Home /News /madhya-gujarat /સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ગુજરાતમાંથી નોંધાયા 985 સ્ટાર્ટઅપ

સ્ટાર્ટઅપ ઇન્ડિયા હેઠળ ગુજરાતમાંથી નોંધાયા 985 સ્ટાર્ટઅપ

ફાઈલ ફોટો

દેશમાં ગુજરાત સહિત કુલ 26 રાજ્યોએ સ્ટાર્ટઅપ નીતિ જાહેર કરી છે અને તેનું અમલીકરણ કર્યું છે.

  ભારત સરકારની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ કુલ 19,351 સ્ટાર્ટઅપ નોંધાયા છે. જેમાંથી 985 સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી પણ છે. સૌથી વધારે 3661 સ્ટાર્ટઅપ મહારાષ્ટ્રમાંથી નોંધાયા છે, ત્યારબાદ 2847 સ્ટાર્ટઅપ કર્ણાટકમાંથી અને 2552 સ્ટાર્ટઅપ દિલ્હીમાંથી નોંધાયા છે. તે પછીના ક્રમે ઉત્તરપ્રદેશ, તેલંગાણા, હરિયાણા અને તામિલનાડુ આવે છે, જ્યારે ગુજરાતનો નંબર આઠમો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે આ માહિતી જૂન 28, 2019ના રોજ રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં ઉપલબ્ધ બનાવી હતી.

  ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ (એ.આઇ.એફ.એસ) હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. 1625.73 કરોડનું રોકાણ કુલ 247 સ્ટાર્ટઅપમાં કરવામાં આવ્યું છે. આ ફંડમાંથી ગુજરાતમાં એક સ્ટાર્ટઅપમાં રૂ. 3.14 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. એ.આઇ.એફ.એસ. દ્વારા સૌથી વધારે રૂ. 499.85 કરોડનું રોકાણ કર્ણાટકના 75 સ્ટાર્ટઅપમાં કરવામાં આવ્યું છે, ત્યારબાદ મહારાષ્ટ્રના 68 સ્ટાર્ટઅપમાં રૂ.440.38 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

  પરિમલ નથવાણીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના મુખ્ય પાસાંઓ અને આ પહેલ હેઠળ દેશભરમાંથી નોંધાયેલા સ્ટાર્ટઅપની સંખ્યા, આ યોજના જ્યારથી ચાલુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા, આપવામાં આવેલા અને ઉપયોગમાં લેવામાં આવેલા ફંડની વિગતો અને આ યોજનામાં નક્કી કરવામાં આવેલા અને પ્રાપ્ત કરવામાં આવેલા લક્ષ્ય અંગે જાણવા માંગતા હતા. આ ઉપરાંત તેઓ કેટલા રાજ્યોએ સ્ટાર્ટઅપ નીતિ અપનાવી છે અને સૌથી વધારે નોંધણી ધરાવતા ટોચના પાંચ રાજ્યો અંગે પણ જાણવા માંગતા હતા.

  મંત્રીએ આપેલા પ્રત્યુત્તર અનુસાર, સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલનો પ્રારંભ 16 જાન્યુઆરી 2016ના રોજ કરવામાં આવ્યો હતો અને તેમાં 19 એક્શન પોઇન્ટનો સમાવેશ થાય છે. પ્રારંભથી 24.6.2019 સુધીમાં દેશભરમાંથી 19,351 સ્ટાર્ટઅપને ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ડર્નલ ટ્રેડ (ડી.પી.આઇ.આઇ.ટી.) દ્વારા માન્યતા આપવામાં આવી છે.

  મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપની ભંડોળની જરૂરીયાત માટે ભારત સરકારે રૂ. 10,000 કરોડની રાશિ સાથે ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (એફ.એફ.એસ.)ની સ્થાપના કરી છે. એફ.એફ.એસ. માટે ડી.પી.આઇ.આઇ.ટી. મોનિટરીંગ એજન્સી છે, જ્યારે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસ.આઇ.ડી.બી.આઇ. – સીડબી) પરિચાલન એજન્સી છે. આ યોજનાની પ્રગતિ અને ભંડોળની ઉપલબ્ધિના આધારે રૂ. 10,000 કરોડની રાશિ 14મા અને 15મા નાણાં પંચમાં ફાળવવનો ઉદ્દેશ્ય છે. સીડબીએ તેની સાથે નોંધાયેલા 49 એ.આઇ.એફ.એસ.ને રૂ.31230.20 કરોડનું ભંડોળ આપવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે, એમ મંત્રીએ જણાવ્યું હતું. આ ફંડ્સે રૂ. 27,478 કરોડનું ભંડોળ એકત્ર કર્યું છે. રૂ. 483.46 કરોડ ફંડ ઓફ ફંડ્સ ફોર સ્ટાર્ટઅપ્સમાંથી લેવામાં આવ્યા છે. વધુમાં, એ.આઇ.એફ.એસ.એ કુલ 247 સ્ટાર્ટઅપ્સમાં રૂ.1,625.73 કરોડનું રોકાણ કર્યું છે.

  દેશમાં ગુજરાત સહિત કુલ 26 રાજ્યોએ સ્ટાર્ટઅપ નીતિ જાહેર કરી છે અને તેનું અમલીકરણ કર્યું છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Registered, ગુજરાત

  विज्ञापन
  विज्ञापन