સમસ્યા- મારી ઉંમર 44 વર્ષની છે. લગ્નને 25 વર્ષથી વધુ સમય થઈ ગયેલ છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સાચુ કહુ તો શરૂઆતના એક-બે વર્ષ પછી જ મારા પતિને માત્ર સેક્સ ભોગવવામાં જ રસ છે. જ્યારે મને ઇચ્છા થાય કે સેક્સ પહેલા તેઓ મારી સાથે પ્રેમભર્યા શબ્દોની આપ-લે કરે, મારા વખાણ કરે વગેરે પરંતુ તેમને આ બધું ગમતું નથી આના કારણે મને ઘણીવાર લાગી આવે છે. શું દરેક પુરુષ આવા જ હશે?
ઉકેલ-આપનો પ્રશ્ન એ અનેક સ્ત્રીઓનો પ્રશ્ન છે. ઘણા યુગલો સમય જતા બીબીઢાળ, યાંત્રિક રીતે કરતા ક્ષણજીવી સમાગમ પૂરતા જ નજીક આવતા હોય છે. પુરુષોને લાગે છે કે તેઓ સ્ત્રીઓ વિષે બધું જ જાણે છે. કદાચ જાણતા હશે, પરંતુ પત્ની સિવાયની સ્ત્રીઓ માટે. સમાગમ પહેલા જો પત્નીને બે વાર પણ પગમાં નાની અમથી ઠોકર વાગશે તો પણ પતિ કહેશે કે “જાનું વધારે તો વાગ્યુ નથી ને” અને એ જ પત્નીને સમાગમ પતી ગયા પછી એકાદ વાર પણ ઠોકર લાગી જશે તો એજ પતિનું વાક્ય બદલાઇ જશે. તે કહેશે કે “દેખાતું નથી? જોઇને ચાલવામાં શું વાંધો આવે છે?” કોઇકે સાચું જ કહેલું છે કે ‘સ્ત્રી પ્રેમ પામવા સેકસ આપે છે, જ્યારે પુરષ સેકસ મેળવવા પ્રેમ કરે છે’ આપ પ્રેમ ઇચ્છો છો. આપના સૌંર્દયના વખાણ ઇચ્છો છો (જે 90 વર્ષની સ્ત્રી પણ ઇચ્છતી હોય છે) આ નોર્મલ વાત છે. અને દરેક પતિએ આ સમજવાની જરૂર છે. પરંતુ આ અંગે પતિને ટોકવાને બદલે એમને સમજાવો, તેમને રસ પડે તેવી વાતો કરો. પ્રેમાલાપ, આત્મીયતા, વિવિધ જાતીય રમતો એ મજબુત જાતીય જીવનનો આધાર સ્તંભ છે. દરેક યુગલે સમજવું જોઇએ એ માટે નિકટતા વધે એવા પ્રસંગો ઉભા કરો તે સંબંધને મજબૂત બનાવે છે. એક સાંજે બધું ભૂલી જઇ 10 વર્ષ પહેલાની ક્ષણો તાજી કરો. નાની ઉછળતી નવપરિણીત કન્યા બની જાવ. શક્ય છે પતિના જીવનમાં આવી જીંવત પળો નવો પ્રાણ પૂરી દે!