Home /News /lifestyle /કેટલાક લોકોને શા માટે ક્યારેય કોરોનાનો ચેપ નથી લાગ્યો?

કેટલાક લોકોને શા માટે ક્યારેય કોરોનાનો ચેપ નથી લાગ્યો?

કોરોના વાયરસના આવા વલણથી ઘણા આરોગ્ય નિષ્ણાતો આશ્ચર્યચકિત થયા છે

CORONA VIRUS: અમુક લોકોને કોરોના વાયરસનો ચેપ શા માટે નહોતો લાગતો તે અંગે ગત મે મહિનામાં વોશિંગ્ટન પોસ્ટમાં અહેવાલ પ્રકાશિત થયો હતો.

મુંબઇ: કોરોના મહામારી (Corona pandemic)ના કારણે અનેક લોકોએ પ્રિયજન ગુમાવ્યા છે. આ સાથે જ અનેક લોકોને આર્થિક ફટકો પણ પડ્યો છે. મહામારીએ હજારો લોકોનું જીવન બરબાદ કરી નાખ્યું છે. કોરોના સંક્રમણ (Corona infection)નો ભોગ બનનાર લોકોને કોરોનાની તકલીફનો અંદાજ છે. તેઓ સાચી પીડા જાણે છે. અનેક લોકો ચેપ લાગ્યા બાદ સાજા (Recovered from Corona infection) થયા છે. સમયાંતરે આવા આંકડા સામે આવતા રહે છે. જોકે ઘણા લોકો એવા પણ છે કે જેઓ કોરોના દર્દીઓથી ઘેરાયેલા રહ્યા હોવા છતાં પણ ચેપ લાગ્યો ન હતો.

કોરોના વાયરસના આવા વલણથી ઘણા આરોગ્ય નિષ્ણાતો આશ્ચર્યચકિત થયા છે. એક સમયે ઘાતક ગણાતા ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ચેપના કેસ વધ્યા હતા, પણ ઘણા લોકોને ચેપ લાગ્યો ન હતો. અમુક લોકોને કોરોના વાયરસનો ચેપ શા માટે નહોતો લાગતો તે અંગે ગત મે મહિનામાં વોશિંગ્ટન પોસ્ટમાં અહેવાલ પ્રકાશિત થયો હતો.

વૈશ્વિક સ્તરે થઈ રહ્યો છે અભ્યાસ

વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જે લોકો કોરોના વાયરસ સામે સુરક્ષિત રહ્યા છે, તેઓ ચેપગ્રસ્ત અને રિકવર થયેલા લોકો કરતા આ મહામારી વિશે વધુ માહિતી પૂરી પાડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના ચેપથી રક્ષણ આપતા આનુવંશિક તત્વને શોધવા માટે આંતરરાષ્ટ્રીય અભ્યાસ ચાલી રહ્યો છે. ન્યૂયોર્કની રોકફેલર યુનિવર્સિટીના ક્લિનિકલ માઇક્રોબાયોલોજિસ્ટ અને ફેલો એન્ડ્રાસ સ્પાન આ રિસર્ચનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમણે આ અભ્યાસ હેઠળ 700 સહભાગીઓની નોંધણી કરી છે. તેઓએ કોરોનાથી સુરક્ષિત રહ્યા હોય તેવા 5,000થી વધુ લોકોની તપાસ કરી છે. આ ગ્રુપ પર ઇન્ફેક્શન અને એન્ટીબોડીઝ માટે વારંવાર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

નર્સ એનેસ્થેટિસ્ટ તરીકે ફરજ બજાવતા બેવિન સ્ટ્રિકલેન્ડ આ અભ્યાસ માટે સ્વૈચ્છિક સેવા આપી છે. તેમને કોવિડ -19 દર્દીઓ સાથે કામ કરવા છતાં ચેપ લાગ્યો ન હતો. બેવિનના જણાવ્યા અનુસાર, તે જ્યાં કામ કરે છે તે હોસ્પિટલમાં તે પોતાનું માસ્ક ઉતારેલું રાખતી હતી. માસ્ક ન પહેર્યું હોવા છતાં તેમને ચેપ લાગ્યો ન હતો. જેના કારણે તેમણે અભ્યાસ માટે સ્વયંસેવક બનવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: વાઈન પીવાથી શરીરને થાય છે આ 10 લાભ, શું કહે છે સાયન્સ?

વાયરસના ફેલાવા અને વિકાસ બાબતે માહિતી મળી શકે

બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એપિડેમિયોલોજીના પ્રોફેસર જેનિફર નુઝોએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, કોરોના વાયરસનો ચેપ ક્યારેય ન લાગ્યો હોય તેવા લોકોના જનીનો અને અન્ય જૈવિક લક્ષણોનો અભ્યાસ કરવાથી વાયરસ કેવી રીતે વિકસિત થાય છે અથવા તે માનવ શરીરને કેવી રીતે ચેપ લગાડે છે તેના પર પ્રકાશ પાડી શકાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે, કેટલાક જેનેટિક વેરિયન્ટ અને HIV, ક્ષય રોગ તથા ફ્લૂ જેવા ચેપી રોગો સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વચ્ચે જોડાણ હોવાનું ભૂતકાળના અભ્યાસોમાં જાણવા મળ્યું છે. હવે નવા અભ્યાસનો હેતુ કોવિડ -19 માટે પણ આવા જેનેટિક તત્વ અસ્તિત્વમાં છે કે નહીં એ શોધવાનો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ccoronavirus, HealthTips, Lifestyle

विज्ञापन
विज्ञापन