ઓનલાઇન બિનખેતી પરવાનગી તથા ખેડૂત ખાતેદાર ખરાઇની કાર્યપધ્ધતિમાં સુધારો કરાયો

News18 Gujarati
Updated: November 7, 2019, 5:31 PM IST
ઓનલાઇન બિનખેતી પરવાનગી તથા ખેડૂત ખાતેદાર ખરાઇની કાર્યપધ્ધતિમાં સુધારો કરાયો
પ્રતિકાત્મક તસવીર

હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજુર કરવાની કાર્યવાહી દરમ્યાન જરૂરીયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ? તે અંગેની ખરાઇ કરવાની રહે છે.

  • Share this:
ગાંધીનગર: મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, મહેસૂલી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક બને તે માટે રાજ્ય સરકાર અનેક જનહિતકારી નિર્ણયો લઈ રહી છે. છેલ્લા બે વર્ષ કરતા પણ ઓછા સમયમાં મહેસૂલ વિભાગ દ્વારા એક પછી એક સુધારાઓ સાથે વિવિધ મહેસૂલી સેવાઓને ઈ-ગર્વનન્સના માધ્યમ દ્વારા ઓનલાઈન કરવામાં આવી છે. જેના થકી નાગરિકોને સરળતાથી અને ઝડપથી લાભો મળી રહ્યાં છે.

રાજ્ય સરકાર દ્વારા કરાયેલા બીનખેતીની કાર્યપધ્ધતિમાં કરવામાં આવેલા સુધારા વિષે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, હાલમાં ઓનલાઇન બિનખેતી પરવાનગીની અરજીનો સૈધ્ધાંતિક સ્વીકાર થયેથી અરજદારને નાણાં ભરવા અંગેની જાણ ઇ-મેઇલથી કરવામાં આવે છે. આ નાણાંનું ઓનલાઇન પેમેન્ટ તથા ટ્રેઝરી ધ્વારા ખરાઇનો મેસેજ આવ્યા બાદ અરજદારને બિનખેતી પરવાનગીનો હુકમ આપવામાં આવે છે. આ કાર્યપધ્ધતિમાં સુધારો કરાતા, અરજદારને ઇન્ટીમેશન લેટરની સાથે એન.એ. પરવાનગીની પ્રોવિઝનલ મંજૂરી અંગેનો પત્ર પણ ઇ-મેઇલથી મોકલવામાં આવશે.

ખેડુત ખાતેદાર ખરાઇ અંગેની કાર્યપધ્ધતિમાં કરવામાં આવેલ સુધારા વિષે માહિતી આપતા તેમણે જણાવ્યું કે, હાલમાં જમીન અંગેની વિવિધ પરવાનગી મેળવવાની અરજી મંજુર કરવાની કાર્યવાહી દરમ્યાન જરૂરીયાતના કિસ્સામાં અરજદાર ખેડૂત ખાતેદાર છે કે કેમ? તે અંગેની ખરાઇ કરવાની રહે છે. આ ખરાઇ ઓફ લાઇન થવાને કારણે તથા કોઇ કિસ્સામાં એક જીલ્લાનો અરજદાર બીજા જીલ્લામાં આવી પરવાનગીઓ મેળવવા અરજી કરે ત્યારે બીજા જીલ્લાની વિગતો મેળવવામાં સમય જતાં અરજદારની અરજી પર નિર્ણય લેવામાં વિલંબ થાય છે. આ કાર્યપધ્ધતિમાં સુધારો કરાતાં હવેથી, ઓનલાઇન અરજી કરતી વેળાએ અરજદારે જુદા-જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવાની રહેશે. સમગ્ર રાજ્યના હક્કપત્રકોનો ડેટા વેબ પોર્ટલ પર ઓનલાઈન ઉપલબ્ધ થવાથી હવેથી અરજદારે દાખલ કરેલ વિગતોની મહેસુલી અધિકારીઓ વેબ પોર્ટલ પર ઓનલાઇન ચકાસણી કરશે. જેથી, ખેડૂત ખાતેદાર ખરાઇ કરવામાં ઝડપ આવશે અને બિન જરૂરી વિલંબ ટાળી શકાશે.

પટેલે બીનખેતીની કાર્યપધ્ધતિમાં બોજા સાથે બિનખેતી પરવાનગી આપવા લેવામાં આવેલ નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું કે, હાલમાં જમીનની વિવિધ પરવાનગી / હેતુફેર / સત્તાપ્રકાર ફેરની અરજીઓ જેવી કે ગણોતધારા / નવી શરતની જમીનમાં ખેતી / બિનખેતી હેતુ માટે પ્રિમિયમ ભરવાની પરવાનગી, બિનખેતી પરવાનગી ની અરજીઓનો નિર્ણય કરતી વખતે જો જમીન પર મંડળી / બેંકનો બોજો બાકી હોય તો આવી પરવાનગીઓ આપવામાં આવતી નથી.

આ કાર્યપધ્ધતિમાં કરવામાં આવેલ સુધારા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે, વાસ્તવમાં આવી પરવાનગીઓથી મિલકતનું હસ્તાંતરણ થતું ન હોઇ અને માત્ર ઉપયોગનો હેતુ / સત્તા પ્રકાર જ બદલાતો હોઇ, અને અન્ય કોઇ નિયમોનો હુકમોનો ભંગ ન થતો હોય, જમીન પર સરકારી લ્હેણાં અંગે કે બાકી મહેસૂલ અંગે બોજો નોંધાયેલ ન હોય, માત્ર જમીન પર મંડળી / બેંકનો બોજો બાકી હોય તેવા કિસ્સામાં બોજા સાથે બિનખેતીની પરવાનગી આપવા બાબતે અરજદારોના હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આવા કિસ્સાઓમાં અરજદારની માલિકીની જમીનમાં બોજો નોંધાયેલ હોય તો પણ હુકમમાં ઉલ્લેખ કરીને બોજા સહિત બિનખેતી પરવાનગી આપવામાં આવશે.

મહેસૂલ મંત્રી પટેલે ઉમેર્યું કે, આવા કિસ્સાઓમાં નાણાકીય સંસ્થાઓનું હિત જળવાય તે હેતુથી બોજા સાથેની બિનખેતી / પ્રિમિયમની પરવાનગી મળેલ હોય તો આવી મિલકત વેચાણ, બક્ષિસ, ભેટ, વસિયત, બાનાખત, ગીરો કે અન્ય કોઇ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તબદીલીની નોંધો પ્રમાણિત ન થાય તે ચોકસાઇ રાખવામાં આવશે તથા આ અંગેની નોંધ હકપત્રકમાં પણ કરવામાં આવશે. વધુમાં, આવા કિસ્સાઓમાં ગા.ન.નં.૭/૧૨ પરથી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે અને જો ૭/૧૨ માં બોજો નોંધાયેલ હોય તો તે પ્રોપર્ટી કાર્ડની વિગતોમાં તબદીલ થશે. બોજા સાથે આવી પરવાનગી આપવામાં આવે ત્યારે, બોજો આપનાર સંસ્થા/બેંકને આવા હુકમની ઇ-મેઇલથી અને લેખિતમાં જાણ કરવામાં આવશે.
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर