અમદાવાદ: શહેરમાં મોબાઈલ ચોરીની વધતી ઘટનાઓને લઈને પોલીસ એલર્ટ હતી. આ તમામ બનેલા ગુનાના ભેદ ઉકેલવા માટે પોલીસ પ્રયત્ન કરતી હતી. તેવામાં ઝોન 7 એલસીબીની ટીમે આવા મોબાઈલ ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 11 મોબાઈલ ફોન, વાહન રિકવર કરી પાંચ ગુનાના ભેદ ઉકેલયા હતા. પણ આરોપીની પૂછપરછમાં બેઇમાનીના કામમાં પણ આરોપી ઈમાનદારી રાખતો હોવાની કબૂલાત આરોપીએ કરતા પોલીસ પણ ચોંકી ગઇ હતી.
ઝોન 7 એલસીબીની ટીમના પીએસઆઇ જે. બી. પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે, આનંદનગર પીએન્ડટી કોલોની પાસે ફતેહવાડીનો સોહિલખાન પઠાણ હાજર છે. જે આરોપી રાહદારીઓના મોબાઈલ ફોન લૂંટવાના ગુના આચરી ચૂક્યો છે. જેથી એલસીબીની ટીમ ત્યાં પહોંચી અને આરોપી મળી આવતા સોહિલખાન પઠાણ અને એક સગીર મળી આવ્યા હતાં. બનેની પૂછપરછ કરી તપાસ કરતા પોષ વિસ્તારમાં અનેક લોકોના મોબાઈલ ચોરી કર્યા હોવાના ગુનાની કબૂલાત આરોપીએ કરી હતી. આરોપીની તપાસ દરમિયાન પોલીસે 11 મોબાઈલ ફોન, વાહન કબ્જે કરી પાંચ ગુનાના ભેદ ઉકેલયા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન સરખેજના બે, આનંદ નગરનો એક, સોલાનો એક અને ઘાટલોડિયાનો એક ગુનો આરોપીએ કબુલ્યો હતો.
આરોપીની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે, સાંજે સાતથી દસ વાગ્યાનો સમય જ નક્કી કરી રાહદારીઓના મોબાઈલ લૂંટી લેતા હતા. રાત્રે અંધારું હોય અને ભાગવામાં સફળતા મળે એટલે એ જ સમયે આરોપીઓ લોકોના ફોન ચોરી કરતા હતા. આટલું જ નહીં, બેઇમાનીના કામ એટલે કે, મોબાઈલ ચોરી કરવાના ગુનામાં પણ આરોપી ઈમાનદારી રાખતો હતો. મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા રાખી મહિલાઓના ફોન ચોરી કરતો નહોતો પણ માત્ર પુરુષોના જ ફોન ચોરી કરી ભાગી જતો હતો.
માત્ર મોજશોખ માટે મોબાઈલ ચોરી કરતો અને કોઈ મિત્રને આ ફોન થોડા દિવસ માટે આપી તેની સામે બે ત્રણ હજાર લઈ મોજશોખ પુરા કરતો હતો. જ્યારે સુત્રોનું કહેવું છે કે, પકડાયેલા આરોપી સાથે જે સગીર મળી આવ્યો હતો તે બિલ્ડરનો પુત્ર છે અને સાંજે રોજ સાત વાગ્યે ઘરેથી નિકળી આ પ્રકારના ગુનાને અંજામ આપતો હતો. હાલ પોલીસે આરોપીએ વધુ કોઈ ગુના આચર્યા છે કે કેમ તે બાબતે પણ તપાસ તેજ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર