વર્તમાન સમયમાં તમામ લોકોનું ધ્યાન કોરોના (Coronavirus) મહામારી તરફ છે. દરેક જગ્યાએ કોરોના મહામારીના જોખમની ચર્ચા થઈ રહી છે. ત્યારે છેલ્લા બે દાયકાથી મોટાભાગના મોતનું કારણ બની રહેલી બીમારીઓને નજર અંદાજ કરી નાંખવામાં આવે છે.
આંકડા મુજબ દર વર્ષે 5.8 મિલિયન ભારતીયો કેન્સર (Cancer), ડાયાબીટીસ (Diabetes), અનિયંત્રિત હાઈપર ટેંશન (Hyper Tension) અને હૃદયરોગ (Heart Attack) જેવા નોન-કોમ્યુનિકેબલ ડીસીઝ (Non-Communicable Diseases)ના કારણે મોતને ભેટે છે.
આમાંના મોટાભાગના જીવલેણ રોગોની સારવાર કરવી મુશ્કેલ છે. પરંતુ આહારમાં ફેરફાર કરીને અને તંદુરસ્ત ખોરાકને સ્વીકૃત બનાવી તેને રોકી શકાય છે. ભારતમાં પણ વિકસિત દેશોની જેમ પેકેજ્ડ ખોરાકના વપરાશમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. જે સામાન્ય રીતે વધુ ખાંડ, મીઠું અને ચરબી વધારે છે. આવા ખોરાકનું પ્રમાણ હવે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ વધ્યું છે. લોકો પેકેજ્ડ ફૂડનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ખાંડ, મીઠું અને ચરબીના વધુ ઉપયોગ પર કડક પ્રતિબંધ મૂકી શકાય.
બ્રેસ્ટફિડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્ડિયા (બીપીએનઆઈ)ની સાથે ન્યુટ્રિશન એડવોકેસી ઇન પબ્લિક ઇન્ટરેસ્ટ (એનએપીઆઈ), એપીડેમિઓલોજિકલ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (ઇએફઆઈ) અને પેડિયાટ્રિક્સ એન્ડ એડોલેસ્ટન્ટ ન્યુટ્રિશન સોસાયટી (પીએએન) દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું. જેમાં ભારતમાં પ્રોસેસ્ડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના વપરાશને માર્ગદર્શન આપવા માટે ન્યુટ્રિશન પ્રોફાઇલ મોડેલ (NPM)ના મહત્વ વિશે ચર્ચા કરાઈ હતી. વૈશ્વિક તજજ્ઞો, ડોકટર અને વરિષ્ઠ વિજ્ઞાનિકોએ ખાદ્ય ઉદ્યોગ મામલે ખાસ ચર્ચા કરી હતી. બ્રાઝિલ, મેક્સિકો અને દક્ષિણ આફ્રિકાએ મીઠું, ખાંડ અને ચરબી માટે વિજ્ઞાનિક થ્રેશોલ્ડ સ્વીકારીને તેમના નાગરિકોની સુરક્ષા માટે નિર્ણાયક પગલા લીધા છે.
ન્યુટ્રિએન્ટ પ્રોફાઇલિંગ પોષણની રચના અનુસાર ફૂડ અને બેવરેજીસની વસ્તુઓના વર્ગીકરણ માટે વિજ્ઞાનિક પદ્ધતિ છે. તે સોડિયમ, સેચ્યુરેટેડ ફેટ અને એડેડ સુગરનો વપરાશ ઘટાડવા વિકસાવવામાં આવેલ છે.
ન્યુટ્રિએન્ટ પ્રોફાઇલિંગ મોડેલ(NPM) ખોરાક અને પીણાનું પૃથ્થકરણ કરી અનિચ્છનીય મીઠું, ખાંડ અથવા ચરબીયુક્ત ખોરાકને પારખવા અને અલગ પાડવામાં સહાય કરે છે.
NPM દ્વારા સ્થાપિત “કટ ઓફ”ના આધારે ફ્રન્ટ ઓફ પેક લેબલ ગ્રાહકોને ઉત્પાદનમાં ખાંડ, સોડિયમ કે ચરબી વધુ પ્રમાણમાં તો નથીં ને? તે અંગે જાણ કરે છે. જેથી તેઓ આરોગ્યપ્રદ ખોરાકનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ સાથે જ NPM પ્રમોશન અને માર્કેટિંગ પર પ્રતિબંધ મુદ્દે માર્ગદર્શન આપી શકે છે. જેમાં ખાસ કરીને બાળકો અને કિશોરોને ધ્યાનમાં લઈ શકાય છે.
બ્રાઝિલની સાઓ પાઉલો યુનિવર્સિટી, સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ન્યુટ્રિશન એન્ડ પબ્લિક હેલ્થના પ્રોફેસર તથા ગ્લોબલ એક્સપર્ટ પ્રોફેસર કાર્લોસ એ. મોંટેરોના મત મુજબ ઝડપથી કાર્ય કરવાના મહત્વ પર ધ્યાન આપવું જોઈએ, પરંતુ આ થ્રેશોલ્ડની સ્થાપનાની જાણકારી આપતા વિજ્ઞાનથી ભ્રમિત થવાનું નથી.
ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર કાર્લોસ એ. મોંટેરો આરોગ્ય અને ન્યુટ્રિશનમાં એપીડેમિઓલોજિકલ અધ્યયન કેન્દ્રના વડા પણ છે. તેમણે આ મામલે કહ્યું કે, NPMનું ફ્રેમવર્ક WHO અને તજજ્ઞો દ્વારા પૂરતા રિસર્ચ અને ફિલ્ડ લેવલની સ્ટડી બાદ બનાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, પ્રોફેસર મોન્ટેરો NOVA ક્લાસિફિકેશન અને લેટિન અમેરિકા માટે NPM મોડેલ વિકસાવવામાં મહત્વના હતા. તેઓ પ્રોસેસ્ડ ફૂડના જૂથ બનાવવાની પ્રથા શ્રેષ્ઠ માને છે. તેઓ કહે છે કે, WHO SEARO મોડેલ પ્રાંતના સભ્ય દેશો સાથે પરામર્શ કરવા માટે મૂકવામાં આવ્યું હતું. તે કોડેક્સ એલિમેન્ટરીઅસ અથવા ફૂડ કોડ સાથે સંપૂર્ણ રીતે ગોઠવાયેલું છે.
સરળ શબ્દોમાં કહીએ તો ભારતને પેકેજ્ડ ફૂડ અને બેવરેજીસ માટે મર્યાદાની જાહેરત અને આદેશ આપવાનો સારો સમય ક્યારેય મળ્યો નથી. ત્યારે સ્થૂળતાના વધતા જતા સ્તર વિશે ચિંતિત બ્રાઝિલે તબીબી રીતે સાબિત થ્રેશોલ્ડ અમલમાં મુક્યા છે. તેનું પાલન કરવું ફૂડ ઉદ્યોગ માટે ફરજિયાત બનાવ્યું છે. ભારતને પણ આવું જ કરવાનો સમય પાકી ગયો છે.
ભારતમાં ધીમે ધીમે પણ મક્કમતાથી છેલ્લા કેટલાક દસકામાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું ચલણ વધ્યું છે. વેચાણ ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે, અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સનં માથાદીઠ વેચાણ 2005માં 2 કિલો હતું. જે 2019માં વધીને આશરે 6 કિલો થઈ ગયું છે. 2024 સુધીમાં તે 8 કિલો જેટલું થવાનો અંદાજ છે. આવી જ રીતે બેવરેજીસનું વેચાણ પણ વધ્યું છે. જે 2005માં 2 L હતું. 2019માં વધીને 6.4 L થયું, 2024માં 10 L થઈ જશે તેવો અંદાજ છે.
