Navratri 2021: આ રીતે કરો ગરબા માટે ડ્રેસની પસંદગી, જાણો શું છે 9 દિવસના લકી કલર્સ

પ્રતીકાત્મક તસવીર

navratri: અમે આપને નવરાત્રીના 9 દિવસના 9 લકી કલર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

 • Share this:
  સમગ્ર દેશમાં હાલ નવરાત્રીની (Navratri) ઉજવણી થઈ રહે છે. 7 ઓક્ટોબરે માં શક્તિના તહેવાર એવી નવરાત્રીની શરુઆત થઈ ચુકી છે. નવરાત્રીને લઈને નાનાથી મોટા અને યુવાનથી વૃધ્ધ બધા ઉત્સાહિત હોય છે. લોકો નવરાત્રીને લઈને ઘણી બધી તૈયારીઓ કરતા હોય છે. માં શક્તિની આરાધના અને પૂજાની રીતો ભલેને જુદી જુદી હોય પણ આસ્થા અને વિશ્વાસ તો આખા દેશનો એક જ છે. અલગ અલગ જગ્યાએ પોત પોતાની આસ્થા અને રિવાજો પ્રમાણે માં શક્તિની ઉપાસના કરવામાં આવતી હોય છે. આખા દેશમાં ઉજવાતી (Navratri celebration) નવરાત્રીમાં બંગાળની દુર્ગાપૂજા અને ગુજરાતની નવરાત્રી તો વર્લ્ડ ફેમસ છે.

  ગુજરાતના ગરબા માત્ર દેશ જ નહીં પણ વિદેશમાં પણ ખ્યાતના ધરાવે છે. જો કે આ વર્ષે પણ કોરોનાને કારણે નવરાત્રીમાં કેટલાક પ્રતિબંધો જોવા મળે છે. જેને લઈને ક્યાંક નવરાત્રીનો રંગ અને ખેલૈયાઓનો ઉત્સાહ બંને થોડાં ફીકાં પડતા દેખાઈ રહ્યા છે, પણ આમાં નિરાશ થવાની કોઈ જ જરુર નથી. સરકાર તરફથી આપણી પ્રાચીન સમયના ગરબા એટલે કે શેરી ગરબાની છૂટ આપી છે. હાલ નવરાત્રીમાં લોકો નવા નવા આઉટફીટ્સ સાથે ગરબે ઘૂમવા જતા હોય છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે કઈ રીતે માં શક્તિના પ્રીય રંગો આપની નવરાત્રીને સાર્થક બનાવશે. નવરાત્રીના નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દેવીને એક ખાસ રંગ પસંદ છે. જો તમે તે દિવસે સમાન રંગ પહેરો છો તો માતા રાણીની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. આજના આ આર્ટિકલમાં અમે આપને નવરાત્રીના 9 દિવસના 9 લકી કલર્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.

  પહેલા નોરતે પહેરો પીળો રંગ

  નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પ્રથમ સ્વરૂપ માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. પીળા રંગની સાડી કે ચણિયાચોળી પહેરી શકો છો, જે પૂજા માટે અને ગરબા રમવા માટે પરફેક્ટ લાગશે. જો તમે સાડી કે ચણિયાચોળી પહેરવા નથી માંગતા તો પીળા રંગનો સૂટ અથવા કુર્તી પણ પહેરી શકો છો અથવા પીળા રંગને બીજા રંગ સાથે કોમ્બિનેશન કરીને મિક્સ અને મેચ પણ કરી શકો છો. પીળા રંગ સાથે લાલ, લીલો, મરુન અને ગુલાબી રંગનું પણ કોમ્બીનેશન કરીને પહેરી શકાય છે.

  બીજા નોરતે પહેરો લીલો રંગ

  નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીનો છે. કહેવાય છે કે આ દિવસે લીલા વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. લીલો રંગ મોટાભાગના લોકોને પસંદ પડતો હોય છે, વળી આ રંગ જ્યારે તહેવારોમાં પહેરવામાં આવે તો બ્રાઈટ સાઈડ કલર હોવાને કારણે ખુબ શોભી ઉઠતો હોય છે. આ દિવસે તમે ગ્રીન લેહરીયા સાડી, ગ્રીન અને રેડ કોમ્બિનેશન સૂટ અથવા ગ્રીન શરારા સેટ પહેરી શકો છો.આ સિવાય તમે લીલા રંગનો કોઈપણ એથનિક ડ્રેસ કેરી કરી શકો છો.

  ત્રીજા નેરતે પહેરો ગ્રે રંગ

  દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે. આ દિવસે ગ્રેને શુભ રંગ માનવામાં આવે છે. તેથી જો તમે વિચારી રહ્યા છો કે આ દિવસે શું પહેરવું, તો ગ્રે કલરની સાડી શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમને ઉત્સવમાં ભવ્ય દેખાવ આપશે. આ સિવાય તમે ગ્રે કલરનો પ્લાઝો કુર્તી સેટ કે સૂટ પણ કેરી કરી શકો છો.સામાન્ય પણ શુભ પ્રસંગ પર વડીલો તરફથી ગ્રે અને બ્લેક જેવા મંગો પહેરવાની ના પાડવામાં આવતી હોય છે, પણ આ નવરાત્રી જો તમે માં શક્તિને ખુશ કરવા માંગતા હોવ તો ગ્રે કલર જરૂરી થી પહેરજો.

  ચોથા નોરતે પહેરો ઓરેંજ રંગ

  નવરાત્રિના ચોથા દિવસે માતાના સ્વરૂપ મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે ઓરેંજ રંગના કોઈપણ વસ્ત્રો કેરી કરી શકો છો. ઓરેંજ સાથે કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન તમારા લુકને વધુ સારો બનાવશે. તમે ઓરેંજ સાથે ગ્રીન, વ્હાઈટ, પિંક, યલો વગેરે રંગોનું કોમ્બિનેશન કરી શકો છો.

  પાંચમા નોરતે પહેરો સફેદ રંગ

  નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા સફેદ કપડાંમાં પોતાના ભક્તોને પસંદ કરે છે. તેથી, આ દિવસે તમે સફેદ રંગના મિક્સ અને મેચ કરીને સાડી અથવા સૂટ પહેરી શકો છો. વ્હાઇટ સૂટ પર મલ્ટી કલરનો દુપટ્ટો આ તહેવારમાં ખૂબ જ સુંદર લાગશે. સાથે જ વ્હાઈટ સાડી સાથે તમે ડાર્ક કલરના બ્લાઉઝને કોન્ટ્રાસ્ટ કરી પહેરી શકો છો.

  છઠ્ઠા નોરતે પહેરો લાલ રંગ

  છઠ્ઠા નોરતાના દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મા કાત્યાયનીને લાલ રંગ ખૂબ જ પસંદ છે, તેથી આ દિવસે લાલ રંગ પહેરવાનું શુભ માનવામાં આવે છે. તમે આ દિવસે લાલ રંગની ચણિયાચોળી અથવા સાડી પહેરી શકો છો. લાલ બનારસી સાડી આ દિવસે સોબર પણ રીચ લુક આપવામાં મદદ કરશે. તમે લાલ રંગનો સૂટ અથવા સ્કર્ટ, કુર્તી અને દુપટ્ટા પહેરીને પણ માતાની પૂજા કરી શકો છો. આ દિવસે લાલ બંગડીઓ પહેરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાલની સાતે અન્ય રંગો મિક્સ મેચ કરી શકાય છે.

  સાતમા નોરતે પહેરો બ્લ્યુ રંગ

  કાળાની જેમ શુભ પ્રસંગો દરમ્યાન લોકો બ્લ્યુ કલરને પણ અવોઈડ કરતા હોય છે, પણ આ નવરાત્રી તમારે આ રંગ ચોક્કસથી પહેરવો જોઈએ. નવરાત્રિનો આ દિવસ માં કાલરાત્રિનો છે. ભક્તો સાતમા દિવસે માં કાલરાત્રિની પૂજા કરે છે. આ દિવસે વાદળી રંગના કપડા પહેરીને માતાની પૂજા કરવી જોઈએ. જો તમે વિચારી રહ્યા છો કે આ દિવસે શું પહેરવું, તો વાદળી રંગના કોઈપણ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરવા જોઈએ. પૂજા માટે બ્લ્યુ સાડી અથવા ડ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે.

  આ પણ વાંચો - Navratri 2021: ઉપવાસ દરમિયાન આ ફરાળી વાનગીઓ આપશે શરીરને ઉર્જા

  આઠમા નોરતે પહેરો ગુલાબી રંગ

  માતાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા નવરાત્રિના આઠમા દિવસે કરવામાં આવે છે. ગુલાબી જેમ દરેક મહિલાનો પ્રિય રંગ છે તેમ જ માતાનો પણ પ્રિય છે. આ દિવસે ગુલાબી રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુલાબી રંગની સાડી અથવા ચણિયાચોળી પહેરી શકાય. જો તમારી પાસે ગુલાબી ડ્રેસ નથી, તો તમે મિક્સ અને મેચ કરીને પણ પહેરી શકો છો.

  નવમા નોરતે પહેરો જાંબલી રંગ

  માં દુર્ગાના નવમા સ્વરૂપ માં સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રિના અંતિમ દિવસે કરવામાં આવે છે જો તમે આ દિવસે જાંબલી રંગના કપડા પહેરો છો તો તે ખુબ સારું માનવામાં આવે છે. સામાન્ય રીતે જાંબલી કલરની સાડી પહેરો કે ચણિયાચોળી પહેરો તો માતા પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, તમે આ રંગની બંગડી અથવા એસેસરીઝ પણ પહેરી શકો છો સાથે જ કોઈ પણ આઉટફિટને મિક્સ એન્ડ મેચ પણ કરી શકો છો.

  આ નવ દિવસોમાં ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે તમામ પ્રયત્નો કરશે. જો તમે પણ માતાની કૃપા મેળવવા માંગતા હો તો દિવસ પ્રમાણે આ રંગોના પસંદગી કરી શકો છો.
  First published: