અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર નશાનો સામાન ઝડપાયો છે. નારોલ પોલીસે લાંભા 3 રસ્તેથી રિક્ષામાં લઈ જવાતા 110 કિલો ગાંજા સાથે રાણીપના 3 ઈસમોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ કરીને મોટી માત્રામાં ગાંજાનો જથ્થો મંગાવનાર અને આપનારની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદના યુવાધનને નશાના રવાડે ચડાવવાનું કામ કરનારા ઈસમો પોલીસની પકડમાં આવ્યા છે. રાણીપ વિસ્તારમાં રહેતા કિરીટ પંચાલ, ચીમન સોલંકી અને કૃષ્ણરાજ પુરોહિત રિક્ષામાં નડિયાદથી અમદાવાદમાં ગાંજો લઈને આવતા હતા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપીઓ પાસેથી પોલીસે 110 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો છે.
અમદાવાદ નારોલ પોલીસ લાંભા ત્રણ રસ્તા પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક રિક્ષા લાંભાથી નારોલ તરફ આવી રહી છે. જેમાં નશાનો સામાન મોટી માત્રામાં છે જેથી પોલીસે બાતમીના આધારે રિક્ષા રોકી તેમાં તપાસ કરતા ગાંજાનો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. પોલીસે ઓટો રિક્ષા અને ચાર મોબાઇલ ફોન સહિત કુલ 11 લાખ 63 હજાર 110નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ અંકલેશ્વરથી આ ગાંજાનો જથ્થો અમદાવાદમાં લાવ્યા હતા. ત્યારે મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ઝડપાતા હાલ તો પોલીસે ગાંજો આપનાર અને મંગાવનાર બંને શખ્સોને ઝડપી પાડવા માટે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર