ઉનાળામાં પીવો વરિયાળીનું પાણી, કબજિયાત સહિતની તકલીફ થશે દૂર

ઉનાળામાં પીવો વરિયાળીનું પાણી, કબજિયાત સહિતની તકલીફ થશે દૂર
વરીયાળીના ફાયદા (પ્રતિકાત્મક તસવીર)

વરીયાળી માત્ર માઉથ ફ્રેશનર તરીકે જ કામ આવતી નથી, તેનો ઉપયોગ શરીરમાં ઉભી થયેલી સમસ્યાઓ દૂર કરવા પણ થાય છે. વરીયાળી આયુર્વેદિક ઔષધિ છે.

  • Share this:
નવી દિલ્હી : ઘણા લોકો મોઢાની દુર્ગંધથી બચવા માટે વરીયાળી ખાવાનું પસંદ કરે છે, મુખવાસ તરીકે પણ વરીયાળી ખાય છે. વરીયાળી માત્ર માઉથ ફ્રેશનર તરીકે જ કામ આવતી નથી, તેનો ઉપયોગ શરીરમાં ઉભી થયેલી સમસ્યાઓ દૂર કરવા પણ થાય છે. વરીયાળી આયુર્વેદિક ઔષધિ છે. જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. વરિયાળીમાં કેલ્શિયમ, સોડિયમ, આયરન અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ઘણા લોકો ઉનાળામાં વરિયાળીનું શરબત પણ પીવે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીર ઠંડુ રહે છે અને પેટની સમસ્યાઓથી છુટકારો મળે છે.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય તેમને દિવસમાં એક વખત વરિયાળીનું પાણી પીવું જ જોઇએ. વરિયાળીનું પાણી બનાવવા માટે રાત્રે એક ગ્લાસમાં પાણી લઈ 2 ચમચી વરીયાળી અને થોડીક સાકર પલાળીને રાખી દો. સવારે આ પાણીને ગાળીને પી જાવ. આવું કરવાથી બિમારીમાંથી છૂટકારો મળશે. તો ચાલો જાણીએ, ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી કયા કયા ફાયદા થાય છે.



વજન ઘટાડવા ઉપયોગી

વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેથી વ્યક્તિને પેટ ભરેલું હોય તેવું લાગે છે. વરિયાળીમાં કેલેરીનું પ્રમાણ નહીંવત્ હોય છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વરિયાળી શરીરમાં ચરબીને એકઠી થવા દેતી નથી. પરિણામે સ્થૂળતાનું જોખમ પણ ઘટાડે છે. આ ઉપરાંત વરિયાળીનું પાણી પીવાના કારણે ઝેરી તત્વો પણ શરીરની બહાર નીકળી જાય છે. શરીરમાં ચયાપચનની પ્રક્રિયા ખૂબ સારી રીતે થાય છે. જે વજન ઓછું કરવા મદદરૂપ બને છે.

પેટની સમસ્યાથી છુટકારો

ઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી પેટ અને શરીર ઠંડુ રહે છે. પેટની બીમારીઓમાંથી છુટકારો મળે છે. કબજીયાત અને પેટના દુ:ખાવાથી રાહત મેળવવા પણ લોકો વરિયાળીનું પાણી પીવે છે.

કબજિયાત દૂર કરે

વરિયાળીમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જેનાથી પાચન સારું થાય છે. કબજિયાતની સમસ્યા દૂર થાય છે. વરિયાળીનું પાણી નિયમિત પીવાથી ગેસ અને એસીડીટી સમસ્યા પણ દૂર થાય છે. જે લોકો અપચા અને કબજિયાત પીડાતા હોય તેમણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. તેનાથી પેટ સારી રીતે સાફ થઈ જાય છે અને લીવર સ્વસ્થ રહે છે.

આંખો માટે અસરકારક

વરીયાળીના કારણે આંખોનું વિઝન સારું થાય છે. જો તમે રોજ વરિયાળીનું પાણી પીવો તો આંખો તંદુરસ્ત રહે છે અને તેમાં ઇન્ફેક્શન લાગતું નથી.

યાદશક્તિ વધારે

યાદ શક્તિ વધારવા માટે પણ વરિયાળીનું સેવન લાભદાયક રહે છે. તે માટે વરિયાળી અને સાકરનું પાણી પીવું જોઈએ.

ઉધરસમાં રાહત આપે

ખાસી વધી જાય તો લવિંગ સાથે વરિયાળીનું સેવન કરવું ફાયદાકારક રહે છે. 10 ગ્રામ વરીયાળીના રસમાં મધ ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત સેવન કરવું. જેનાથી ઉધરસ મટી જશે. વરિયાળીનો ઉકાળો બનાવવા એક ચમચી વરિયાળી અને બે ચમચી અજમો એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. તેને ગાળી મધ ભેળવી પી જાવ. ઉધરસ દૂર થઈ જશે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનો સામાન્ય જ્ઞાન પર આધારિત છે. ન્યુઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
Published by:News18 Gujarati
First published:June 15, 2021, 23:06 IST

ટૉપ ન્યૂઝ