Home /News /madhya-gujarat /

અમદાવાદ : ડ્રગ્સનો કાળો કારોબાર, ઘરની છત પર જ શરૂ કરી મીની લેબ અને બનાવવા લાગ્યા ડ્રગ્સ

અમદાવાદ : ડ્રગ્સનો કાળો કારોબાર, ઘરની છત પર જ શરૂ કરી મીની લેબ અને બનાવવા લાગ્યા ડ્રગ્સ

ક્રાઇમ બ્રાન્ચે મીની લેબમાંથી એમડી ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજ વસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે

Drugs Case - આરોપીએ ઘરની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું

અમદાવાદ : ડ્રગ્સ (Drugs)સામે સખ્ત કાર્યવાહી કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને (Ahmedabad Crime Branch)મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch)નવા નરોડા વિસ્તારમાં મીની લેબ બનાવી એમડી ડ્રગ્સનું (MD Drugs)ઉત્પાદન કરતા આરોપી સહિત વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીએ ઘરની જ છત પર આ લેબ શરૂ કરી આશરે બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ બનાવી દીધું હતું.

7 મી ડિસેમ્બરે થલતેજમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડેલ 23.86 ગ્રામ ડ્રગ્સની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. એક પછી એક આરોપીઓની પૂછપરછ કરતાં કરતાં પોલીસ નવા નરોડા વિસ્તારમાં એમડી ડ્રગ્સ બનાવતી મીની લેબ સુધી પહોંચી ગઈ અને ડ્રગ્સનું ઉત્પાદન કરનાર આરોપી બિપીન પટેલ, મુખ્ય સપ્લાયર પંકજ પટેલ અને બે ડ્રગ્સ પેડલર મોઇનુદ્દીન શેખ અને વજીઉદ્દીન શેખને ઝડપી લીધા છે. આરોપી બિપીન પટેલે તેના મકાન રાધેશ્યામ રેસીડેન્સી નવા નરોડા ખાતે લિફ્ટ રૂટનો કબ્જો રાખી તેમાં મીની લેબ તૈયાર કરી હતી. ગત નવરાત્રી દરમિયાન એમડી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ રૂપિયા 2 કરોડનું એમડી ડ્રગ્સ બનાવ્યું હોવાનુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે.

આરોપીએ એમએસસી સુધીનો અભ્યાસ કર્યો છે

આરોપી બિપીન પટેલ છત્રાલ ખાતે આવેલ ઓસવાલ કેમિકલ કંપનીમાં છ મહિનાથી ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ તેણે એમએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. તે વર્ષ 2003 થી 2012 સુધી દિસ્માન ફાર્મા કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે નોકરી કરતો હતો ત્યારે પંકજ પટેલ નામનો આરોપી પણ ત્યાં નોકરી કરતો હતો. તે સમયે બંનેની ઓળખાણ થઈ હતી અને છ મહિના પહેલા આ પંકજ પટેલ તેને મળ્યો હતો. જેણે આ એમડી ડ્રગ્સ બનાવી આપવા માટે જણાવ્યું હતું. બિપીન પટેલ પોતે ડ્રગ્સ એન્ડ કેમેસ્ટ્રી વિષયમાં સ્નાતક હોવાથી પંકજ દ્વારા આપવામાં આવતા કી મટીરીયલ ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોનથી અન્ય મટિરીયલ મેળવી આ ડ્રગ્સ બનાવતો હતો.

આ પણ વાંચો - અમદાવાદ એરપોર્ટ પર પોતાના સ્વજને મુકવા જાવ છો તો ખિસ્સા પર ભાર નહીં પડે, જાણો ક્યાં નહીં ચૂકવો પડે ચાર્જ

પંકજ એક લિટરના 15 હજાર આપી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો

જ્યારે આરોપી પંકજ પટેલ જે વૈષ્ણો દેવી સર્કલ નજીક રહે છે અને છત્રાલ ખાતે એક કેમિકલ કંપનીમાં એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરે છે. ગત જૂન મહિનામાં તેને કોરોના થતાં તે ચરાડા હેલ્થ સેન્ટરમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની મુલાકાત અસિત પટેલ સાથે થઈ હતી. અસિત પટેલે તેને એમડી ડ્રગ્સ બનાવવા માટે મટિરીયલ આપવાનુ કહેતા પંકજ એક લિટરના રૂપિયા 15 હજાર ચૂકવી ફોર મીથાઈલ પ્રોપ્યોફીનોન મેળવતો અને તે રૂપિયા 25 હજારમાં બિપીનને આપતો હતો.

આરોપી બિપીન પટેલ એક ગ્રામના રૂપિયા 400ના ભાવે ડ્રગ્સ પંકજને આપતો હતો. જ્યારે પંકજ 700 થી 800માં અસિત પટેલ ને આપતો. અસિત અગાઉ પકડાયેલ આરોપી રવી શર્માને સપ્લાય કરતો હતો. જ્યારે રવી શર્મા નાના નાના પેડલરોને આપતો હતો. ક્રાઇમ બ્રાન્ચે મીની લેબમાંથી એમડી ડ્રગ્સ બનાવવાં અંગેની ચીજ વસ્તુઓ અને પદાર્થો જપ્ત કર્યા છે. જેને એફએસએલમાં મોકલતા રિપોર્ટમાં એમ ડી ડ્રગ્સ અને અન્ય રાસાયણિક પદાર્થોની હાજરી મળી આવેલ છે. ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થોનો ધુમાડો માત્ર પણ સ્વાસ્થ્ય માટે ખૂબજ હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને ડ્રગ્સ બનાવવા માટેનું કી મટીરીયલ જે કંપનીઓ દ્વારા પુરૂં પાડવામાં આવતું હતું તે કંપનીઓને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad crime branch, Drugs Case, અમદાવાદ, ક્રાઇમ બ્રાંન્ચ

આગામી સમાચાર