કોરોના રસી મુકાવ્યા બાદ યુવાનો અને વૃદ્ધોમાં સાઈડ ઇફેક્ટનું પ્રમાણ અલગ અલગ શા માટે? જાણો શું છે કારણ

ફાઈલ તસવીર

કોરોના મહામારીને રોકવા માટે વર્તમાન સમયે રસીકરણ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેથી વિશ્વભરમાં ઘણા દેશો રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. ભારતમાં પણ દરેક રાજ્યમાં નાના મોટા વિસ્તારોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

  • Share this:
Corona Vaccination: કોરોના મહામારીને રોકવા માટે વર્તમાન સમયે રસીકરણ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. જેથી વિશ્વભરમાં ઘણા દેશો રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. ભારતમાં પણ દરેક રાજ્યમાં નાના મોટા વિસ્તારોમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રસીકરણ બાદ અલગ-અલગ પ્રકારના સાઈડઈફેક્ટ સામે આવે છે. પરંતુ તેનો મતલબ એમ નથી કે રસીકરણ કરાવવું ન જોઈએ. કોરોનાની રસી મુકાયા બાદ સાધારણ સાઇડઈફેક્ટ જોવા મળે છે. જેમાં શરીરનું ભારેખમ થઈ જવું, તાવ આવવો જેવી તકલીફ સામેલ છે. એનબીટીના અહેવાલ મુજબ કેટલાક લોકો એવા પણ છે, જેને રસી મુકાયા બાદ કશું થતું નથી. પરંતુ સવાલ એ છે કે, આવું થઈ કેમ રહ્યું છે? શા માટે દરેક ઉંમરની વ્યક્તિ પર અલગ-અલગ પ્રભાવ દેખાઈ રહ્યો છે.

દરેક વ્યક્તિમાં અલગ અલગ સાઈડ ઇફેક્ટ કેમ

કોરોના રસી મુકાયા બાદ થતી અસરને ઈંફલામેટરી રિએક્શન કહેવાય છે. તે રિએક્શન વ્યક્તિની ઉંમર, લિંગ અને વેકસીન મુજબ અલગ અલગ હોઈ શકે છે. યુવાનો પર રસીની આડ અસર વધુ જોવા મળતી હોવાનું કહેવાય છે. મધ્ય ઉંમર અને વધુ ઉંમરના લોકોમાં તે ઓછી દેખાય છે

વર્તમાન સમયે સંશોધકો આ બાબતે જાણકારી મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. તેમનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, વેકસીનેશનનો પ્રભાવ દરેક વ્યક્તિ પર અલગ-અલગ કેમ જોવા મળે છે? ખાસ કરીને 45 વર્ષ બાદની મહિલાઓ પર રસીકરણનો પ્રભાવ વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યો છે. યુકેના ટોચના વિશ્વવિદ્યાલયે તાજેતરમાં રસીકરણની અસરોને લઈને કેટલાક પરીક્ષણો કર્યા હતા. જેમાં કઈ ઉંમરના લોકો પર રસીકરણનો પ્રભાવ સૌથી વધુ જોવા મળે છે તેનો ખ્યાલ આવ્યો હતો.

વૃદ્ધોમાં જોવા મળે છે આ પ્રકારના સાઈડ ઇફેક્ટ

વ્યક્તિ પોતાની યુવાવસ્થામાં ઉર્જાથી ભરેલો હોય છે. તે સમયે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત હોય છે. બીજી તરફ ઉંમર વધવાની સાથે ક્ષમતા ઓછી થતી જાય છે. immune system પણ નબળી પડે છે. આવું જ રસી લગાવ્યા બાદ થાય છે. વેક્સિન લગાવ્યા બાદ immune system નબળી થઈ જવાથી વૃદ્ધોમાં ઓછી સાઇડ ઇફેક્ટ જોવા મળી રહ્યા છે. આ જ કારણ છે કે, યુવાનોમાં રસી મુકાયા બાદ બહોળા પ્રમાણમાં રિએક્શન જોવા મળે છે, જ્યારે વૃદ્ધોમાં રિએક્શન ઓછું હોય છે. ઉલ્લેખનીય છે કે, 65 વર્ષ કે તેથી વધુના લોકો પર કરાયેલા ટ્રાયલ આ બાબતને ટેકો આપે છે.

સંશોધકોનું કહેવું છે કે, વૃદ્ધોમા જોવા મળતાં રિએક્શનમાં દુ:ખાવો થવો, શરીર લાલ થઈ જવું, સોજો થવો અને થાકનો અનુભવનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, રસી મુકાવ્યા બાદ વૃધોમાં તાવની સમસ્યા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. ફાઇઝર અને મોડર્નાનો ડોઝ લેનાર બુઝુર્ગોમાં સાઈડ ઇફેક્ટ ઓછી જોવા મળી છે.

યુવાનો પર જોવા મળે છે પ્રભાવ

યુવાનોમાં ઇમ્યુનિટી વધુ પ્રમાણમાં હોય છે. 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ઇમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે. તેઓ બીમારી પ્રત્યે ઓછા સંવેદનશીલ હોય છે. અલબત, રસી મુકાયા બાદ તેમના શરીરમાં immune system ખૂબ ઝડપથી કામ કરે છે. જેના કારણે તેમનામાં વધુ રિએક્શન જોવા મળી રહ્યા છે. આવા રિએક્શન 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ખૂબ ઓછા હોય છે. યુવાનો અથવા ઓછી ઉંમરના લોકોમાં રસીકરણ બાદ વધુ પ્રમાણમાં આડ અસર જોવા મળે છે, તેવું અત્યાર સુધીમાં સામે આવ્યું છે. આડઅસરોમાં થાક લાગવો, ઠંડી લાગવી, સાંધા અને પીઠમાં દુઃખાવો સામેલ છે.

મહિલાઓમાં ગભરામણ અને પેટના દુ:ખાવાના લક્ષણો

​રસી લીધા બાદ મહિલાઓમાં અસામાન્ય લક્ષણો સામે આવી રહ્યા છે. જેમાં ગભરામણ થવી, પેટનો દુ:ખાવો, ઉબકા તેમજ પીરિયડ્સ દરમિયાન અસ્થાઈ પરિવર્તન જેવી બાબતો સામેલ છે. આ ઉપરાંત હૃદયના ધબકારા વધવા, અશક્તિ, અને ગળામાં તકલીફ પડવી જેવા વધુ લક્ષણો પણ જોવા મળી શકે છે. જોકે, વેકસીન લીધા બાદ સાઈડ ઈફેક્ટ જોવા મળે જ તેવું પણ નથી. તમારા શરીરમાં રિએક્શન ખૂબ ઓછું અથવા તો નહીવત હોય તેવું પણ બને. આ બધા રિએક્શનનો મતલબ છે કે, વેકસીન તમારા શરીરમાં સારી રીતે કામ કરે છે.

રસી લીધા બાદ એલર્જી થાય તો શું કરશો?

​તમને આડઅસર કે અન્ય પ્રકારનું રિએક્શન થાય તેવી શક્યતા ઓછી છે. રસી લીધા બાદ એલર્જી અથવા ખરાબ અસર ત્યારે જ જોવા મળે છે, જ્યારે વ્યક્તિ અગાઉથી કોઈ એલર્જીથી પીડાતા હોય અથવા રસીની અંદર રહેલી કોઈ વસ્તુથી સંવેદનશીલ હોય. જો તમારી સાથે પણ આવું થાય તો ડોક્ટરે કહેલી બધી જ વાતનું પાલન કરો. જરૂર પડે તો ડોક્ટરની સલાહ લો. જે લોકોને કોરોનાની રસીનું વધુ રિએક્શન થયું હોય કે અન્ય પ્રકારની એલર્જી અનુભવ થયો હોય, તેઓમાં બેહોશ થઈ જવું, અનિયમિત ધબકારા, પરસેવો વળવો અને ત્વચામાં રિએક્શન જેવા લક્ષણો જોવા મળતા હોવાનું રિસર્ચમાં સામેલ નિષ્ણાંતોનું કહેવું છે. જો તમને કોઈ પ્રકારની એલર્જી હોય તો તેનું નિદાન સારવાર સરળતાથી થઈ શકે છે. જેથી કોઈપણ સ્થિતિમાં રસીનો ડોઝ લેવો જોઈએ. જો કોઇ સમસ્યા અગાઉથી હોય તો ડોક્ટર સાથે ચર્ચા કરવી.
Published by:kuldipsinh barot
First published: