સામાન્ય રીતે આપણા ગુજરાતીઓનાં ઘરમાં સવારથી લીલો કચરો (green waste) ભેગો થવાનો શરૂ થાય છે. લીલો કચરો એટલે ફળની છાલ, શાકભાજીનાં ડૂંડા, ફૂલો અને વધેલું જમવાનું. આ બધું જ આપણે કાંઇપણ સમજ્યા વગર કચરાપેટીમાં પધરાવતા હોઇએ છીએ. પરંતું તમને કોઇ કહે કે, આ લીલા કચરાને પણ તમે ફરીથી વાપરી શકો છો. લીલા કચરામાં એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર જ તમે ઘરે જ થોડી ધીરજ રાખીને જૈવિક ખાતર (organic fertilizer at home) બનાવી શકો છો. તમે આનો ઉપયોગ કિચન ગાર્ડન (kitchen Garden) કે ઘરમાં બનાવેલા નાનકડા ગાર્ડનને વિકસાવવામાં કરી શકો છો.
તો આજે આપણે આ કચરામાંથી જૈવિક ખાતર કઇ રીતે બને તે જોઇશું. આ ઘણી જ સરળ રીત છે.
ખાતર બનાવવા માટે કપડાની મોટી થેલી, મોટું વાસણ અથવા થોડું તૂટેલા માટલાનો પણ ઉપયોગ કરી શકો છો. જો માટલાનો ઉપયોગ કરતાં હોવ તો તમે તેમાં 3થી 4 નાના કાંણા પાડવા. જેથી થોડી હવાની અવર જવર થઇ શકે.
આ સાથે નીચે જાળી વાળુ કપડું મૂકી તૂટેલા માટલાના ટુકાડા મુકવા.
પછી તેમાં શાકભાજીની છાલ અને છોતરા, ફળની છાલ અથવા અન્ય કિચન વેસ્ટ નાખવો.
તેની ઉપર માટી અને રેતીનું એક સ્તર કરવું. એટલે રોજ તમે તમારો લીલો કચરો આમાં નાંખો અને તેમાં ઉપરથી થોડી માટી અને રેતી કે તમે સૂંકા પાંદડા પણ નાંખી શકો છો. ખાતરમાં ભેજ રહે માટે 3 દિવસે એક વાર થોડું જ પાણી છાટવું.
વાસણ ભરાયા બાદ 15 દિવસથી એક મહિના સુધી ઢાંકી રાખવું. આને તમારે બેથી ત્રણ દિવસે ખોલીને ઉપરનીચે કરવું. ખાતર થઇ જશે એટલે એકદમ અલગ જ લાગશે.
આ ઉપરાંત તમે ચાના કૂચામાંથી પણ ખાતર બનાવી શકો છો. ચાના કૂચામાંથ વધારાનું પાણી કાઢી લો અને તેને એક માટીના કુંડામાં નાખો. આ કુંડાની નીચે કાણું રાખો. આ કુંડામાં રોજ ચાના કૂચા જમા કરતા રહો. તેમાં પાણી કે બીજુ કશું જ નાખવાની જરૂર નથી. આ કુંડાને ઢાંકીને રાખો જેથી માખી અને બીજા કીડા દૂર રહે. 30થી 45 દિવસ પછી તેના પર ફૂગની એક પરત બની જશે. આ કુદરતી પ્રક્રિયા છે અને તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેનાથી ખબર પડશે કે ખાતર બરાબર બની રહ્યું છે. આ આખીય પ્રક્રિયા પુરી થવામાં 90 જેટલા દિવસ લાગે છે. જ્યારે ચાના કૂચા એકદમ સુકાઈ જાય છે ત્યારે માની લેવુ કે ખાતર બની ગયું છે. ત્યારબાદ કુંડાને થોડા દિવસ માટે તડકામાં રાખવાનું છે. અને પછી તેનો ઉપયોગ જમીનમાં કે કુંડાઓમાં ખાતર તરીકે થઈ શકે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર