ધમધમતું અમદાવાદમાં (Ahmedabad) મેટ્રો, બાગ બગીચા શરૂ કર્યા બાદ જાહેર જનતા માટે આજથી એએમટીએસ (AMTS) અને બીઆરટીએસની (BRTS) બસો શરૂ કરવામાં આવશે. અનલોક-1 સમયે AMTSની બસ સેવાનો વિચ્છેદ કરીને પૂર્વની બસો પૂર્વમાં અને પશ્ચિમ અમદાવાદની બસો પશ્ચિમમાં જ દોડાવાતી હતી. હવે પાંચ મહિના બાદ આજે એટલે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી આખા શહેરને કનેક્ટ કરતા 149 રૂટ પર 50 ટકા મુસાફરોને પ્રવેશ આપીને મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ અને બીઆરટીએસની બસો લોકડાઉન પહેલાંની પૂર્વવત્ સ્થિતિ મુજબ દોડતી થઇ છે.
સવારના 6થી રાત્રિના 11 વાગ્યા સુધી તમામ રૂટ પર બસો દોડશે
શહેરના કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ગાઇડલાઇન પ્રમાણે, પચાસ ટકા કેપેસિટી સાથે એએમટીએસની 149 રૂટ પરની કુલ 700 જેટલી બસો તથા બીઆરટીએસના 12 રૂટ પર 222 જેટલી બસો આજથી ગુરુવારથી સવારના 6થી રાત્રિના 11 વાગ્યા સુધી શહેરના તમામ રૂટ પરના માર્ગો પર દોડતી થઇ જશે.
બસમાં બેસવા આ નિયમોનું કરવુ પડશે કડક પાલન
બસમાં મુસાફરી કરતા પહેલા આટલી વાતોનું પાલન કરવું ઘણું જ જરૂરી છે. બસમાં મુસાફરી કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત છે. સ્ટેન્ડીંગ મુસાફર લેવામાં આવશે નહીં. AMTS બસની અંદર કંડકટરની સૂચનાઓનું પાલન કરવું. BRTS બસ સ્ટેન્ડ પર ગાર્ડની સૂચનાઓને અનુસરવાનું રહેશે, તથા કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરવુ નહીં. સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. બસમાં 50 ટકા મુસાફરોએ જ બેસવાનું રહેશે. મુસાફરી કરતી વખતે હાથ સેનેટાઇઝ કરવાના રહેશે.
કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અમદાવાદના તમામ વિસ્તારોમાં બસો દોડશે
નોંધનીય છે કે, શહેરમાં અત્યાર સુધી પૂર્વની બસો પશ્ચિમમાં ન જતી હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. રિવરફ્રન્ટ ખાતે મળેલી બેઠકમા બસો પૂર્વથી પશ્ચિમ દોડવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારના દિશા નિર્દેશો પ્રમાણે અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય અમદાવાદના તમામ વિસ્તારોમાં આ બસો દોડતી થઈ જશે.
મહત્ત્વનું છે કે, એએમટીએસને હાલ રોજનું 20 લાખનુ નુકસાન થઇ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં એએમટીએસના 700 બસો દોડે ત્યારે રોજનું 24 લાખ રૂપિયાની આવક થતી હતી. હવે જો બંને પરિવહન પુરી ક્ષમતા
સાથે દોડાવવામાં આવવાની નથી જેથી હજી એએમટીએસ અને બીઆરટીએસને નુકસાન ભોગવવું પડશે. તમામ રૂટ શરૂ કરવામાં આવતા મ્યુનિ.ને ખોટમાં 70 ટકા ઘટાડો થવાની શક્યતા છે. 50 ટકા સીટો ખાલી રાખવાને કારણે નુકસાન ઓછું થશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર