સમસ્યા- મારી ઉંમર બત્રીસ વર્ષની છે. મારે ત્રણ બાળકો છે. હવે બીજા બાળકની જરૂર નથી મને ખૂબ જ માસિક જાય છે. દર મહિને છ સાત દિવસ માસિક ચાલું રહે છે. જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ પણ ઓછું થઇ ગયેલ છે. સોનોગ્રાફીમાં ત્રણ નાની ફાઇબ્રોઇડની ગાંઠ બતાવેલ છે. મારા ડોક્ટરે તાત્કાલીક ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી છે. પરંતુ મારી બહેનપણી એ આ રીતે ગર્ભાશય કાઢી નખાવ્યા બાદ સેક્સમાં ખૂબ જ તકલીફ થાય છે. ચો શું આ સાચું છે? ગર્ભાશય કાઢવા સિવાય બીજો કોઇ રસ્તો ખરો?
ઉકેલ- તમારી ઉંમરની સ્ત્રીઓની જો સોનોગ્રાફી કરવામાં આવે તો મોટા ભાગની સ્ત્રીઓમાં આ પ્રકારની ફાઇબ્રોડની ગાંઠો જોવા મળતી હોય છે. જેના કારણે માસિક સ્ત્રાવ વધારે પડતો આવતો હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇશન ના કહેવા પ્રમાણે દર પાંચમાંથી એક મહિલાને વધુ પડતા માસિકની તકલીફ હોય છે. અને દુનિયાભરમાં સાઇઠ ટકાથી વધુ ગર્ભાશયના ઓપરેશન ખોટી રીતે કરવામાં આવે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં ગર્ભાશય દુર કરવું આવશ્યક પણ હોય છે. વધુ પડતા માસિક સ્ત્રાવ માટે હવે ઓપરેશન વગરના પણ ઇલાજો શક્ય છે. જેમ કે દવાઓ, ‘ડી એન્ડ સી,’ વગેરે નવી આવેલ બલુન થેરાપી દ્વારા માત્ર આઠ મિનિટમાં ગર્ભાશય દુર કર્યા વગર વધુ પડતા માસિક સ્ત્રાવની તકલીફ દુર થઇ શકે છે. આ સારવાર બાદ માત્ર ચાર કલાકમાં સ્ત્રી ઘરે જઇ શકે છે. બીજા દિવસથી નોર્મલ કામકાજ કરી શકાય છે અને પંદર દિવસમાં જાતીય જીવન પણ ફરીથી શરૂ કરી શકાય છે. જ્યારે ગર્ભાશયના ઓપરેશન બાદ આ તરત શક્ય બનતું નથી ઘણીવાર ગર્ભાશયની સાથે ઓવરી (અંડાશય) પણ દુર કરવામાં આવે છે. જેથી સમાગમ વખતે યોનિમાર્ગમાં પુરતી ભિનાશ થતી નથી. આમ થવાથી સમાગમ વખતે દુ:ખાવો સ્ત્રીને થાય છે અને ચરમસીમા અનુભવાતી નથી. માટે શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે બીજા વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ. આપની ઉંમર ખૂબ જ નાની છે. ગર્ભાશય ને જો ઓવરી સાથે દુર કરવામાં આવશે તો ખૂબ જ નાની ઉંમરમાં મેનોપોઝના લક્ષણો દેખાઇ શકે છે. માટે બીજા ડોક્ટરનો અભિપ્રાય લેવો વધુ હિતાવહ છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર