અમદાવાદ: ઇદ (Eid-Ul- Fitr 2021)ના દિવસે કબ્રસ્તાનમાં કબર પર ફૂલ ચઢાવવા એકઠા થયેલા લોકોના ફોટો પાડવા પોલીસકર્મી (Ahmedabad police)ને ભારે પડ્યું હોવાની ઘટના સામે આવી છે. લોકો જોઈ જતા પોલીસકર્મીને ટપલીદાવ કર્યો હતો અને તેનો મોબાઈલ ફોન (Cell phone) છીનવી લીધો હતો. સમગ્ર મામલે વેજલપુર પોલીસે (Vejalpur police) ગુનો નોંધી પાંચ લોકોની ધરપકડ કરી છે. શહેરમાં ફરી એકવાર પોલીસકર્મી પર હુમલાનો બનાવ બન્યો છે. એક પોલીસકર્મી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ઉશ્કેરાયા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. જોકે, પોલીસે આ તમામ લોકોને એવા તો કાયદાના પાઠ ભણાવ્યા છે કે હવે તેઓ ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે.
મળતી માહિતી પ્રમાણે આ ગુનામાં વેજલપુર પોલીસે મોહમદ અહેમદ ઉર્ફે રાજા સીદીકી, મઝહર ખાન પઠાણ, ફિરોજ મોહમદ શેખ, ઇફતે ખાર કલ્યાણી, સુલતાન અને પરવેઝ સાબિર શેખ નામના પાંચ લોકોની ધાડ સહિતના અન્ય ગુનામાં ધરપકડ કરી છે. આ તમામ લોકો અન્ય લોકો સાથે મળી જુહાપુરાના કબ્રસ્તાન ખાતે ભેગા થયા હતા. ઈદ હોવાથી કબર પર ફૂલ ચઢાવી રહ્યા હતા. ત્યારે ત્યાં વિશેષ શાખાના વોચર તરીકે કામ કરતા એ.એસ.આઇ કૃષ્ણકુમાર ભાવસિંહ પહોંચ્યા હતા. ઇદને લઈને ભીડ એકઠી થતા તેઓ ફોટો અને વીડિયો લેતા હતા. આ દરમિયાન આ શખ્સો તેમને જોઈ ગયા હતા અને ટપલીદાવ કરી મોબાઈલ પોન લૂંટી લીધો હતો.
એ.એસ.આઈ જ્યારે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે આ ટોળામાંથી કેટલાક લોકોએ "યે આદમી ટોળે કા વીડિયો બનતા હૈ. ઇસકો મારો, ફોન લે લો, પોલીસવાલા હૈ તો ક્યાં હુઆ," કહી લોકોને ઉશ્કેરયા હતા. બાદમાં બધાએ ભેગા મળી માર માર્યો હતો. જેથી એ.એસ.આઈ પોતાને બચાવવા ભાગ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
પોલીસે તપાસમાં પાંચ આરોપીઓમાંથી કેટલાક લોકોનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. જેમાંથી અનેક લોકો અગાઉ અલગ અલગ ગુનામાં પકડાયા છે અને અન્ય ફરાર લોકોની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે.