Home /News /lifestyle /

Homemade paneer: સરળ પદ્ધતિથી ઘરે જ બનાવો પનીર, આ રીતે રાખશો તો લાંબા સમય સુધી રહેશે Fresh

Homemade paneer: સરળ પદ્ધતિથી ઘરે જ બનાવો પનીર, આ રીતે રાખશો તો લાંબા સમય સુધી રહેશે Fresh

પનીર

HomeMade Recipe: જો તમે પહેલી વાર ઘરે પનીર બનાવી રહ્યા છો તો ચિંતા ન કરો, આ સરળ પ્રક્રિયા છે.

ભારતીય રસોઈમાં (Indian Kitchen) સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં પનીરનો સમાવેશ થાય છે. પનીર ટિક્કા, પાલક પનીર, મસાલેદાર પનીર મસાલા ગ્રેવી, પનીર પરાઠા જેવી અસંખ્ય વાનગીઓમાં પનીરની જરૂર પડે છે. ગુજરાતીઓના ઘરમાં પણ પનીરની (How to make Paneer) ચલણ ખૂબ ઝડપથી વધ્યું છે. પંજાબી વાનગી એટલે કે પનીરની વાનગી ઘરે બનાવવા મોટાભાગે પનીર બજારમાંથી લાવવામાં આવે છે. જે વાસી કે ખરાબ પણ હોય શકે છે. જેથી તેની ગણાવત્તા પર હંમેશા સવાલ ઉભો હોય છે. જેથી અહીં ઘરે પનીર કઈ રીતે બનાવી શકાય તેની પદ્ધતિ આપવામાં આવી છે. આ પનીર બજારમાં મળતા પનીર કરતા વધુ સોફ્ટ હશે અને ફ્રિજમાં લાંબો સમય સુધી સારું પણ રહેશે.

જો તમે પહેલી વાર ઘરે પનીર બનાવી રહ્યા છો તો ચિંતા ન કરો, આ સરળ પ્રક્રિયા છે. ઘરે પનીર બનાવવા માટે તમારે ફક્ત દૂધ અને વિનેગર અથવા લીંબુના રસની જરૂર પડે છે.

આવી રીતે બનાવો પનીર

બાઉલમાં દુધને હળવી આંચે ગરમ કરવા મુકો. મલાઈ જામે નહીં અને દૂધ બળી ન જાય તે માટે સમયાંતરે હલાવતા રહો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં વિનેગર અથવા લીંબુનો રસ નાખો. તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. તેને હલાવતા રહો. દૂધ ફટવા લાગશે. તેમાંથી પાણી અલગ થઈ જશે. દૂધ ફાટી જાય એટલે ગેસ બંધ કરો.

હવે અન્ય વાસણમાં ગરણી રાખી તેના પર મલમલનું સાફ કપડું રાખી તેમાં ફાટેલુ દૂધ ગાળી લો. કપડાને ઉઠાવી પોટલી જેવું બનાવો અને બધું જ પાણી નીચોવી નાખો. હવે તે પોટલીને નીચે એક થાળીમાં રાખી ઉપર કોઈ ભારે વસ્તુ મુકો. આવી રીતે 40 મિનિટ સુધી રાખો. ત્યારબાદ તમારું પનીર તૈયાર થઈ જશે.

મસાલા પનીર આવી રીતે બનાવો

મસાલા પનીર પણ સરળતાથી બની શકે છે. તપેલીમાં ઘી, જીરું, લીલા મરચા, ફ્લેક્સ, મરી પાવડર અને છીણેલું આદુ લઈ યોગ્ય રીતે મિક્સ કરો. યોગ્ય રીતે પાકી જાય એટલે તેની નીચે ઉતારી આ મિશ્રણને તમે બનાવેલા પનીર પર રડી દો અને તેને ચમચી કે કઈ સાધન વડે યોગ્ય રીતે મેશ કરો. હવે પનીરને સપાટ બાઉલમાં મૂકો અને મલમલના કપડાથી ઢાંકી દો અને 2 કલાક માટે ઠંડુ કરો. આવી રીતે તમારું મસાલા પનીર તૈયાર છે.

પનીરને સ્ટોર કરવાની સરળ રીત

આપણે ફ્રીજમાં પનીર સ્ટોર કરીએ ત્યારે તેની સપાટી લીલી થઈ જાય છે અથવા બહારથી શુષ્કતા આવે છે. પનીર બગડી પણ જાય છે. તો ચાલો પનીર સ્ટોર કરવાની સરળ રીત જાણીએ.

સૌ પ્રથમ એરટાઇટ કન્ટેનર અથવા બોક્સ લો. તેમાં પનીરનો ટુકડો નાંખો. હવે કન્ટેનરને પાણીથી ભરો (પનીર સંપૂર્ણપણે ડૂબી જાય એવી રીતે). ત્યારબાદ બોક્સને બંધ કરો અને તેને ફ્રિજમાં રાખો. અહીં ધ્યાન રાખવું તમારે દર બીજા દિવસે તેનું પાણી બદલવું પડશે. આવી રીતે પનીર 2-3 દિવસ સારું રહેશે.

આ પણ વાંચો - લાઇફસ્ટાઇલની અન્ય રસપ્રદ માહિતી માટે અહીં ક્લિક કરો.

• આવી રીતે એક મહિના સુધી પનીર નહીં થાય ખરાબ

તમે પનીરને સરળતાથી 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. આ માટે તમે પહેલા પારદર્શક પોલીથીન લો. રંગબેરંગી પોલીથીન વાપરવાની જરૂર નથી. તમારી પોલિથિન સંપૂર્ણપણે સ્વચ્છ હોવી જોઈએ. ઝિપલોક બેગનો પણ ઉપયોગ કરી શકાય છે. હવે તેમાં લગભગ 1 ચમચી સફેદ વિનેગર નાંખો અને તેને પોલીથીનમાં સારી રીતે પાથરી દો. હવે તેમાં પનીર નાખી અને તેને બંધ કરો. અહીં ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે, પોલિથિનની અંદર હવા ન હોવી જોઈએ. તમે તેને ફ્રિજ અથવા ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો.

આમ કરવાથી તમે પનીરને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. જો કે, તમારે 15 દિવસમાં આ પોલીથીન બદલવી પડશે અને પછી પનીરને ફરી જૂની રીતે રાખવુ પડશે. જ્યારે પનીરનો ઉપયોગ કરવાનો હોય ત્યારે તેને પોલિથિનમાંથી બહાર કાઢી તેને ગરમ પાણીમાં નાંખો. જેનાથી તે નરમ બનશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Home tips, Lifestyle, આરોગ્ય, રેસીપી

આગામી સમાચાર