અમદાવાદ : બંધ કારમાં ઊંઘી જતાં ડ્રાઇવરો માટે લાલબત્તી સમાન કિસ્સો, એકનું મોત

અમદાવાદ : બંધ કારમાં ઊંઘી જતાં ડ્રાઇવરો માટે લાલબત્તી સમાન કિસ્સો, એકનું મોત
19 વર્ષના યુવકનું મોત.

પ્રાથમિક તારણ એવું કાઢવામાં આવ્યું છે કે ભાવેશ કારમાં હિટર ચાલુ કરીને ઊંઘી ગયો હશે. જે બાદમાં કારમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જતાં તેનું ગૂંગળામણથી મોત થયું હશે.

  • Share this:
અમદાવાદ : બંધ કારમાં ઊંઘી રહેતા ડ્રાઇવરો માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે. સાઉથ બોપલના ઓર્ચિડ સેન્ટર પાસે બંધ કારમાંથી ભાવેશ રબારી નામના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે આ મામલે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કાર ચાલુ હતી અને કારમાં હિટર પણ ચાલું હતું. પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે ભાવેશ રબારીનું મોત કારમાં ગૂંગૂળામણને કારણે થયું છે.

મોતનું સાચું કારણ શોધવા માટે પોલીસે ભાવેશના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે. પીએમ થયા બાદ ભાવેશના મોતનું કારણ બહાર આવશે. બોપલ પીએસઆઈ અનુષમાન નિનામાએ જણાવ્યું હતું કે, લાશને જોતા લાગે છે કે બાર કલાક પહેલા મોત થયું હશે, પરંતુ પીએમ પછી જ કંઈક કહી શકાશે. મૃતક ભાવેશ રબારીની ઉંમર 19 વર્ષની છે. ભાવેશ Ola કાર ચલાવીને પોતાનું ગુજરાત ચલાવતો હતોઅને નાઈટ શીફ્ટ કરતો હતો.

પ્રાથમિક તારણ એવું કાઢવામાં આવ્યું છે કે ભાવેશ કારમાં હિટર ચાલુ કરીને ઊંઘી ગયો હશે. જે બાદમાં કારમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટી જતાં તેનું ગૂંગળામણથી મોત થયું હશે. કારમાં ગરમીનું પ્રમાણ વધી જતાં તેના નાકમાંથી લોહી નીકળી ગયું હતું. મૃતકના શરીર પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યાં નથી.

બીજી તરફ સાઉથ બોપલ જેવા વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર અને કારમાંથી ભાવેશનો મોબાઈલ કબજે લીધો છે. ભાવેશ વેજલપુરમાં રહે છે. એટલે તે રાત્રે સાઉથ બોપલમાં કોને ડ્રોપ અથવા પીકઅપ માટે આવ્યો હતો તેની પણ તપાસ થશે.

મહત્વપૂર્ણ છે કે મોટાભાગના ડ્રાઈવરો કાર પાર્ક કરીને બંધ કારમાં જ ઊંઘી જતા હોય છે. આવા કેસમાં કારમાં એસી ચાલુ હોય ત્યારે કોઈ મુશ્કેલી પડતી નથી પરંતુ હિટર ચાલુ રાખીને બંધ કારમાં ઊંઘી જતી વખત સમસ્યા આવતી હોય છે.
Published by:News18 Gujarati
First published:January 31, 2020, 15:20 pm

ટૉપ ન્યૂઝ