Home /News /madhya-gujarat /Board exam: જેલમાં સજા કાપી રહેલા 122 કેદીઓ પણ આપશે બોર્ડની પરીક્ષા, જાણો કેવી છે તંત્રની તૈયારી
Board exam: જેલમાં સજા કાપી રહેલા 122 કેદીઓ પણ આપશે બોર્ડની પરીક્ષા, જાણો કેવી છે તંત્રની તૈયારી
રાજ્યમાં કુલ મળી ધોરણ 10માં 76 અને ધોરણ 12માં 46 મળી 122 કેદીઓ પરીક્ષા આપશે.
Board Exam news: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદની જેલમાં ધોરણ 10ના કુલ 28 અને ધોરણ 12માં 16 કેદીઓ મળી કુલ પરીક્ષા 44 કેદીઓ પરીક્ષા આપશે.
ધોરણ 10 અને 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા (Board Exam) આગામી 28 માર્ચના રોજથી શરૂ થઈ રહી છે. રાજ્યભરમાંથી 122 જેટલા જેલના કેદીઓ પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Prison inmate Board Exam) આપવાના છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ (Ahmedabad Jail) ઉપરાંત સુરત, વડોદરા અને રાજકોટની જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવશે.
ગત વર્ષે કોરોનાના કારણે ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો થતા ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 15 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે. જેમાં રાજ્યની અલગ અલગ જેલમાં સજા ભોગવી રહેલા 122 કેદીઓનો પણ સમાવેશ થાય છે. જેલમાં કેદીઓની પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. રાજ્યની અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલ, વડોદરા મધ્યસ્થ જેલ અને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં પણ પરીક્ષા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદની જેલમાં ધોરણ 10ના કુલ 28 અને ધોરણ 12માં 16 કેદીઓ મળી કુલ પરીક્ષા 44 કેદીઓ પરીક્ષા આપશે. વડોદરા જેલમાં ધોરણ 10 માટે કુલ 20 અને ધોરણ 12ની 11 કેદીઓ પરીક્ષા આપશે. રાજકોટ જેલમાં ધોરણ 10ની 12 કેદીઓ અને ધોરણ 12ની 3 કેદીઓ પરીક્ષા આપશે. જ્યારે સુરતની લાજપોર જેલમાં ધોરણ 10માં 16 અને ધોરણ 12માં 16 કેદીઓ એમ રાજ્યમાં કુલ મળી ધોરણ 10માં 76 અને ધોરણ 12માં 46 મળી 122 કેદીઓ પરીક્ષા આપશે.
મહત્વનુ છે કે 2020માં અમદાવાદ જેલમાંથી 39 કેદીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યમાં કુલ 81 ઝોનમાં 958 કેન્દ્ર પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરીક્ષા લેવાવાની છે. જેમાં ચાર જેલના કેન્દ્રનો પણ સમાવેશ થાય છે.