બ્રેસ્ટફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઇન્ડિયાના કન્વેનર ડો. અરુણ ગુપ્તાએ ચેતવણી આપી કે, જંક અથવા પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગની આ તેજ વૃદ્ધિએ ભારતીયોના સ્વાસ્થ્ય પર છાપ છોડી દીધી છે. હવે ભારત વિશ્વમાં સ્થૂળતા અને ડાયાબિટીસનું કેન્દ્ર છે. કેન્સરનો દર ભયજનક ગતિએ વધી રહ્યો છે. યુવાનોમાં પણ હૃદયરોગનું જોખમ વધ્યું છે. NPM આરોગ્યપ્રદ અને બિનઆરોગ્યપ્રદ ખોરાકમાં તફાવત કરવા માટે સક્ષમ છે. તે તમામ ખોરાક અને પોષણની નીતિઓને માર્ગદર્શન આપી શકે છે. NPM ખાસ કરીને ખાંડ, ચરબી અને મીઠા જેવા સંભવિત હાનિકારક પોષક તત્વોનું વધુ પ્રમાણ ધરાવતા ખોરાકને યોગ્ય રીતે ઓળખવા અને અત્યારના પડકારરૂપ સમયમાં લોકોને સારા ખોરાકની પસંદગી કરવામાં સહાય કરી શકે.
દેશના ભૂતપૂર્વ આરોગ્ય સચિવ કેશવ દેસિરાજુએ ચેતવણી આપી છે કે આ હાનિકારક ફૂડ વિજ્ઞાનિક લિમિટ અપનાવવાનો માર્ગ સરળ રહેશે નહીં. તેમણે કહ્યું કે, નિયમ અને નીતિ ઘડનારાઓએ WHO દ્વારા નિર્ધારિત થ્રેશોલ્ડ મૂકવો આવશ્યક છે. જે સમગ્ર બોર્ડમાં લાગુ થશે એટલે આખું બજાર નવા ધોરણોને અમલમાં મૂકે તેની ખાતરી કરી શકાય.
ફૂડ અને બેવરેજીસ એમ બે કેટેગરીઝ માટે NPM મોડેલ શ્રેષ્ઠ કાર્ય કરે તેવું નિષ્ણાંતો માને છે. સિંગલ થ્રેશોલ્ડ NPM મોડેલ ફ્રન્ટ ઓફ પેકેજ લેબલ પોલિસી (એફઓપીએલ)ના અમલીકરણ અને દેખરેખ માટે સૌથી અસરકારક ઉપાય છે. ચીલી, ઇઝરાઇલ અને મેક્સિકો જેવા દેશોમાં સિંગલ થ્રેશોલ્ડવાળા મોડેલો સ્વીકારવામાં આવ્યા છે.
પ્રોફેસર એચ.પી.એસ. સચદેવે વિજ્ઞાનિક છતાં સરળ અભિગમની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણી ભાવિ પેઢીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવા મેદસ્વીપણા તથા અન્ય એનસીડીના ચિંતાજનક ટ્રેન્ડને પાછા વાળવા લાવવા માટે આપણે બધા પેકેજ્ડ ફૂડમાં મીઠું, ખાંડ અને ચરબીના પ્રમાણ અંગે લોકોમાં જાગૃતિ લાવવી પડશે. જેથી વીજ્ઞાન આધારિત NPM સરળ વોર્નિંગ લેબલ તરફ દોરી જાય તે અગ્રતા હોવી જોઈએ.
નોંધનીય છે કે, 2018માં ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઇન્ડિયા (FSSAI)એ FOPL માટેનું ડ્રાફ્ટ રેગ્યુલેશન પબ્લિસ કર્યું હતું. જે પછીથી વધુ ચર્ચા માટે પાછુ ખેંચી લેવામાં આવ્યું હતું. આ દરમિયાન 2019ના ડિસેમ્બર મહિનામાં FSSAIએ FOPLને સામાન્ય લેબલિંગ નિયમોથી અલગ પાડ્યું હતું. હાલમાં તે ભારત માટે વ્યવહારિક મોડેલ માટે સિવિલ સોસાયટી, ઉદ્યોગ અને નિષ્ણાતોની સલાહ લઈ રહી છે.
બીજી તરફ જોખમી તત્વો માટે યોગ્ય કટ ઓફ અંગે વિસ્તૃત સંશોધન થઈ ચૂક્યું છે. જેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશને તાજેતરમાં કરેલો અભ્યાસ પણ સામેલ છે. જે WHO દ્વારા નિર્ધારિત મીઠા, ખાંડ અને ચરબીની મર્યાદાને પુષ્ટિ આપે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર