Home /News /lifestyle /

World Arthritis Day 2021: આર્થરાઇટિસને સામાન્ય બીમારી માનવાની ભૂલ ના કરતાં, આવા હોય છે લક્ષણો

World Arthritis Day 2021: આર્થરાઇટિસને સામાન્ય બીમારી માનવાની ભૂલ ના કરતાં, આવા હોય છે લક્ષણો

અર્થરાઇટિસ ઉંમર લાયક લોકોમાં વધારે જોવા મળે છે આ સાથે જ વધુ વજન ધરાવતા લોકોમાં તેનું જોખમ વધારે રહે છે (પ્રતિકાત્મક તસવીર)

World Arthritis Day 2021- પહેલા સાંધાના દુઃખાવા અને સંધિવાને વૃદ્ધોની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ આજકાલની લાઈફ સ્ટાઈલ અને ખાનપાનમાં ગરબડના કારણે યુવાનો પણ આની ઝપટમાં આવી ગયા છે. ઘણા બધા લોકો નથી જાણતા કે આ એક ગંભીર મેડિકલ પરિસ્થિતિ છે અને તેને સમય પર દવા અને સારવારની જરૂર હોય છે

વધુ જુઓ ...
વિશ્વભરમાં દર વર્ષે 12 ઑક્ટોબરના દિવસે વર્લ્ડ આર્થરાઇટિસ ડે (world arthritis day 2021) મનાવવામાં આવે છે. સામાન્ય ભાષામાં આર્થરાઇટિસ (arthritis)એટલે સંધિવા. આ દિવસે જાગરૂકતા ફેલાવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વર્લ્ડ આર્થરાઇટિસ ડેની થીમ અનુસાર કાર્યક્રમોની રૂપ રેખા રાખવામાં આવે છે. સંધિવા હાલના દિવસોમાં લોકોમાં સામાન્ય રીતે જોવા મળતી બીમારીઓમાંથી એક છે. પહેલા સાંધાના દુઃખાવા અને સંધિવાને વૃદ્ધોની સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ આજકાલની લાઈફ સ્ટાઈલ અને ખાનપાનમાં ગરબડના કારણે યુવાનો પણ આની ઝપટમાં આવી ગયા છે. ઘણા બધા લોકો નથી જાણતા કે આ એક ગંભીર મેડિકલ પરિસ્થિતિ છે અને તેને સમય પર દવા અને સારવારની જરૂર હોય છે. આ સ્થિતિ એટલી ખતરનાક છે કે સંધિવાના કારણે હાડકામાં થતી અકડ ધબકારા પણ રોકી શકે છે. શરીરમાં યૂરિક એસિડનું લેવલ વધી જાય ત્યારે સંધિવાની બીમારી વધારે પરેશાન કરે છે. સંધિવા અથવા આર્થરાઇટિસથી પરેશાન લોકોને સાંધામાં અસહનીય દુ:ખાવો થતો હોય છે. જે લોકો સંધિવા વિશે નથી જાણતા તેઓ આ બીમારીને સાંધામાં દુ:ખાવા, સોજાની સમસ્યાથી સમજી લે છે.

શા માટે વર્લ્ડ આર્થરાઇટિસ ડે મનાવવામાં આવે છે?

સંધિવા જેવી બીમારીઓથી પીડિત લોકોની મદદ માટે કેટલાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વિશ્વ સંધિવા દિવસ મેડિકલ ગ્રુપ્સ, દર્દીઓ અને સામાન્ય પ્રજા વચ્ચે આ બીમારી વિશે જાગરૂકતા ફેલાવાના હેતુથી મનાવવામાં આવે છે.

વર્લ્ડ આર્થરાઇટિસ ડેનું મહત્ત્વ

ભારત અને વિશ્વભરમાં કોરોના વાયરસને છોડીને આર્થરાઇટિસ વધુ જોવા મળતી બીમારીઓમાંથી એક છે. અર્થરાઇટિસ ઉંમર લાયક લોકોમાં વધારે જોવા મળે છે આ સાથે જ વધુ વજન ધરાવતા લોકોમાં તેનું જોખમ વધારે રહે છે. વિશ્વ સંધિવા દિવસ આ બીમારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેનો હેતુ લોકોમાં જાગરૂકતા વધારવાનો છે. તેનો પ્રાથમિક હેતુ લોકોને સંધિવા વિશે શિક્ષિત કરવાનો છે. આ વર્ષે 'ડુ નોટ ડિલે, કનેકટ ટુડે, ટાઇમ ટુ વર્ક’ થીમ સાથે ઉજવણી થશે.

આર્થરાઇટિસના લક્ષણો

નબળા અને જકડાયેલા સાંધા

સામાન્ય માણસનાં સાંધા ફ્લેક્સિબલ અને મજબૂત હોય છે, પણ આર્થરાઇટિસથી પીડાતા દર્દીનાં સાંધા નબળા પડી જતા હોય છે. આ રોગના દર્દીઓનાં સાંધા જો વધુ પડતા કમજોર થાય તો સાંધા શરીરનું વજન પણ ઉઠાવી શકતા નથી, જેના કારણે દર્દીને ચાલવા અને ઉભા રહેવામાં પણ તકલીફ પડતી હોય છે.

હલન-ચલનમાં તકલીફ

જો કોઈ વ્યક્તિને પોતાના કોઈ પણ અંગને હલાવવામાં તકલીફ અથવા મુશ્કેલી પડતી હોય તો તે વ્યક્તિ આર્થરાઇટિસનો શિકાર હોઈ શકે છે. સાંધામાં થતા દુ:ખાવા અથવા જડતાને કારણે વ્યક્તિને હલન ચલનમાં તકલીફ પડતી હોય છે. આવી સમસ્યામાં ત્વરિત ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

સાંધામાં સોજો અને બળતરા

સાંધા જકડાઈ જવાને કારણે જ્યારે પણ દર્દી હલન ચલન કરે છે તો સાંધા પર વધું પડતું દબાણ આવે છે. આર્થરાઇટિસના દર્દીના સાંધા અને ગાદીમાં સોજો આવવાની ફરિયાદ જોવા મળતા હોય છે. બીજી તરફ સાંધામાં ચિકાશ અને મજબૂતી ઘટી જવાને કારણે તેમાં બળતરાની સમસ્યા પણ જોવા મળતી હોય છે.

આ પણ વાંચો - Tulsi and Honey Pack for Clear Skin: જો તમે પણ છો ખીલની સમસ્યાથી પરેશાન તો ટ્રાય કરો આ ફેસપેક

સવારના સમયે તીવ્ર દુ:ખાવો

રાત્રીના સમયે શરીરમાં હલન ચલનનું પ્રમાણ ખુબ નહીવત હોય છે. જેનાં કારણે સાંધા તે જ સ્થિતિમાં જકડાઈ જાય છે. આ પછી જ્યારે દર્દી સવારમાં ઉઠે છે તો નજીવી હલન ચલન કરવામાં પણ તેને સાંધામાં તીવ્ર દુ:ખાવાની ફરિયાદ થયા છે.

સીડી ચઢ ઉતર કરવામાં તકલીફ

સ્વસ્થ વ્યક્તિને કોઈ ઈજા સિવાય સીડી ચઢવા ઉતરવા અથવા જમીન પર ઉઠવા બેસવામાં કોઈ તકલીફ પડતી હોતી નથી, પણ આર્થરાઇટિસના દર્દીને સામાન્ય સીડી ચઢ ઉતર કરવામાં પણ સમસ્યા આવતી હોય છે. જકડાયેલા સાંધા અને દર્દને કારણે આવા દર્દીઓ સરળતાથી ઉઠબેસ કે ચઢ ઉતર કરી શકતા નથી.

હાડકામાં વારંવાર ટચાકા ફુટવા

સામાન્ય કામ કરવામાં પણ તમારા પગના કે શરીરના અન્ય કોઈ ભાગના હાડકામાં ટચાકા ફુટતા હોય તો આ આર્થરાઇટિસનું લક્ષણ છે. જેની અવગણના કરવી ભારે પડી શકે છે. આ શરુઆતી લક્ષણ કહી શકાય તેથી જો આવી કોઈ સમસ્યા તમને થતી હોય તો ત્વરિત ધોરણે તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આર્થરાઇટિસથી બચવાના ઉપાય

વર્તમાન સમયમાં ખરાબ જીવનશૈલી પણ આનુ કારણ બની રહ્યુ છે. જંક ફૂડનો વધુ ઉપયોગ, પ્રદૂષણની ખરાબ અસર તેમજ તણાવ પણ સંધિવાનું કારણ છે. આપણા રોજિંદા જીવનમાં કેટલાક નાના ફેરફારો લાવીને આપણે આ રોગથી બચી શકીએ છીએ.

- સંતુલિત અને પોષક આહારનું સેવન કરવું
- જંકફુડથી દુર રહેવું અને ઘરનો પૌષ્ટિક આહાર લેવો
- આહારમાં લીલાશાક, ફળ અને આખા અનાજનું વધુ સેવન કરવું
- શારિરીક રીતે થોડા હળવા વ્યાયામ કરવા
- દરરોજ સવારનાં સમયે 20 થી 30 મિનિટ સુર્યપ્રકાશમાં બેસવું
- ખુબ લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં કોમ્પ્યુટર સામે બેસી રહેવું નહી, દર કલાકે થોડી શારિરીક હલન-ચલન કરવી

ઓસ્ટિઓઆર્થરાઇટિસ

ભારતમાં ઓસ્ટિઓઆર્થરાઇટિસ સૌથી વધુ સામાન્ય છે. તે ઉંમરને કારણે સાંધાનો થતો ધસારો છે અને આ ધસારો કાયમી હોય છે. સામાન્ય રીતે 45 વર્ષની વય પછી દરેક વ્યક્તિ સાંધામાં આ પ્રકારનો ધસારો મોટાં ભાગની વ્યક્તિઓ અનુભવે છે. જોકે, ઓસ્ટિઓઆર્થરાઇટિસ અને ઓસ્ટિઓપોરોસિસ બંને એકસમાન નથી. ઓસ્ટિઓઆર્થરાઇટિસ એટલે સાંધાને થતું નુકસાન છે, જ્યારે ઓસ્ટિઓપોરોસિસમાં શરીરનાં હાડકાં નબળાં પડી જાય છે. સામાન્ય ઓસ્ટિઓઆર્થરાઇટિસનો ભોગ બનેલા લોકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા હોય છે.

રુમેટાઈડ આર્થરાઇટિસ

આ પ્રકારના આર્થરાઇટિસમાં સાંધાના આજુબાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, જેનાં કારણે માંસપેશિયો અને લિગામેન્ટ પણ ક્ષતિગ્રસ્ત થાય છે. શરુઆતમાં આની અસર ઓછા ભાગમાં જોવા મળે છે પણ સમય જતા તેનો વ્યાપ વધે છે. આ આર્થરાઇટિસ વિકલાંગતાનુ કારણ બની શકે છે.

નજરઅંદાજ કરવાથી વધી શકે છે સમસ્યા

આ સમસ્યા સામાન્ય રીતે નજરઅંદાજ કરવામાં આવતી હોય છે. માહિતીના અભાવમાં આ માત્ર હાડકાની બિમારી સમજવામાં આવે છે. પરિણામે હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડની તેમજ લિવર ખરાબ હોવાની સમસ્યા થઈ શકે છે. સમય રહેતા આ બિમારો ઈલાજ ન થઈ થવાના કારણે લોકો જીવલેણ બીમારીઓનો શિકાર થઈ જાય છે. શરૂઆતના તબક્કામાં જ બીમારીનુ નિદાન કરીને આ બીમારીનો ઈલાજ કરી શકાય છે. ગંભીર ઈજા કે ખાનપાનમાં પોષણની ઉણપ પણ આના માટે જવાબદાર હોઈ શકે છે. એક સમય બાદ દરેક વ્યક્તિના શરીરના તમામ સાંધામાં દુઃખાવાની ફરિયાદ થવા લાગે છે. ઘણી વાર આ દુઃખાવો વધતી ઉંમર સાથે થાય છે, તો ઘણી વાર શારીરિક બનાવટ અને વધતા વજનના કારણે સાંધામાં દુઃખાવો થાય છે. સાંધામાં દુઃખાવાના કારણે સામાન્ય વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
First published:

Tags: World Arthritis Day 2021, આરોગ્ય

આગામી સમાચાર