અમદાવાદ : અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં એક એવી ફરિયાદ નોંધાઈ છે જેના વિષે જાણીને તમને થશે હવે માનવતા મરી પરવારી છે. નિકોલ વિસ્તારમાં અપંગ મહિલા સાથે મદદના બહાને વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. આરોપી સન્નીએ મહિલાને લગ્નના સપના દેખાડી મહિલા પાસે ભીખ મંગાવતો હતો. આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.
આરોપી સંજય ઉર્ફે સન્ની વ્યાસે એક અપંગ મહિલાને સરકારી યોજનાઓનો લાભ અપાવવાના સપનાઓ દેખાડીને મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો છે. આ સિવાય અપંગ મહિલા સાથે લગ્ન કરવાની વાત કરીને મહિલા સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હોવાનો એકરાર ફરિયાદી મહિલાએ પોલીસ ફરિયાદમાં કર્યો છે.
આરોપી સન્ની વ્યાસે અપંગ મહિલા પાસે રોડ ઉપર ભીખ મંગાવી હતી. આ પીડિત મહિલા દ્વારા પ્રતિકાર કરતા આરોપીએ ગરમ ચમચાના ડામ પણ આપ્યા હતા. મહિલા સતત પ્રતિકાર અને વિરોધ કરતા અપંગ મહિલાના માથાના વાળ કાપી નાખ્યા અને ફરીથી ચાર રસ્તા ઉપર ભીખ માંગવા માટે મોકલી આપી હતી. ભીખમાં આવેલા રૂપિયા આરોપી મહિલા સાથે મારઝુડ કરીને પડાવી લેતો હોવાનું પણ પોલીસ સમક્ષ ફરિયાદીએ જણાવ્યું છે. અગરબતીના કારખાનામાં કામ કરનારી અપંગ મહિલાને એક સારું જીવન મળશે તેવા સપના દેખાડી તેને ભીખ માંગતી કરી નાખનાર આરોપીની નિકોલ પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીએ આ સિવાય અન્ય કોઈની સાથે આવું કર્યું છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે.