અમદાવાદ : હાઈકોર્ટમાં કેસની ઓનલાઇન સુનાવણીમાં એડવોકેટ સિગારેટ પીતા ઝડપાયા, આટલા રૂપિયા થયો દંડ

અમદાવાદ : હાઈકોર્ટમાં કેસની ઓનલાઇન સુનાવણીમાં એડવોકેટ સિગારેટ પીતા ઝડપાયા, આટલા રૂપિયા થયો દંડ
પ્રતિકાત્મક તસવીર

હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપૈયાએ એડવોકેટ અજમેરાની વર્તણૂકની ભારે ટીકા કરી

  • Share this:
અમદાવાદ : હાઇકોર્ટમાં કેસની ઓનલાઇન સુનાવણીમાં એડવોકેટ જે.વી. અજમેરા સિગારેટ પીતા પકડાયા હોવાની ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપૈયાએ એડવોકેટ અજમેરાની વર્તણૂકની ભારે ટીકા કરી હતી અને તેમને 10 હજાર રૂપિયાનો દંડ કરી રકમ જમા કરાવી દેવાનો હુકમ કર્યો છે. તે ઉપરાંત હાઇકોર્ટના રજીસ્ટ્રાર (જ્યુડિશિયલ)ને આદેશ કર્યો છે કે એડવોકેટ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરીને 10 દિવસની અંદર તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.

હાઇકોર્ટે એડવોકેટ સામે દસ હજાર રૂપિયાનો દંડ ઉપરાંત કાયદેસરની કાર્યવાહીનો હુકમ કર્યો છે અને કહ્યું છે કે કાયદેસરની કાર્યવાહીનો જે રિપોર્ટ તૈયાર થાય તે રિપોર્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને હાઇકોર્ટ બાર કાઉન્સિલને મોકલવાનો આદેશ કરાયો છે. આ બંને કાઉન્સિલ પોતાના એડવોકેટ્સને કોર્ટ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગથી થતી સુનાવણીમાં કઇ રીતે સન્માનપૂર્વક વર્તવું તેની માહિતી આપે એવો આદેશ પણ જસ્ટિસ સુપૈયાએ કર્યો છે.



આ પણ વાંચો - ખેડૂત બિલનો વિરોધ કરવા ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે, આવો છે વિરોધનો પ્લાન

અત્યંત અજીબોગરીબ આ ઘટનાની હાઇકોર્ટે ગંભીર નોંધ લઇ એડવોકેટની ઝાટકણી કાઢી છે અને દંડ ફટકાર્યો છે. કોરોનાની મહામારીના પગલે હાઇકોર્ટ દ્વારા નાગરિકોને ન્યાય મળી રહે એ માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણી કરવામાં આવી રહી છે. આવા કપરા સંજોગોમાં એડવોકેટની અયોગ્ય અને ગેરવ્યાજબી વર્તણૂક અસ્વીકાર્ય છે.

જસ્ટિસ સુપૈયાએ આદેશમાં નોંધ્યુ છે કે બાર કાઉન્સિલો તેમના એડવોકેટને સૂચના આપે કે હાઇકોર્ટમાં કેસોની વીડિયો કોન્ફરન્સિંગથી થતી સુનાવણીમાં એડવોકેટ ઘરે અથવા તો ઓફિસમાં રહીને જ જોડાય. કોઇ વાહન કે ખુલ્લા સ્થળોએથી તેઓ વીડિયો કોન્ફરન્સિંગમાં ન જોડાય. જ્યારે તેઓ ઘર અથવા ઓફિસેથી વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાય ત્યારે કોર્ટનું સન્માન જાળવે અને યોગ્ય રીતે બેસીને કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરે.
Published by:Ashish Goyal
First published:September 24, 2020, 21:34 pm

टॉप स्टोरीज