માણેકચોકમાં રાતોરાત 50 વર્ષ જૂની પાણીની પરબ તોડી પાડતા વેપારીઓમાં નારાજગી


Updated: January 22, 2020, 6:49 PM IST
માણેકચોકમાં રાતોરાત 50 વર્ષ જૂની પાણીની પરબ તોડી પાડતા વેપારીઓમાં નારાજગી
અમદાવાદના માણેકચોકમાં 50 વર્ષ જૂની પાણીની પરબ તોડી પાડી

અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્રારા પાણીની પરબ તોડી પાડવામાં આવી

  • Share this:
અમદાવાદ : અમદાવાદમાં કોઈ માણેકચોકનું નામ કહે એટલે લોકોને રાત્રીનું ખાણી પીણીનું બજાર અને દિવસ દરમિયાન સોની બજારની યાદ આવે. પરંતુ અહીં વર્ષોથી દુકાન ધરાવતાં વેપારીઓ આજે સોની બજાર અને જૂના શેરબજારમાં તેમનાં ઈતિહાસને ખોઈ બેઠાં હોવાનો અનુભવી રહ્યા છે. માણેકચોકમાં બરોબર વચ્ચે 50 વર્ષ જુની એક પાણીની પરબ કોઈ દાતા દ્રારા બાંધવામાં આવી હતી. જ્યાં 5થી 8 પાણીના નળ પણ નાંખવામાં આવ્યા હતા. ઉનાળાના સમયમાં વેપારીઓ માટે આ પાણીની પરબ તરસ છીપાવતી હતી પરંતુ છેલ્લાં ઘણાં વર્ષોથી આ પાણીની પરબ બંધ હોવાને કારણે ચોક્સી મહાજન દ્રારા અમદાવાદ મ્યુ.કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી કે આ પાણીની પરબને ફરી શરુ કરવામાં આવે. જોકે પરબ શરુ કરવાને બદલે પાણીની પરબ તોડી પાડવામાં આવી હતી. જેથી વેપારીઓમાં કોર્પોરેશન માટે નારાજગી વ્યાપી છે.

માણેકચોકના ચોક્સી મહાજનનાં પ્રમુખ ચીનુભાઈ ચોક્સી જણાવે છે કે રાતના સમયે અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્રારા પાણીની પરબ તોડી પાડવામાં આવી હતી. તેઓ જ્યારે સવારે આવ્યા ત્યારે અહીં કાટમાળ જોવા મળ્યો હતો. આ જોઈને તેમને ઘણો આઘાત લાગ્યો કારણ કે તેઓ 57 વર્ષથી અહીં દુકાન ધરાવે છે અને નાનપણમાં જ્યારે ઉનાળામાં પાણીની જરુર પડે ત્યારે તેઓ અહીં આ જ જગ્યા પર માટલું ભરીને રાખતાં હતા. એટલું જ નહીં માણેકચોક શોપિંગ માટે આવતાં મુલાકાતીઓ પણ અહીં મફતમાં પાણી પીતા હતા. છેલ્લાં ઘણા સમયથી પાણીની પરબમાં પાણી ન આવતાં ચોક્સી મહાજનનાં વેપારીઓ કોર્પોરેશનને જાણ કરી હતી તેમણે ત્યાં સુધી તૈયારીઓ બતાવી હતી કે જો જવેલર્સ દીઠ 25 હજાર આપવાના થાય તો તેઓ તૈયાર છે પરંતુ કોર્પોરેશનને આ વિશે કોઈ સાંભળ્યું નહીં અને રિપેરિંગને બદલે તેને પાડી દેવામાં આવી હતી.

આ પણ વાંચો - અમિત શાહના વિશ્વાસુ અજય પટેલ અને શંકર ચૌધરીની GSC બેંકના ચેરમેન-વાઇસ ચેરમેન તરીકે પુન: નિમણૂક

પાણીની પરબ પાસે બેસતાં વિક્રમભાઈ શાહનું કહેવું છે કે તેઓ ઉનાળામાં આવતાં મુલાકાતીઓ અહીં બે ઘડી ઉભા રહીને પાણી પીવે તેનાં સાક્ષી છે. કોર્પોરેશન દ્રારા રાતના સમયે કામગીરી કરવામાં આવે તે પણ આશ્વર્યજનક છે. જો દિવસે તોડવામાં આવી હોત તો કદાચ ચોક્સી મહાજનના વેપારીઓ મળીને કોર્પોરેશનને આ કામ ન કરવા દેત. રિપેરિંગને બદલે પાણીની પરબ જમીનદોસ્ત કરવામાં આવી છે તે ઠીક નથી. વિક્રમભાઈ કોર્પોરેશન પર કટાક્ષ કરતાં એ પણ જણાવ્યું કે શું જર્જરિત હાલતમાં આપણું મકાન હોય તો આપણે તેને રિપેર નથી કરાવતાં?
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर