નવી દિલ્હી: વર્તમાન સમયે વ્યસ્ત જીવનશૈલી (Lifestyle)માં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય (Physical and Mental health) જળવાઈ રહે તે જરૂરી છે. તે માટે પોતાની જાતને સમય આપી કોઈ ચિંતા વગર લટાર મારવી પણ આવશ્યક છે. આ માટે જ 19મી જૂને વર્લ્ડ સાઉન્ટેરિંગ ડે (World Sauntering Day 2021) ઉજવાય છે. જેને વર્ષનો સૌથી મનોરંજક ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકોને વ્યસ્તતામાં થોડા ધીમા પડે અને તંદુરસ્તી અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે તે હેતુથી આ દિવસની ઉજવણી થાય છે. જીવન માટે વર્ષમાં ઓછામાં ઓછા એક દિવસ જેટલો સમય હળવાશ પાછળ કાઢવાનો સંદેશો આ દિવસ આપે છે. આવુ કરવાથી તાણ સંબંધિત મુશ્કેલીઓનું જોખમ પણ ઓછું થશે.
શું છે આ દિવસનો ઇતિહાસ?
આ દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 1979માં ડબ્લ્યુ. ટી. રાબે નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. જે સમયે જોગિંગ ખૂબ લોકપ્રિય હતું ત્યારે આ દિવસને અસ્તિત્વમાં લેવાયો હતો. વ્યસ્તતામાં ધીમા પડવા અને હળવાશ રાખવાનો મુખ્ય હેતુ આ દિવસ પાછળ સમાયેલો હતો. કેટલાક સ્થળોએ આ દિવસને 28 ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે. વર્લ્ડ સાઉન્ટેરિંગ ડેની શરૂઆત અમેરિકાનાં મિશિગનનાં મેકેનિક આઇલેન્ડ પરની ગ્રાન્ડ હોટલમાંથી રહી હોવાનું માનવામાં આવે છે.
આ આયોજન પાછળનો ઉદ્દેશ લોકોને ધીમે ધીમે ચાલવા અને તેઓ જ્યાં હોય તે વિસ્તારની આસપાસની મજા માણવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વ્યાખ્યા મુજબ Sauntering એક ક્રિયાપદ છે. જે ચાલવાની શૈલીનું વર્ણન કરે છે. તેનો મતલબ ખુશખુશાલ ચાલવાનો થાય છે. ઘણા લોકો લીલોતરી હોય તેવા ખુલ્લા વિસ્તારો પસંદ કરે છે. જે રિલેક્સ થવા અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે.