અમદાવાદ: અમદાવાદ ખાતે એક કેમિકલના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટ બાદ 12 લોકોનાં મોત થયાની માહિતી મળી રહી છે. આ બ્લાસ્ટને પગલે આસપાસની ત્રણથી ચાર ગોડાઉનની છત ધરાશાયી થઈ ગઈ છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બિલ્ડિંગનો કાટમાળ દૂર દૂર સુધી ફેંકાયો હતો. આ બ્લાસ્ટના કારણે બાજુના કાપડના ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. બ્લાસ્ટ થયો હતો ત્યારે ગોડાઉનમાં લોકો કામ કરી રહ્યા હતા. બ્લાસ્ટ થયો ત્યારે કેવો માહોલ સર્જાયો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ સીસીટીવી ફૂજેટ જોઈને ભલભલા હચમચી જાય. ગોડાઉન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકાય છે કે બ્લાસ્ટ બાદ લોકો દોડીને બહાર ભાગી રહ્યા છે.
મૃતકોના પરિવારને ચાર લાખની સહાયની જાહેરાત:
અમદાવાદમાં થયેલી આગ દુર્ઘટનામાં જાન ગુમાવનારા કમનસીબ વ્યક્તિઓ પ્રત્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના વ્યક્ત કરી. સાથે દુર્ઘટનાની તપાસ માટે તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે. દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ચાર લાખની સહાય આપવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.
દુર્ઘટના બાદ પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીના સમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના. સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે."
આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની 24 ગાડી અને ફાયરના 60 કર્મીને ઘટનાસ્થળે દોડી ગયા હતા. આગ પર બહુ ઝડપથી કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ કાટમાળ ખસેડવાની કામગીરી ખૂબ લાંબા સમય સુધી ચાલી હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે એલ.જી.હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બપોર બાદ એનડીઆરએફની એક ટીમ પણ કાટમાળ ખસેડવાની અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર