ભારતના સૌથી મોટા રસીકરણ જાગૃતિ અભિયાનમાં ઉત્તરપ્રદેશ સરકાર જોડાઇ

સંજીવની

લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા અને રસી લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે 7 એપ્રિલ 2021ના રોજ અમૃતસરમાં અટારી સરહદેથી સંજીવની પહેલનો પ્રારંભ થયો હતો

  • Share this:
    શ્રૃતિ ભટ્ટ / 13 ઑગસ્ટ, 2021
    ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં રસી લેવા અંગે ખચકાટના ઊંડા મૂળિયાને દૂર કરવા માટે, ઉત્તરપ્રદેશ સરકારે તાજેતરમાં Network18 અને Federal Bank ના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી રસીકરણ જાગૃતિ પહેલ ‘સંજીવની- અ શોટ ઓફ લાઇફ’ સાથે જોડાણ કર્યું છે. ભારતના સૌથી મોટી રસીકરણ જાગૃતિ અભિયાન સાથે જોડાઇને, યોગી સરકાર રાજ્યમાં રસીકરણની કામગીરી વધુ વ્યાપક બનાવવા માંગે છે 100% રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે.
    કોવિડ-19ના કેસોમાં વધારો થઇ રહ્યો છે અને ત્રીજા ચરણનો ડર આસપાસમાં ઘેરી વળ્યો છે ત્યારે, રાજ્ય સરકારો સામુહિક રસીકરણ માટે તૈયારીઓ કરી રહી છે. ઉત્તરપ્રદેશ પહેલાંથી જ રસીકરણ કવાયતમાં અગ્રણી રાજ્ય છે અને તાજેતરમાં જ તેમણે 5.50 કરોડ કરતાં વધારે રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે અને આજદિન સુધીમાં 5,51,27,657 લોકોને રસીકરણ દ્વારા સુરક્ષિત કર્યાં છે.

    પ્રભાવશાળી આંકડાઓ હોવા છતાં, ગામડાઓમાં હજુ પણ એક એવો વર્ગ છે જેઓ રસી અંગે ફેલાવવામાં આવતી માન્યતાઓ અને ખોટી માહિતીના પ્રભાવ હેઠળ રસી લેવા માટે ખચકાય છે. સંજીવની સાથે ભાગીદારી દ્વારા, રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારો સુધી પોતાની જનસંપર્કની પહોંચનું વિસ્તરણ કરશે અને લોકોને રસી લેવા માટે સમજાવીને તેમને સંમત કરશે.

    લોકોમાં રસીકરણ અંગે જાગૃતિ ફેલાવવા અને રસી લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે 7 એપ્રિલ 2021ના રોજ અમૃતસરમાં અટારી સરહદેથી સંજીવની પહેલનો પ્રારંભ થયો હતો. રસી લેવા અંગે લોકોના ખચકાટ સામે પાયાના સ્તરેથી લડવાના તેના મૂળ જુસ્સા સાથે, આ અભિયાન અંતર્ગત ‘સંજીવની ગાડી’ લોન્ચ કરવામાં આવી હતી જે કોવિડ-19થી સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લાઓના સંખ્યાબંધ ગામડાંઓમાં પહોંચી. રસીકરણ માટેના આ અભિયાનને માર્ગ પર લાવવા માટે, અટારીથી શરૂ કરીને દક્ષિણ કન્નડ સુધી આ વાહન 500 કરતાં વધારે ગામડાંઓ સુધી પહોંચ્યું છે. લોકોના ઘરે ઘરે જઇને કમ્યુનિકેશન, 24/7 વોટ્સએપ અને ચેટ સપોર્ટ દ્વારા આ અભિયાને છેવાડાના લોકો સુધીમાં રસીકરણ અંગેની જાગૃતિ ફેલાવવામાં અગત્યની ભૂમિકા નિભાવી છે.

    લોકોમાં જાગૃતિ ફેલાવીને અને કોવિડ-19 રસી સંબંધિત માન્યતાઓનું ખંડન કરીને, આ જોડાણ ઉત્તરપ્રદેશમાં હાલમાં સઘન રીતે ચાલી રહેલી રસીકરણની કવાયતમાં વધુ વેગ ઉમેરશે.
    Published by:Margi Pandya
    First published: