અમદાવાદ: અમદાવાદના આયેશા આપઘાત કેસે (Ayesha suicide case) આખા દેશમાં ચર્ચા જગાવી છે. આયેશાના પતિ આરીફ (Arif) સામે દેશભરતના લોકો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. સાથે જ દહેજના દુષણને ડામી દેવા માટે પણ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. બીજી તરફ આપઘાત કેસમાં એવી વિગતો સામે આવી છે કે આયેશાના પતિ આરીફનો પરિવાર ખૂબ સુખી અને સમૃદ્ધ હોવા છતાં આયેશા પર દહેજ (Dowry) માટે દબાણ કરવામાં આવતું હતું. આ માટે તેણીને વારેવારે પરેશાન કરવામાં આવતી હતી. સતત દહેજ, શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને આખરે આયેશાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રાજસ્થાનના જાલોર ખાતે આરીફનો પરિવાર ખૂબ પોશ વિસ્તારમાં રહે છે. આરીફના પરિવાર પાસે ભવ્ય મકાન છે. આ ઉપરાંત તેના પરિવારે ચાર જેટલી દુકાનો ભાડા પર આપી રાખી છે. આ તમામ મિલકતોમાંથી તેઓને ખૂબ તગડું ભાડું પણ મળે છે. આરીફ અને તેના પિતા એક ખાનગી ફેક્ટરીમાં કામ કરે છે. બંનેને ખૂબ સારો પગાર મળતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, પરિવાર ખૂબ સુખી અને સંપન્ન હોવા છતાં દહેજ માટેની તેમની લાલચ ઓછી થઈ ન હતી. આરીફ આયેશાને તેના પિતા પાસેથી પૈસા લાવવા માટે સતત દબાણ કરતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ કૉંગ્રેસને ન આપવું પડે તે માટે BJPએ ઘડ્યો માસ્ટર પ્લાન
આયેશાની બહેનની તબિયત લથડી
બુધવારે એવા સમાચાર આવ્યા છે કે આયેશાની મોટી બહેન કે જેણી હાલ સાસરે છે તેની તબિયત લથડી છે. આયેશાના આપઘાત બાદ તેણી સતત સ્ટ્રેસમાં રહેતી હોવાની જાણકારી મળી રહી છે. તેણે વારે વારે એક જ વાતનું રટણ કરી રહી હતી કે સોનુ (આયેશા)એ આવું શા માટે કર્યું.
આ પણ વાંચો: સુરત: 17 વર્ષના તરુણે 14 વર્ષની તરુણીને પામવા કર્યું એવું કૃત્ય કે સીધો જેલમાં પહોંચ્યો!
ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ રિવરફ્રન્ટ (વેસ્ટ) પોલીસે બુધવારે આરીફને કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂરી કર્યા છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી આરીફના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે કોર્ટમાં રજુઆત કરી હતી કે, આરોપીનો ફોન રિકવર કરવાનો બાકી છે. આપઘાતના દિવસ બાદ તે કોને કોને મળ્યો હતો તેની પણ તપાસ કરવાની બાકી છે. તમામ દલીલો બાદ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂરી કર્યાં હતા.
શું છે કેસ?
વટવા વિસ્તારમાં રહેતી અને રાજસ્થાનના જાલોર ખાતે સાસરે રહેલી આયેશા નામની યુવતીએ પતિ અને સાસરિયાના ત્રાસથી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા આયેશાએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેના પતિને મોકલ્યો હતો. આપઘાત પહેલા આયેશાએ તેના પતિ અને તેના માતાપિતા સાથે પણ વાતચીત કરી હતી. માતાપિતા સાથેની વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી પતિ આરીફની રાજસ્થાનના પાલીથી ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: પત્ની અને દીકરીને બચાવવા વ્યક્તિએ દીપડા સાથે બાથ ભીડી, ગળું દબાવી દીપડાને પતાવી દીધો
આરીફ પોલીસ તપાસમાં સાથ નથી આપતો
આયેશા આપઘાત કેસમાં આયેશાનો મોબાઇલ ફોન મળી આવ્યો છે પરંતુ હજુ સુધી આરીફનો ફોન પોલીસને મળ્યો નથી. આથી પોલીસની એક ટીમ આરીફનો મોબાઇલ શોધવા ફરી રાજસ્થાન જઈ શકે છે. આરીફ પોલીસ તપાસમાં સહકાર ન આપતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ દરમિયાન તે સતત એવું રટણ કરી રહ્યો છે કે તેણે ફોન ક્યાંક ફેંકી દીધો છે.
2018માં લગ્ન થયા હતા
વટવામાં રહેતા લિયાકતઅલી મકરાણી સિલાઈ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં મોટી દીકરી હીના, દીકરો આમિર, દીકરો અરમાન અને દીકરી આયેશા ઉર્ફે સોનુ હતી. આયેશા ઉર્ફે સોનુના લગ્ન વર્ષ વર્ષ 2018માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે થયા હતા. લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. આ મામલે આયેશાએ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવી છે. જે કેસ હાલ ચાલી રહ્યો છે. આરીફ આ કેસ પરત ખેંચી લેવા માટે સતત દબાણ કરતો હતો.
આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતો: આયેશાના પિતા
સોમવારે આયેશાના પિતા લિયાકતઅલીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે. તેના પિતાનું કહેવું હતું કે તેની દીકરી દુનિયામાં નથી રહી પરંતુ અન્ય કોઈ દીકરી સાથે આવું ન બને તે માટે આરીફને કડકમાં કડક સજા થાય તે જરૂરી છે. આ દરમિયાન એવા આક્ષેપ પણ થયા છે કે, આરીફને અન્ય મહિલા સાથે સંબંધ હતા. એટલું જ નહીં, તે આયેશાની સામે જ તેની મહિલા મિત્ર સાથે વાતચીત કરતો હતો. એટલું જ નહીં, તે આયેશાને ઘરમાંથી બહાર નીકળી જવા માટે દબાણ કરતો હતો.