આજકાલ મોટાભાગના યુવાનો 18 થી 25 વર્ષની ઉંમરે ધૂમ્રપાન (Smoking) અને આલ્કોહોલનું સેવન કરવાનું શરૂ કરે છે. ભૂખને શાંત કરવા માટે ઘરે બનાવેલા ખોરાકને બદલે જંક ફૂડ (Junk Food) પર આધાર રાખે છે. તેમજ વ્યસ્ત જીવનશૈલી (Busy Lifestyle) પણ યુવાનો તેમને બેદરકાર બનાવી રહી છે. અધૂરામાં પૂરું, નોકરી ધંધા બાબતે તણાવ (Stress), ઊંઘની (Insomnia) તકલીફ અને થાક જેવી સમસ્યાઓ ઉભી જ છે. જેના કારણે હાર્ટ એટેક (Heart Attack) અને સ્ટ્રોક (Stroke) જેવી જીવલેણ તકલીફો ઉભી થઇ શકે છે. આવી તકલીફો પુરુષોને વધુ થતી હોવાની માન્યતા છે. પરંતુ આ માન્યતાનું ખંડન કરતા આશ્ચર્યજનક આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે, વર્ક પ્રેશરના કારણે પુરુષો કરતા મહિલાઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું પ્રમાણ વધ્યું છે!
યુરોપિયન સ્ટ્રોક ઓર્ગેનાઇઝેશન (ESO) કોન્ફરન્સમાં રજૂ થયેલા અભ્યાસ મુજબ આમ તો ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હાઈ કોલેસ્ટ્રોલ, ધૂમ્રપાન, સ્થૂળતા અને શારીરિક નિષ્ક્રિયતાને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે જોખમી પરિબળો તરીકે ઓળખવામાં આવે છે, પણ તાજેતરમાં કામના દબાણ અને ઊંઘની સમસ્યાઓ જેવા જોખમી પરિબળો કાર્ડિયોવેસ્ક્યુલરના ખતરામાં વધારો કરતા હોવાનું સામે આવ્યું છે.
મહિલાઓમાં વધી રહી છે સમસ્યા
યુનિવર્સિટી હોસ્પિટલ ઝુરિચના ન્યુરોલોજિસ્ટ ડૉ. માર્ટિન હેન્સલ અને તેમની ટીમ દ્વારા જણાવાયું હતું કે, પુરુષો મહિલાઓ કરતા હાર્ટ એટેક અને સ્ટ્રોકથી વધુ અસરગ્રસ્ત હોવાનું માનવામાં આવે છે. જોકે, અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, મહિલાઓની તુલનામાં પુરુષો વધુ ધૂમ્રપાન કરે છે અને મેદસ્વી હોવાની સંભાવના વધારે છે, પરંતુ સ્ત્રીઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોક પાછળ કારણભૂત કામનો તણાવ, ઊંઘની તકલીફો અને થાક જેવા નવા પરિબળોનું પ્રમાણ વધ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, ફૂલ ટાઈમ કામ કરતી મહિલાઓ સાથે આ આંકડો પણ વધી રહ્યો છે. કામનો તણાવ, ઊંઘની તકલીફો અને થાક જેવી બાબતોમાં કામ અને ઘરેલું જવાબદારીઓ અથવા અન્ય સામાજિક-સાંસ્કૃતિક પાસાઓ સામે ઝઝૂમવા સહિતના પરિબળો કારણભૂત હોય છે. તેમજ આપણી વ્યસ્ત જીવનશૈલીમાં ભુલાઈ જતી મહિલાઓની ખાસ આરોગ્ય જરૂરિયાત પણ તેમાં જવાબદાર હોય શકે છે.
જોખમી તકલીફોની ફરિયાદ કરતી મહિલાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો
સંશોધકોએ 2007, 2012 અને 2017ના સ્વિસ હેલ્થ સર્વેમાં 22,000 પુરુષો અને મહિલાઓના ડેટાની સરખામણી કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે નવા જોખમી પરિબળોની ફરિયાદ કરતી મહિલાઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. 2007માં ફૂલ ટાઈમ કામ કરતી 38 ટકા મહિલાઓને અસર હતી, જે 2017માં વધીને 44 ટકા થઈ હતી.
પુરુષો અને મહિલાઓમાં કામનું તણાવ વધ્યું
પુરુષો અને મહિલાઓમાં કામનું તણાવ વધ્યું છે. 2012માં કામનું તણાવ 59 ટકા હતું જે 2017માં વધીને 66 ટકા થઈ ગયું હતું. બીજી તરફ થાકની ફરિયાદ કરતા લોકોનું પ્રમાણ 23 ટકાથી વધી 29 ટકા થયું છે. આ જ સમયગાળામાં ઊંઘની તકલીફની ફરિયાદો 24 ટકાથી વધી 29 ટકા સુધી પહોંચી છે. પુરુષો (5 ટકા) અને મહિલાઓમાં (8 ટકા) ઊંઘની જોખમી તકલીફમાં વધારો થયો છે.
કાર્ડિયોવેસ્ક્યુલર રોગને આમંત્રણ આપતા સામાન્ય જોખમો આ સમયગાળામાં સ્થિર રહ્યા હતા. જેમાં 27 ટકા લોકો હાઈપરટેન્શન, 18 ટકા કોલેસ્ટ્રોલમાં વધારો અને 5 ટકા ડાયાબિટીસથી પીડાતા હતા. આ સાથે જ સ્થૂળતા વધીને 11 ટકા થઈ ગઈ હતી. જ્યારે ધૂમ્રપાનમાં ધટાડો જોવા મળ્યો હતો. ધૂમ્રપાન દરરોજ આશરે 10.5થી ઘટીને 9.5 સિગારેટ થઈ ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર