સેક્સ એટલે કે જાતીય જીવનને લગતી ઘણી સમસ્યાઓ એવી હોય છે કે તે આપણે કોઈ સાથે શૅર નથી કરી શકતા. તેમજ તેમાં પણ જો કોઈ પ્રશ્નો પણ થાય તો તેના જવાબ ક્યાંથી યોગ્ય રીતે મળશે તે પણ એક મોટો પ્રશ્ન બની જતો હોય છે. તો મુંજાશો નહીં ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) આપશે તમારા દરેક પ્રશ્નોના જવાબ.
#કામની વાતઃ જાણો ડૉ. પારસ શાહ (સેક્સોલોજીસ્ટ) પાસેથી...
લગ્ન પહેલા કુંડલી મેળવવા નો આગ્રહ રાખવા કરતા એચ.આઇ.વી. અને થેલેસિમિયાની ચકાસણીનો મક્કમ આગ્રહ રાખવો જોઇએ
સમસ્યા- મારી ઉંમર 21 વર્ષની છે. આજથી બે વર્ષ પહેલા મારે એક ડૉક્ટર છોકરા જોડે શારીરિક સંબંધ રહ્યા હતા. તેને બીજી ઘણી છોકરીઓ સાથે પણ સંબંધ છે. મને તેની ખબર ન હતી. પછી મને ખબર પડી ત્યારથી એઇડ્સની ચિંતા થવા લાગી છે. તે કહે છે કે તે ડૉક્ટર છે. તેને જોવા માત્રથી જ ખબર પડી જાય કે એઇડ્સ છે કે નહી. જેથી તે કોન્ડમ વગર પર્હેયા વગર જ સંબંધ રાખે છે. મારી સાથે સંબંધ વખતે પણ અમે કોન્ડમ વાપરેલ ન હતો. મારે માત્ર એની જોડે જ સંબંધ હતો જે હવે નથી. મારા ટૂંક સમયમાં જ લગ્ન થવાના છે. હું ઘરમાંથી બહાર જઇ શકતી નથી. તો એઇડ્સની તપાસ કેવી રીતે કરાવવું? હું તમને મારુ બ્લડનું સેમ્પલ મોકલાવવું તો તમે તે તપાસ કરી જણાવી શકો છો?
ઉકેલ- એચ.આઇ.વી. અને એઇડ્સ એક એવી બીમારી છે કે તે અસુરક્ષિત જાતિય સંબંધ રાખવાથી ગમે તેને ગમે ત્યારે થઇ શકે છે. મને, તમને કે કોઇને પણ થઇ શકે છે. કહેવાનો મતલબ કે તે ઉંમર, હોદ્દો વગેરે જોતું નથી. અને કોઇ પણ વ્યક્તિ ને જોવાથી માત્ર ક્યારેક ખબર પડતી નથી કે તે વ્યક્તિને એચ.આઇ.વી. ની બીમારી છે કે નહી. એઇડ્સ એ એચ.આઇ.વી.ની આખરી મંઝિલ છે. માટે આપના મિત્રએ કહેલ વાત થી જાહેર થાય છે કે તેઓ આ હકીકતથી વાકેફ નથી અને તમારી સાથે રમત કરી રહ્યા છે. આ માટે આપે જાતે જ લેબોરેટરીમાં જવું પડે અને એચ.આઇ.વી. નું પરિક્ષણ કરાવવું પડે. આ માટે મને બ્લડનું સેમ્પલ મોકલવા કરતા આપના શહેરની કોઇ સાર લેબોરેટરીમાં જ આપ તપાસ કરાવી શકો છો. એમાં માત્ર પાંચ-છ કલાકમાં જ પરિણામ મળી જશે. માટે કોઇ જ ચિંતા કર્યા વગર એઇડ્સનું પરિક્ષણ કરાવી લો અને તે નેગેટીવ આવે તો ભૂતકાળ ભૂલી નવેસરથી જીંદગી શરૂ કરો. લગ્ન પહેલા દરેક માતા-પિતા અને છોકરા-છોકરીએ કુંડલી મેળવવા નો આગ્રહ રાખવા કરતા એચ.આઇ.વી. અને થેલેસિમિયાની ચકાસણીનો મક્કમ આગ્રહ રાખવો જોઇએ. આ આગ્રહ રાખવાથી સામેવાળાને કાંઇ જ ખરાબ લાગવું ના જોઇએ. છેલ્લે તો આપની જીંદગીનો સવાલ છે. આવનાર પેઢીનો સવાલ છે.
તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો Email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો