેલ ત્રણેય શખ્સો પોતે પણ ડ્રગ્સના આદી બનેલા છે સાથે વેચાણ કરવા માટે કેફે પર બેઠક બનાવી હતી. જ્યારે તે સીટી બેઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો લઈને જતા અને વજન કરીને જ ખરીદતા હતા. પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા. આરોપીઓ પોલીસની પકડમાં ના આવે તેના માટે કારની સીટ નીચે તેવો છુપાવી ને ડ્રગ્સ રાખતા હતા.
આમ કાફે પર આવતા યુવાનોને સહેલાઇથી આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને કાર અને બુલેટમા આવી પોતાની ઓળખ ઉભી કરી ડ્રગ્સનું વેચાણ કરતા. પોલીસને આરોપીઓના મોબાઈલ તપાસ કરતા કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટાગ્રુપ મળી આવ્યું છે. અને આ ગ્રુપ થકી નશાના બંધાણીઓની ઓળખ થતી, વાતચીત અને વ્યક્તિ પર વિશ્વાસ કરી ડ્રગ્સ આપવામાં આવતું. જોકે આ અંગે પોલીસ ઉડાણપૂર્વક તપાસ કરી ડ્રગ્સમાં રવાડે ચડેલા યુવાધન ના પરિવારનો સંપર્ક કરી કાઉન્સિલિંગ કરવાની પણ વિચારણા કરી રહી છે. જ્યારે પકડાયેલ આરોપીઓ અગાઉ પણ અનેક ગુનામાં પકડાઈ ચૂક્યા છે. આરોપી શકિતસિંહ ચૌહાણ ગાંધીનગર ના ઈન્ફો સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાઈ ચૂકેલ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર