અમદાવાદ: તાજેતરમાં એસી.પી. પ્રજાપતિ (SP Prajapati)ના ઘરમાં ચોરી થતા ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad crime branch) એક્ટિવ થઈ ગઈ હતી અને તસ્કરો સુધી પહોંચી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હવે વધુ એક પોલીસકર્મીના ઘરમાં ચોરી (burglary) થતા પોલીસની કામગીરી પર સવાલ ઊઠ્યા છે. પોલીસ અધિકારી અને કર્મચારીઓના જ ઘર સુરક્ષિત નથી તો સામાન્ય લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે? પોલીસબેડામાં થતી ચર્ચા મુજબ તાજેતરમાં વસ્ત્રાપુરની હદમાં આનંદનગરના એક પોલીસ કોન્સ્ટેબલ (Police constable)ના ઘરમાં આઈફોનની ચોરી થઈ હતી. પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલી નથી શકી પણ એસી.પી.ના ઘરમાં ચોરી થતા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. હવે નાના પોલીસકર્મીના ઘરમાં વધુ એક ચોરી થતા પોલીસ તેનો ભેદ ઉકેલી શકે છે કે કેમ તે સવાલ છે.
નવા નરોડા (New Naroda)માં આવેલી ન્યૂ નંદનવન સોસાયટી વિ-2માં રહેતા રઘુવીરસિંહ ચાવડા (Raghuvirsinh Chavda) 24 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. હાલ તેઓ હે.કો. તરીકે શાહીબાગ હેડક્વાર્ટર (Shahibaug headquarters)માં ફરજ મોકૂફ હેઠળ ફરજ બજાવે છે. રવિવારે તેઓ ઘરે તાળું મારી પરિવાર સાથે વેરાવળ ખાતે તેમના દીકરાને એક કંપનીમાં એપરેન્ટીસનું કામ હોવાથી ગયા હતા. તેઓ ત્યાં જ રાત રોકાયા હતા.
સવારે પાડોશીનો ફોન આવ્યો કે તેમના ઘરનું તાળું તૂટેલું છે. જેથી રઘુવીરસિંહે અંદર જઈને તપાસ કરવાનું કહેતા પાડોશી ત્યાં અંદર ગયા હતા. અંદર જોયું તો બધું વેરણ છેરણ પડ્યું હતું. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.
રઘુવીરસિંહે તેમના બનેવીને ત્યાં જવાનું કહેતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. તેમણે જોયું તો રિવોલ્વરનું કવર બહાર પડ્યું હતું. બીજી બાજુ રઘુવીરસિંહ અમદાવાદ આવવા નીકળી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. તસ્કરોએ 32 બોરની રિવોલ્વર, રોકડા, સોના ચાંદીના સિક્કા સહિત 1.49 લાખની ચોરી કરી હોવાનું સામે આવતા રઘુવીરસિંહે ફરિયાદ નોંધાવી હતી. કૃષ્ણનગર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.