મયુર માંકડીયા, અમદાવાદ : દેશના પૂર્વે નાણાં પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા સ્વર્ગસ્થ અરૂણ જેટલીનો ગુજરાત સાથે અનેરો નાતો રહ્યો છે. તેમના આ જ ગુજરાત પ્રેમને લઈ તેમના પરિવાર અને મિત્રો દ્વારા 5 સપ્ટેમ્બર ના રોજ અમદાવાદ ખાતે હૃદયાંજલી આપવામાં આવશે. જ્યારે 6 સપ્ટેમ્બરના રોજ સાંસદ તરીકે તેમણે દત્તક લીધેલા ગામ કરનાળીના સોમનાથ ઘાટ પર નર્મદામાં દૈહિક સ્મૃતિના અંતિમ અંશનું વિસર્જન કરવામાં આવશે.
ગુજરાતના શ્રેષ્ઠી, પ્રબુદ્ધ નાગરિકો, ગુજરાત વેપારી મહામંડળ,વિવિધ મહાજનો, વિવિધ સંગઠનો, કાયદાશાસ્ત્રી, રાજપથ, કર્ણાવતી ક્લબ અને સમગ્ર ગુજરાત વતી હૃદયાંજલી કાર્યક્રમનું આયોજન 5 સપ્ટેમ્બર ના રોજ સાંજે 6 થી 7 દરમ્યાન કર્ણાવતી કલબના ગોલ્ડન ગ્લોરી હોલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં અરુણ જેટલીના પરિવારજનો તથા નિકટના મિત્રો હૃદયાંજલી સ્વીકારવા ઉપસ્થિતિ રહેવાના છે. જ્યારે 6 સપ્ટેમ્બરે સવારે 10 કલાકે તેમના દિલ થી નજીક રહેલા નર્મદા નદી કિનારે આવેલ કરનાળી ગામના સોમનાથ ઘાટ પર દૈહિક સ્મૃતિના અંતિમઅંશ ના વિસર્જન તેમજ સતકર્મ તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો - અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, એક કલાકમાં 2 ઇંચ વરસાદ
ભારતીય જનતા પાર્ટીએ ઓગસ્ટ મહીનામાં સુષ્મા સ્વરાજ પછી બીજા એક દિગજ નેતા અરુણ જેટલીને ખોયા છે. અરુણ જેટલીનો ગુજરાત પ્રત્યેનો નાતો ખૂબ જૂનો રહ્યો છે. અરુણ જેટલી ગુજરાતથી 4 ટર્મ રાજયસભાનાં સાંસદ રહ્યાં હતા. ગુજરાતનાં હીત અને વિકાસનાં મોડેલને તેમણે દેશ-વિદેશમાં સારી રીતે રજુ કર્યુ હતું. ગુજરાત વારંવાર આવતાં અને ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં મેનીફેસ્ટો હોય કે કેમ્પેઈન થીમ હોય તેમાં તેમનું મહત્વનું યોગદાન રહેતું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ રજૂ કરેલ આદર્શ ગ્રામ ની કલ્પનાને સાકાર કરવા અરુણ જેટલી દ્વારા ગુજરાતના વડોદરા નજીક આવેલ ચાંદોદ-કરનાળી ગામને દત્તક લીધું હતું. આ ગામની આસપાસના બગલીપુરા, પીપળીયા, અને વળીયા ગામમાં પણ વિકાસના કામો તેમના દ્વારા ચાલુ કરવામાં આવ્યા હતા.