અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની આડોડાઈ, સંપૂર્ણ ફી ભરવા માટે વાલીઓ પર દબાણ

અમદાવાદ: આનંદ નિકેતન સ્કૂલની આડોડાઈ, સંપૂર્ણ ફી ભરવા માટે વાલીઓ પર દબાણ
આનંદ નિકેતન સ્કૂલ.

સરકાર તરફથી ફીમાં 25 ટકા માફીની કરાયેલી જાહેરાતને સાત દિવસ વીત્યા બાદ પણ કોઈ પરિપત્ર ન કરાતા શાળાઓ પૂરી સત્ર ફી જ લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: સરકાર ફી મામલે કંઈ પણ કહે પરંતુ અમે અમારી મનમાની ચાલુ જ રાખીશું! શાળાઓના સંચાલકો કોરોના કાળમાં વાલીઓ માટે ફી ભરવા માટે જે રીતે દબાણ કરે છે તેના પરથી આવું જ કંઈક લાગી રહ્યું છે. હવે સુઘડ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલનો ફી માંગવાનો વિવાદ સામે આવ્યો છે. સ્કૂલ સત્રની ફી ભરવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની એક ઓડિયો ક્લિપ પણ સામે આવી છે.

સુઘડમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન વર્ગ બંધ કરવામાં આવ્યા છે. જે વાલીઓએ પહેલા સત્રની ફી જમા નથી કરી તેમના બાળકોના ઓનલાઈન વર્ગ બંધ કરી સોશિયલ મીડિયાના ગ્રુપમાંથી બહાર કરતા વિવાદ વકર્યો છે. જે વાલીના બાળકને ઓનલાઈન વર્ગમાંથી દૂર કરાયો તેમની અને સ્કૂલના એકાઉન્ટ વિભાગ સાથેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. વાલીએ જ્યારે રાજ્ય સરકારે શૈક્ષણિક વર્ષમાં 25 ટકા ફીમાં રાહત આપી છે તેવું કહે છે ત્યારે શાળાના એકાઉન્ટ વિભાગમાંથી જવાબ મળ્યો કે, હજુ બ્રેકિંગ ન્યૂઝ મળ્યા છે. ફીમાં રાહત આપવા મામલે સરકાર તરફથી કોઈ કાગળ નથી મળ્યો.આ પણ વાંચો: GTU સ્ટાર્ટઅપનું જોરદાર ઇનોવેશન: હવે માત્ર 15 રૂપિયામાં એક ઘર ડિસઇન્ફેક્ટ થઈ જશે

સ્કૂલ તરફથી એવું પણ કહેવામાં આવે છે કે, સત્રની પૂરી ફી ભરો, સરકાર સર્ક્યુલર કરશે ત્યારે છેલ્લા સત્રમાં ફી એડજસ્ટ કરીશું. ઉલ્લેખનીય છે કે 25 ટકા ફી માફી મામલે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ 25 ટકા ફી માફી આપવાની જગ્યાએ સંચાલકોએ પૂરી ફી ઉઘરાવી રહ્યાનો વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી ફીમાં 25 ટકા માફીની કરાયેલી જાહેરાતને સાત દિવસ વીત્યા બાદ પણ કોઈ પરિપત્ર ન કરાતા શાળાઓ પૂરી સત્ર ફી જ લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. સરકારે જાહેરાત કરી પરંતુ તે સંદર્ભે પરિપત્ર ન કરતા ફરી એકવાર શાળા સંચાલકોએ પોતાની મનમાની શરૂ કરી છે. આ મામલે વાલીએ કહ્યું કે, તેઓ સરકારની ઢીલી નીતિનો ભોગ બની રહ્યા છે. સરકાર અને શાળા સંચાલકોની મીલિભગતનું પરિણામ છે કે હાઇકોર્ટની ટકોર બાદ પણ શાળા સંચાલકો સરકારની વાતને પણ માનવા તૈયાર નથી.

બીજી તરફ આનંદ નિકેતન સ્કૂલના એકાઉન્ટ વિભાગના ઓફિસર મોહન ઐયરે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવાનું ટાળ્યું હતું. ટેલિફોનિક વાતચીત થાય તે પહેલાં ફોન કાપી નાખ્યો હતો. બીજી તરફ ફોન પર વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેઓ મિટિંગમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢ્યું હતું.
Published by:Vinod Zankhaliya
First published:October 07, 2020, 16:13 pm

ટૉપ ન્યૂઝ