અમદાવાદ: ચાંદીના સિક્કા અને સોનાની માળાની લાલચ આપી ત્રિપુટી ગેંગે લગાવ્યો 4.5 લાખનો ચૂનો

News18 Gujarati
Updated: November 4, 2019, 11:18 PM IST
અમદાવાદ: ચાંદીના સિક્કા અને સોનાની માળાની લાલચ આપી ત્રિપુટી ગેંગે લગાવ્યો 4.5 લાખનો ચૂનો
વાડજ પોલીસ સ્ટેશન (ફાઈલ ફોટો)

ઘરે પરત પહોચ્યા બાદ ફરિયાદીને શંકા જતાં જ તેણે થેલીમાં તપાસ કરી તો ચાંદીના બદલે લોખંડના સિક્કા તેમજ સોનાના બદલે પિત્તળની માળા નીકળી

  • Share this:
રૂત્વિજ સોની, અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, 'લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે'. આ કહેવત વધુ એક વખત સાચી પડી છે. શહેરના વાડજ વિસ્તારમાં ત્રિપુટી ગેંગ લોખંડના સિક્કા તેમજ પિત્તળની માળા પધરાવીને રૂપિયા સાડા ચાર લાખની છેતરપિંડી કરી રફૂચક્કર થઇ ગયાં છે.

શાહીબાગ વિસ્તારમાં રહેતા સંજય શાહએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, 30 મી ઓક્ટોમ્બરના રોજ તેઓ રખિયાલ નજીક એક દુકાનમાં ઘરની ચીજવસ્તુઓ ખરીદવા માટે ગયા હતાં. જ્યાં તેમને એક ઉમરલાયક મહીલા અને બે પુરુષો મળ્યા હતાં. જેમાંથી એક વ્યક્તિએ તેઓને મારવાડી ભાષામાં કહ્યું હતું કે, તેની બહેનના લગ્ન હોવાથી તેને રૂપિયા જરૂર છે. ફરિયાદીએ આ ત્રિપુટી પાસે રૂપિયાની સ્યોરીટી માંગતા જ ત્રિપુટીએ તેમની પાસે ચાંદીના સિક્કા તેમજ સોનાની માળા આપવાની જાણ કરી હતી. અને જ્યારે તેની બહેનના લગ્ન પૂર્ણ થઇ જાય ત્યારે રૂપિયા આપીને આ સિક્કા તેમજ માળા પરત લઇ જવાની ખાતરી આપી હતી. એટલું જ નહી, ત્રિપુટી ગેંગે સંજય શાહને વિશ્વાસમાં લેવા સિક્કા તેમજ માળા સાચી છે તે બતાવવા, એક સિક્કો અને માળાનો કેટલોક ભાગ કાપીને આપ્યો, સાથે પોતાનો મોબાઇલ નંબર પણ આપ્યો હતો.

ફરિયાદી સંજય શાહે સોનીને ત્યાં ખરાઇ કરાવતા આ સિક્કો ચાંદીનો તથા માળા સોનાની હોવાનું જણાઇ આવતા તેમણે આરોપીઓને ફોન કરીને વાડજ રેડક્રોસ નજીક બોલાવ્યા હતાં. જ્યાં 1લી નવેમ્બરે આ ત્રિપુટી ફરિયાદીને મળી હતી અને ફરિયાદીએ સાડા ચાર લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

ત્યારબાદ 2જી નવેમ્બરે વાડજ રેડક્રોસ નજીક ફરિયાદીએ આરોપીઓેને સાડાચાર લાખ આપ્યા હતાં, અને બદલામાં સિક્કા તેમજ માળા ભરેલ થેલી લીધી હતી. ઘરે પરત પહોચ્યા બાદ ફરિયાદીને શંકા જતાં જ તેણે થેલીમાં તપાસ કરી તો ચાંદીના બદલે લોખંડના સિક્કા તેમજ સોનાના બદલે પિત્તળની માળા નીકળી હતી. જે સમગ્ર ઘટનાની જાણ વાડજ પોલીસને કરતાં જ પોલીસે આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
First published: November 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading